પ્રારબ્ધ પ્રભાવશાળી કે પુરુષાર્થ? શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ગુજરાત ભારત સમાચાર

સામાન્ય રીતે સમાજમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક એવા કે જે સંપૂર્ણપણે એમ માને છે કે નશીબમાં હશે તેમ થશે કે ભાગ્યમાં લખ્યું હશે એવું મળશે. મેં ઘણા વડીલોને એમ કહેતા સાંભળ્યા છે કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે ના કંઈ મળ્યું છે ન મળવાનું. આમ કર્મ, નશીબ, ભગવાન વગેરેને આશરે બેસી રહેનારાની સંખ્યા આપણા દેશમાં વધુ છે. તે જ રીતે આજકાલનો ભણેલો વર્ગ પોતાની હોશિયારી, આવડત, કુશળતા, ડિગ્રી અને શિક્ષણને વધુ મહત્વ આપે છે અને કહે છે કે પ્રારબ્ધ જેવું કશું છે જ નહીં. “કિસ્મત તો હમ ખુદ બનાતે હે” પૈસો તો હાથનો મેલ છે અને માત્ર પુરુષાર્થનું પરિણામ છે. સફળતાપ્રાપ્તિ અંગે મેં કોલેજના વિદ્યાર્થીઓને અનેકવાર પૂછ્યું છે કે તમારા મતે સફળતાપ્રાપ્તિના મુખ્ય સિદ્ધાંતો કયા? મોટેભાગે મને બે જ પ્રકારના જવાબો મળ્યા છે, પ્રારબ્ધ આધારિત અથવા પુરુષાર્થને લગતા. મને હંમેશા થતું કે જો પુરુષાર્થ, આવડત, હોશિયારી, ડિગ્રી જ સફળતા કે સુખ માટે અગત્યના હોય તો દુનિયાનો દરેક માણસ જીવનપર્યંત કઠિન પરિશ્રમ સુખ અને સફળતાપ્રાપ્તિ માટે કરતો જ હોય છે છતાં દરેકના નસીબમાં સફળતાનું સુખ હોતું નથી અને જો પ્રારબ્ધ જ મુખ્ય કારણ હોય તો પછી સવારથી સાંજ કે જન્મથી મરણ સુધી કોઈ કાર્ય કરવાની અનિવાર્યતા જણાતી નથી. વળી એ સાથે પ્રારબ્ધ નક્કી કરતા પરિબળો અંગે પણ વિચારવું પડે કે પ્રારબ્ધનું ઘડતર કરનારા પરિબળો કયા? જો તમામ સુખ-શાંતિ, સફળતા કે સમૃધ્ધિનો આધાર પ્રારબ્ધ જ હોય તો પ્રારબ્ધ સંશોધનનો અતિ મહત્વનો વિષય બની જાય. આપણે સૌ જાણીએ છીએ અથવા શાસ્ત્રો જણાવે છે કે પ્રારબ્ધ પાછળ દરેક વ્યક્તિના પોતાના કર્મો જવાબદાર હોય છે એનો અર્થ એ થયો કે પ્રારબ્ધ પાછળ પણ પુરુષાર્થ જ જવાબદાર છે. આમ પ્રારબ્ધ પ્રભાવશાળી કે પુરુષાર્થ તે અંગે હંમેશા વિવાદ સ્વાભાવિક છે. અહીં મને ઇટલીના વેનિસ શહેરની એક વાર્તા યાદ આવે છે, ત્યાના એક નાવિકે પોતાની નાવના બે હલેસામાંથી એક પર પ્રાર્થના અને બીજા પર પુરુષાર્થ લખેલું. ક્યારેક-ક્યારેક લોકો તેને પૂછતાં કે હલેસા પર તમે પ્રાર્થના અને પુરુષાર્થ કેમ લખ્યું છે? ત્યારે જવાબમાં તે જણાવતો કે જ્યારે નાવ કોઈ તોફાનમાં ફસાય ત્યારે માત્ર પ્રાર્થના(પ્રારબ્ધ) પર ભરોસો રાખનાર બચી શકતો નથી તેમ જ પ્રાર્થનાની ગેરહાજરીમાં માત્ર પુરુષાર્થના ઘમંડમાં ચૂર વ્યક્તિનું બચવું પણ લગભગ અશક્ય જેવું જ હોય છે. જે રીતે નાવને કાંઠે સલામત લાવવા કોઈ એક હલેસાનો ઉપયોગ ધાર્યું પરિણામ ન આપી શકે પૂર્ણ વિવેકબુદ્ધિ સાથે બંને હલેસાનો યથાર્થ દિશામાં ઉપયોગ જ મુસીબતથી ઉગારી શકે તેમ જીવનમાં પણ સુખ, સલામતી સાથેના શાંતિપૂર્ણ અને સમૃદ્ધ તેમજ પ્રસન્નતાયુક્ત જીવંત જીવન જીવવા માટે પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને equally important છે એ માનવું જ રહ્યું. જીવનરથના બે પૈડામાંથી કોઈ એકને મહત્વનું કઈ રીતે કહી શકાય? જીવનમાં પતિનો રોલ મહત્વનો કે પત્નીનો એ અંગેનો સંઘર્ષ કદી જીવનને યોગ્ય દિશા કે સુખ શાંતિ તરફ લઈ જઈ શકે ખરો? કેમ કે અન્યના સ્વીકાર સાથે જ વ્યક્તિ પૂર્ણ બનતી હોય છે. પ્રકૃતિના તમામ તત્વો એકબીજાની ગેરહાજરીમાં અધૂરા છે. માત્ર માણસો હોય અને વનસ્પતિજગત કે પશુપક્ષી જગત કે અન્ય જીવસૃષ્ટિ ન હોય તો મનુષ્યસૃષ્ટિ ટકી શકે ખરી? દરેક બાબતમાં બેલેન્સિંગ એપ્રોચ જ પરિણામ આપી શકે. સંપૂર્ણપણે ઇસ પાર કે ઉસ પાર જેવી extremist વૃત્તિ કદી યથાર્થ પરિણામ સર્જી શકે નહીં. જીવનના દરેક પ્રસંગમાં સમતુલા અતિ મહત્વની છે. જ્યાં બેનો યથાર્થ સમન્વય થાય ત્યાં સમતુલા સર્જાય જેમ કે વધુ ખાવું પણ ખરાબ અને ના ખાવું પણ અયોગ્ય, વધુ ઊંઘવું પણ અયોગ્ય અને બિલકુલ ના ઊંઘવું પણ જોખમી, વધુ પડતી કસરત ખતરનાક અને બિલકુલ કસરતનો અભાવ પણ તકલીફકારક. આમ જીવનની કોઈ પણ બાબતમાં જ્યાં સુધી અતિ છે અથવા કહો કે સમતુલાનો અભાવ છે ત્યાં સુધી સુખ શાંતિ કે સફળતા શક્ય નથી. સમતુલાનો અર્થ જ છે સમગ્રનો સ્વીકાર. યથાર્થ પ્રજ્ઞાબુદ્ધિ, ડાહપણ કે વિવેક દ્વારા દરેકના મહત્વને સમજવું જ પડે. જેમ પતિ વગર પત્ની અધુરી છે અને પત્ની વગર પતિ અથવા સ્ત્રી વગર પુરુષ અને પુરુષ વગર સ્ત્રી (એટલા માટે તો સર્જન જેવી મહાન પ્રક્રિયા બંને દ્વારા શક્ય બને છે) એ જ રીતે પ્રારબ્ધ વગર પુરુષાર્થ અને પુરુષાર્થ વગર પ્રારબ્ધ અધૂરા છે. જીવનમાં યથાર્થ સુખ-શાંતિ, સફળતા અને સમૃદ્ધિ પુરુષાર્થ અને પ્રારબ્ધની સમતુલા દ્વારા જ શક્ય બને. Extremist બનવાથી કશું જ મેળવી શકાતું નથી.

જેઓ જ્યોતિષશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોને જાણે છે તેને ખબર છે કે જ્યોતિષના પ્રથમ અર્ધસ્થાનથી સાતમા અર્ધસ્થાન સુધી સર્વ કંઈ પ્રારબ્ધને આધીન છે અને સપ્તમ અર્ધસ્થાનથી લઇ બારમા સ્થાન સુધી અને પ્રથમ અર્ધસ્થાન સુધી પુરુષાર્થનું મહત્વ છે. દા.ત. પ્રથમ સ્થાન શરીરનું છે તે કેવું મળવું તે પ્રારબ્ધને આધીન છે પણ શરીર સાથે કામ કેવી રીતે લેવું તે પુરુષાર્થને આધીન છે. બીજું સ્થાન ધનનું છે પિતા તરફથી કે વડીલ તરફથી જે ધન મળે તે પ્રારબ્ધ આધીન છે પણ બારમા સ્થાન મુજબ તેનો વ્યય કેવો કેટલો કરવો તે આપણા પુરુષાર્થને આધીન છે. ત્રીજું સ્થાન સાહસ, હિંમત, માતૃ-મિત્ર સહકારનું છે જે પ્રારબ્ધ આધીન છે પણ તેની સાથેનું સામેનું અગિયારમું સ્થાન આવકનું છે જે પુરુષાર્થ આધીન છે. ચોથું સ્થાન મિલકત, વાહન, ખેતી, જમીનનું છે જે પ્રારબ્ધ મુજબ મળે છે પણ દસમાં સ્થાન મુજબ તે આપણા કર્મ પર નિર્ભર રહે છે એટલે કે પુરુષાર્થના કબજામાં છે. પાંચમું સ્થાન પુત્ર અને વિદ્યા મેળવવાની ક્ષમતા છે જે ક્ષમતાને આધારે કેટલું જ્ઞાન મેળવવું તે નવમા સ્થાનને આધારે પુરુષાર્થ આધીન છે. છઠ્ઠું સ્થાન આપણા પ્રકૃતિગત રોગનું છે એટલે કે વાત-પિત્ત કે કફ પ્રધાનપ્રકૃતિ મળવી તે પ્રારબ્ધ આધીન છે જ્યારે આયુષ્યનું આઠમું સ્થાન પુરુષાર્થ આધીન છે. ટૂંકમાં આપણે કેટલું કે કેવું જીવવું તે આપણા હાથમાં છે તેવી રીતે સાતમું અર્ધસ્થાન પત્નીનું છે તે કેવી મળવી તે પ્રારબ્ધને આધીન છે પણ તેની સાથે કેવી રીતે જીવવું, કેટલું સુખ મેળવવું તે પુરુષાર્થને આધીન છે. નવમા સ્થાન મુજબ ધર્મ અને ભાગ્યનો ઝોક પણ પુરુષાર્થને આધીન છે. સ્પષ્ટતા અને વિસ્તારથી આ સમજવું જરૂરી છે જેથી પ્રારબ્ધ અને પુરુષાર્થની અલગ અલગ જંજીરથી જકડાયેલા આપણે સૌ ઈશ્વરના ન્યાયને સમજી શકીયે તેમ જ મૂળભૂત સત્ય સમજીયે કે પુરુષાર્થ અને પ્રારબ્ધની સમતુલા વગર જીવનમાં કંઇ જ શક્ય નથી. કોઈ એકને પકડી અન્યને છોડવાથી સંપૂર્ણ કદી હાથમાં આવતું નથી. આમ તો જીવનમાં શરીર પ્રારબ્ધ છે અને મન પુરુષાર્થ છે. મનના ઉર્ધ્વભાગમાં રહેલ બુદ્ધિના વિવેકરૂપી પુરુષાર્થ દ્વારા શરીર અને મનની સમતુલા જાળવી શકાય. શરીર અને મનની સમતુલા જ ધર્મનું, મુક્તિનું સાધન છે. ટૂંકમાં શરીર હોય, મન હોય, જીવન હોય કે સફળતા દરેકનો આધાર સંતુલિત વિચારસરણી પર રહેલો છે. એટલે કે સમતુલા વગર કોઈ કાર્ય શક્ય બનતું નથી અથવા સંપૂર્ણ હાથમાં આવતું નથી એ દૃષ્ટિએ પ્રારબ્ધ અને પુરુષાર્થના સમન્વય દ્વારા પ્રભાવશાળી બનવા તરફ આગળ વધવું સલાહભરેલું છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •