આધ્યાત્મિક ગુરુઓ વિચારશૂન્યતાની વાત કરે છે. મનુષ્ય 24 કલાકમાં સરેરાશ કેટલા વિચારો કરતો હશે?*ડો. શરદ ઠાકર*

ભારત સમાચાર

આધ્યાત્મિક ગુરુઓ વિચારશૂન્યતાની વાત કરે છે. મનુષ્ય 24 કલાકમાં સરેરાશ કેટલા વિચારો કરતો હશે? છેલ્લા બે દાયકામાં થયેલાં વૈજ્ઞાનિક સર્વેક્ષણો એવું કહે છે કે માનવી 24 કલાકમાં સરેરાશ 70-80 હજાર જેટલા વિચારો કરે છે. પ્રતિ કલાકમાં લગભગ 2500-3000 જેટલા વિચારો. દર મિનિટે લગભગ 500થી 600.

આ વિચારોનું પૃથક્કરણ કરી શકાય? મેં અંગત રીતે નાનકડો સર્વે કર્યો છે. પહેલા પુરુષોની વાત કરીએ. જે પુરુષો રાજકારણમાં, મોટી ઇન્ડસ્ટ્રીઝનાં સંચાલનમાં અથવા એવી જ કોઇ તણાવપૂર્ણ વ્યસ્તતામાં રોકાયેલા હોય તેમના વિચારો તેમના ક્ષેત્રને લગતા હોય છે. પરંતુ સરેરાશ પુરુષની વાત કરીએ તો પ્રતિ દિન 70થી 80 હજાર જેટલા વિચારોમાંથી મોટો સિંહભાગ પ્રેમ, સેક્સ અને સ્ત્રીના વિચારોમાં રોકાયેલો હોય છે. પત્ની, પ્રેમિકા, સુંદર પડોશણ, રસ્તે જતા ભટકાઇ ગયેલી આકર્ષક સ્ત્રી અથવા નોકરીનાં સ્થળે કામ કરતી સહકર્મચારી સ્ત્રી; ઉપરઉપરથી સંસ્કારી અને ભદ્ર દેખાતો પુરુષ એ સુંદર નારીદેહના રમ્ય વિચારોમાં ખોવાયેલો રહે છે. આ વાત બધા પુરુષોની નથી. સ્ત્રીસૌંદર્યને બાદ કર્યાં પછી બાકીના વિચારો પૂરા જગતને આવરી લે છે. નોકરી, આવક, મોંઘવારી, પત્ની અને બાળકોની ચિંતા, ટ્રાફિકનો તણાવ, સંતાનોનું શિક્ષણ, મનોરંજન, વસ્ત્રો, ભોજન, પ્રવાસ આ બધું જ નાનકડી ટકાવારીમાં આવી જાય છે. માટે જ સંતો કહે છે કે માણસે કુવિચારોમાંથી મુક્ત થવું જોઇએ. પુરુષોએ કાને ધરવા જેવી વાત છે.

મારી પરિચિત મહિલાઓમાં પણ મેં આ પ્રકારનું સર્વેક્ષણ કર્યું છે. જે પરિણામ જાણવા મળ્યું તે મારા માટે અપેક્ષા બહારનું રહ્યું છે. મારા મનમાં એવી ધારણા હતી કે સ્ત્રી હોય કે પુરુષ, અંતે તો બંને મનુષ્યો જ છે. માટે એમના વિચારો પણ સરખા જ હશે. પરંતુ મોટા ભાગની બહેનોએ નિખાલસતાપૂર્વક મને જણાવ્યું કે તેઓ દિવસભર ઘરનાં અને ઓફિસનાં કામ વિશે જ વિચારતી હોય છે. જો તે હાઉસવાઇફ હોય તો સતત ઘરકામનો તણાવ અને પતિ તથા સંતાનોનો સમય સાચવવાની તકેદારી એમનાં મનને રોકી રાખે છે. વર્કિંગ વીમેન એમની ઓફિસના સ્ટ્રેસમાં ડૂબેલી રહે છે. 24 કલાકમાં કોઇ અભિનેતા, મોડેલ, પતિ, પ્રેમી કે સંપર્કમાં આવતા હેન્ડસમ પુરુષ વિશે વધુમાં વધુ બેથી ત્રણ વાર તે વિચારે છે.

મારો સર્વે નાનો હોઇ શકે. હું એને વિસ્તારવાનો પ્રયત્ન કરીશ. અત્યારે તો હું એટલું કહી શકીશ કે ભારતમાં પુરુષો કરતાં સ્ત્રીઓ ઇશ્વર અને ધર્મ વિશે વધુ વિચારતી હોય છે.

આ લખી રહ્યો છું ત્યારે એક વિદૂષી મહિલાએ ફોન પર મને સરસ માહિતી આપી. તેણે કહ્યું: ‘આપણા દેશની સરેરાશ નારી કોઇ પણ ઉદ્દેશને વરેલી હોય છે. ઘરકામ હોય, જોબ હોય, પતિ હોય કે પ્રેમી હોય; નારી પોતાની પ્રિય બાબતને પૂરેપૂરી નિષ્ઠાથી પ્રેમ કરતી રહે છે. સ્ત્રી જેટલો પ્રેમ પુરુષને કરી શકે છે એટલો જ પ્રેમ પોતાનાં કામને પણ કરી શકે છે. પુરુષોમાં કદાચ આ કક્ષાની નિષ્ઠા જોવા નથી મળતી.’

આજે મારી દૃષ્ટિમાં અધ્યાત્મની એક નવી જ વ્યાખ્યા ઊઘડી રહી છેઃ અધ્યાત્મ એટલે બીજું કશું જ નહીં પણ ગઇ કાલે તમે જે વિચારો સેવતા હતા એના કરતાં આજે થોડાક વધુ ઉચ્ચ વિચારોનું સેવન કરવું. સિદ્ધયોગની સાધના કરવા માટે આચારશુદ્ધિ કરતાં વિચારશુદ્ધિનું મહત્વ છે.

–ઓમ નમઃ શિવાય–

તા. 30-11-2020
*ડો. શરદ ઠાકર*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •