મનુષ્યના આંતરશત્રુઓ અવાસ્તવિક દ્રષ્ટિકોણની ઉત્પત્તિ શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાજ HKBBA કોલેજ.

સમાચાર

મનુષ્ય જીવનના સૌથી પ્રબળ અને ખતરનાક શત્રુઓ તેની પોતાની અંદર છે. જેથી જ તેને આંતર શત્રુઑ કહે છે. જ્યાં સુધી શત્રુઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી જીવનમાં સુખ અને શાંતિ શક્ય ન જ હોઈ શકે એ તો સ્વાભાવિક છે. બાહ્ય શત્રુઓથી તો કદાચ બચી પણ શકાય પરંતુ આંતરશત્રુઓથી ભાગવું કઈ રીતે? આવા આંતરશત્રુઓ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા. એટલે જ તો હિન્દુ શાસ્ત્રોમાં તેને ષડરિપુ તરીકે ઓળખવામાં આવે છે. “ષડ” એટલે “છ” અને “રિપુ” એટલે શત્રુ કે દુર્ગુણ આવા ષડરિપુ સામે વિજય પ્રાપ્ત કરનાર સાચા અર્થમાં વીજળી ગણાય, જેના દ્વારા આત્મશુદ્ધિ શક્ય બને. પરંતુ તેના માટે મનોવિજય આવશ્યક છે એટલે કે મન પર વિજય પ્રાપ્ત કરીને જ ષડરિપુ સામે જીતી શકાય. એટલા માટે જ ધર્મક્ષેત્રમાં મનોવિજયની વાત પ્રથમ આવે છે. જીવમાત્રએ આંતરિક દ્રષ્ટિએ વિજેતા બનવાનું છે. આપણે સૌ જાણીએ છીએ આખું જગત મનના ત્રાસથી ત્રાસેલું છે. મનોવિજય વગર સાચી સુખ-શાંતિ શક્ય નથી એટલે કે જગતના તમામ દુઃખો મનની ઉપજ છે. ષડરિપુ એ વિચારોની અશુદ્ધિ કે અવાસ્તવિકતા છે. જે મોટે ભાગે અર્ધ-જાગૃત મનમાં ધરબાયેલી હોય છે અને નિમિત્ત મળતા સક્રિય બને છે એટલે કે તળિયે પડેલી ગંદકી નિમિત્ત મળતા સપાટી પર આવે છે અને દ્રશ્યમાન બને છે. આમ વાસ્તવિક અશુદ્ધિ અંદર જ છે ક્યાંય બહાર નહીં, બહાર તો માત્ર નિમિત્ત છે. વાસ્તવમાં અનંતકાળથી આપણું મન માને છે કે સાચી મજા કે સુખ તો કષાયો કે વિષયોમાં જ છે. આ દ્રઢ થયેલ માન્યતા છે જેથી મન સતત તેમાં રહે છે. મનની એક વિશિષ્ટતા છે કે તેને જેમાં રસ પડે હંમેશા તે તેમાં જ રહેવા માગે છે અને એણે યુગોથી આવી અવાસ્તવિક સમજણ કેળવી છે કે સુખ અને આનંદ વિષયોમાં જ છે. મનને જ્યાં રસ પડે બુદ્ધિ પણ ત્યાં જ ધારદાર બને છે. જેમ કે માનવ બુદ્ધિમાં ઊંડે ઊંડે એવું ઘર કરી ગયું છે કે અમુક પ્રસંગે ક્રોધ કરવો જરૂરી છે નહીં તો લોકો આપણને નમાલા સમજશે. આવી માન્યતા કે અવાસ્તવિક દ્રષ્ટિકોણ વ્યક્તિને કષાયમુક્ત થવા દેતો નથી. ક્રોધ ન કરવાનો અર્થ એ નથી કે નમાલા થઈ બેસી રહેવું, લોકો દબડાવી જાય તે સહન કરવું. જરૂર લાગે ત્યાં મક્કમતાથી આત્મવિશ્વાસથી બોલવું પડે પરંતુ અકળાવવાની બિલકુલ જરૂર નથી. મફતનું લોહી બાળવાની શું જરૂર છે? પરંતુ માનવમન ક્રોધરસિક છે. ક્રોધી વ્યક્તિ વાસ્તવમાં બીજાની ભૂલની સજા પોતાની જાતને આપે છે. ભૂલ કરે કોઈ અને તમે તમારા ગાલે થપ્પડ મારો એ ક્યાંનો ન્યાય? આમ ક્રોધ એ મૂઢતા છે, મૂર્ખતા છે. ક્રોધ અંદરની આગ છે અને આગમાં હાથ નાખવાથી ક્યારેય ઠંડક મળવાનું સાંભળ્યું છે ખરું? અગ્નિનો તો સ્વભાવ જ બાળવાનો છે પરંતુ આપણને આ સત્ય સમજાતું નથી કેમ કે મિથ્યાત્વ અનંતકાળથી આત્માને ઘેરીને બેઠું છે. એટલે જ કદાચ ક્રોધ જેવા કષાયોથી પીડાને બદલે મજા અનુભવાય છે. ક્રોધ અંદરની આગ છે તે આપણને ખબર નથી એટલે તેને આપણે સતત આલિંગન આપતાં રહીએ છીએ. જો બ્રહ્મજ્ઞાન થાય એટલે કે યથાર્થ સમજણ આવે તો સમજાય કે આગને આલિંગન ન અપાય, તેમાં મેળવવાનું કાંઈ જ નથી સર્વ ગુમાવવાનું જ છે. એ જ રીતે વ્યક્તિ જ્યારે ભાન ભૂલે, અવાસ્તવદર્શી બને ત્યારે જ અહંકાર ઉદભવે છે. અહંકાર બુદ્ધિ, ધન, શક્તિ, સૌંદર્ય, જ્ઞાન, ગુણ વગેરેનો હોઈ શકે. પરંતુ તેના ઉદભવનું કારણ માત્ર અને માત્ર અવાસ્તવિક દર્શન છે. દા.ત. આપણને જ્યારે પોતાનાથી ચડિયાતું કોઈ ન દેખાય ત્યારે આપણે અન્યને હલકા સમજવાનું શરુ કરીએ છીએ જે વાસ્તવિકતા નથી આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે. દુનિયામાં અનેક વધુ સૌંદર્ય, જ્ઞાન, ધન, સત્તા, શક્તિમા આપણાથી ચઢીયાતા હોય છે પરંતુ આપણને જે તે સમયે તે દેખાતા નથી જેથી અહંકાર ઉદભવે છે. આમ અહંકાર આપણા અવાસ્તવિક દર્શનથી પેદા થાય છે. સાચું પૂછો તો આપણી પાસે ગર્વ કરવા જેવું છે શું? કેમ કે ધન, સત્તા, જ્ઞાન, શક્તિ, સ્વરૂપ કે સૌંદર્ય વગેરે આપણી ઈચ્છાથી આપણી પાસે નથી. આપણે તેના માલિકો નથી જો હોત તો તે સર્વ આપણા તાબામાં હોત. પરંતુ જીવનમાં કશું જ આપણી ઈચ્છાથી ચાલતું નથી. ના આપણું શરીર, ના સંબંધો કે ન આપણા શ્વાસોશ્વાસ, પછી ઘમંડ શેનું? આમ તો જે આપણું છે જ નહીં એને આપણે પોતાનું સમજી બેઠા હોવાથી મોહ અને આસક્તિ પેદા થયા છે. જે ભ્રમથી વિશેષ કશું જ નથી. આપણે જ્યારે ભ્રમિત અને આંધળા થઈ જઈએ છીએ ત્યારે જ અહંકારી બનીએ છીએ. સાચું પૂછો તો આત્મપ્રશંસા દ્વારા કશું જ મેળવવાનું ન હોવા છતાં તે આપણને ગમે છે. વખાણ દ્વારા જેને કંઈ મેળવવાનું છે તે તો અધુરા કહેવાય અને અધૂરાને બડાઈ મારવાનો હક નથી. વળી જે પૂર્ણ છે તેને તો કશું જ મેળવવાનું બાકી નથી જેથી પ્રશંસાની પણ શી જરૂર? કેમ કે પૂર્ણને બીજું વિશેષ મળી શું શકે? ટૂંકમાં ક્રોધ, મોહ, અહંકાર વગેરે કષાયો મનની ભૂખ છે. કષાયોનો રસ કેળવીને જીવ આવ્યો છે, માટે તેના વગર તેને ચેન પડતું નથી મજા આવતી નથી. જે વાસ્તવમાં અનેક દુઃખોનું સર્જન કરે છે પરંતુ મનુષ્યનું અવાસ્તવિક દર્શન તેને એ સમજવા દેતું નથી. કષાયો માત્ર ભ્રમજ્ઞાન છે અથવા મિથ્યાજ્ઞાન છે. અવાસ્તવિક દર્શન છે. જેમ કે જે આપણું નથી (શરીર, સંબંધો, ધન, શક્તિ, સૌંદર્ય) એને આપણે પોતાનું સમજી બેઠા છો જેના લીધે આસક્તિ અને મોહ પેદા થયો છે. જે જીવનમાં દુઃખ ભરે છે. જો આ બધું પોતાનું હોય તો કદી સાથ છોડી જાય જ નહીં પરંતુ આપણે દરરોજ આ તમામને સાથ છોડી જતા જોઈએ છે છતાં ભ્રમિત રહીએ છીએ આ અવાસ્તવિક દર્શન નથી તો બીજું શું છે? ક્રોધ સમાન કોઈ આગ નથી જેનાથી આપણે બળીએ છીએ, અન્યના ગુનાની સજા પોતાની જાતને આપીએ છીએ છતાં સમજતા નથી કે આવી આગને આલિંગન ન અપાય. સામાન્ય રીતે આપણે બાહ્ય આગમાં હાથ નાખતા નથી કેમ કે આપણને તેનો ખરુ જ્ઞાન છે કે અગ્નિ હાથ બાળી નાખશે. પરંતુ તે જ્ઞાન ક્રોધરૂપી અગ્નિ વિષે નથી. એ જ રીતે અહંકાર પણ એ જ પ્રકારનું ભ્રમિત જ્ઞાન છે જે તમને સત્ય દર્શન કરવા દેતું નથી કેમ કે અન્યને હલકા અને પોતાને ચડિયાતા સમજવા એ તો ઇન્દ્રિયોની નબળાઈ જ કહેવાય બીજું કાંઇ નહીં. જેના જીવનમાં ભ્રમ ન હોય તેને કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર ઉદભવનો પ્રશ્ન જ રહેતો નથી. વાસ્તવમાં આપણે એ સમજવું જોઈએ કે આપણે મૂઢ અને મૂર્ખ છીએ એટલે જ કષાયોનું અસ્તિત્વ છે. મનની કાલ્પનિક દુનિયામાંથી બહાર આવવું અને જીવનમાં વાસ્તવદર્શી બનવું તે જ ખરું તત્વ છે. વાસ્તવિકતાના દર્શન દ્વારા જ કષાયમુક્તિ શક્ય છે. અવાસ્તવિક દ્રષ્ટિકોણવાળા બનવાથી અનેક કષાયો પેદા થાય છે. જેમ કે રાગ પેદા થાય ત્યારે જે આપણું નથી તેને આપણે આપણું સમજવા માંડીએ છીએ અને તેના પ્રતિ મમતા વધે છે. એટલા માટે ધર્મશાસ્ત્રો મનુષ્યને વાસ્તવદર્શી બનવાની સલાહ આપે છે. શાસ્ત્રો કહે છે કષાયો પણ પાપ-પુણ્યરૂપી કર્મોને આધીન છે. ગુસ્સો કાઢવા માટે પણ પુણ્યકર્મો જોઈએ. પુણ્ય ઉદયમાં હોય ત્યારે જ લોકો તમારો ગુસ્સો સહન કરી લે છે બાકી તમને થપ્પડ મારી બેસાડી દે. સામાન્ય રીતે આપણું કોઈ માને નહીં ત્યારે ગુસ્સો આવતો હોય છે અને ગુસ્સો કરવાથી ક્યારેક કામ પાર પણ પડે છે ત્યારે આપણને લાગે છે કે જોયું રુવાબ બતાવવાથી કેવું કામ થઇ ગયું. આ દુનિયામાં ચમત્કાર વગર નમસ્કાર નથી. પરંતુ એવું નથી જે કંઈ થયું અને તમારા ગુસ્સાનું પરિણામ સારું આવ્યું એનો અર્થ એ થયો કે તમે પૂર્વ પુણ્યકર્મ ભોગવી અને પાપ બાંધ્યું. જેમ કે તમારું કામ પાર પડ્યું જે પુણ્યને આભારી હતું પરંતુ ક્રોધની આગમાં તમે બળ્યા એટલે પાપ બાંધ્યું. આમ મોટાભાગના મનુષ્યો કષાયો દ્વારા પુણ્ય ભોગવી પાપ બાંધે છે. આવું થવાનું કારણ પણ અવાસ્તવિક દર્શન કે દ્રષ્ટિકોણ છે. આમ મનુષ્યના આંતરશત્રુઑ તેની અવાસ્તવિક અને ભ્રમિત દ્રષ્ટિકોણ કે દર્શનની ઉત્પતિ છે. જે આ વાત સમજી લે છે તે પરમતત્વને પામી લે છે.

TejGujarati