ભારતની પહેલી નેશનલ ટેલીવિઝન પપેટ સિરીયલ (અંગ્રેજી) “ધ સ્ટોરી ટેલર” ૧૯૯૮ માં બની. ભારતના વિભિન્ન રાજયોની લોકકથાઓ પર આધારિત આ સિરીયલ રાષ્ટ્રીય સ્તર પર સ્ટાર પ્લસ ટીવી દ્વારા ૧ વર્ષ સુધી (બાવન એપીસોડમાં) દર્શાવવામાં આવી હતી. દિવંગત કોકીલા સોલંકીએ આ સિરિયલના પપેટ પાત્રોના કોસ્ચ્યુમ ડીઝાઈનર અને પપેટીયર તરીકેની કામગીરીથી ગુજરાતી પપેટ કલાકાર તરીકેની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. એવા કોકિલા સોલંકીનું તારીખ ૨૩-૧૦-૨૦૨૦ ના રોજ અકાળે દુઃખદ અવસાન થયેલ છે.
તે સમયે ઈન્ટરનેટ ઉપલબ્ધ ના હતું. કોસ્ચ્યુમ માટેના રેફરન્સ મેળવવા અર્થે ઘણી બધી બુકસ, ચિત્રો વગેરે શોધી કાઢવાનું કામ ઘણું કપરૂ હતું. તેમ છતાં કોકીલાએ દરેક અલગ-અલગ રાજયોના અલગ-અલગ પપેટ પાત્રના પરિધાન, ખુબ જ આબેહુબ અને પ્રસંશનીય રીતે તૈયાર કર્યા હતા.
કોકીલાએ ૨૦૦૧ સુધી દર્પણ અકાદમી અને ત્યારબાદ ‘મહેર’ ધ ટુપ સાથે કામ ચાલુ રાખેલ. તેમણે હવે પપેટ પાત્રો બનાવવાનું કામ પણ સંભાળ્યું. ધ એસ.ઓ.એસ, અ લાઈફ, અ ડ્રીમ, દલો તરવાડી જેવા અનેક લોકપ્રિય બનેલ પપેટ પ્રોડકશનના પપેટ મેકીંગ ટીમનું તેમણે નેતૃત્વ સંભાળ્યું અને ગુજરાતના પપેટ મંચને ગ્લવ પપેટ, રોડ પપેટ , શેડો પપેટ એમ ભાંતીભાંતી પ્રકારના ઘણા આકર્ષક પપેટની ભેટ આપી.
*હંમેશા હસતા અને સુંદર પપેટ બનાવવામાં તેમની કુશળતા તો એવી કે જાણે આપણા વિચારોને સજીવરૂપ આપી દેતાં હોય. પપેટના દરેક ક્ષેત્રમાં તેમની તુલના કરવી અશક્ય છે. જેમાં મેકિંગ હોય, અભિનય હોય કે પપેટ ચલાવવાનું હોય બધામાં આગવી સુઝબૂઝ રાખતા. એમનો પ્રેમાળ, સ્નેહી અને નિસ્વાર્થ મદદનીશ સ્વભાવ અમને હંમેશા યાદ રહેશે. ઈશ્વર આપના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.*
*ગૌરાંગ દેરાશ્રી. (પપેટીયર)*
૨૩ વર્ષની તેમની કારકિર્દી દરમ્યાન તેમણે અમદાવાદ, લાહોર અને મેકિસકોના આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ તેમજ દિલ્હી, શિલોંગ, જયપુર, કોચ્ચી ના રાષ્ટ્રીય પપેટ ફેસ્ટીવલ ઉપરાંત ૧૦૦૦ થી વધુ પપેટ કાર્યક્રમોમાં ભાગ લઈ તેમની વિશિષ્ટ કલાનું પ્રદર્શન કરેલ હતું.
*સદીઓથી રાજદરબારોમાં માનપાન માપેલી અને રાજવીઓના યુગમાં અતિશુદ્ધ મનોરંજન પાઠવી પ્રજામાં પ્રેમ, શૌર્ય, એકતા અને નિર્ભયતાના ગુણો ખીલવતી પપેટકલામાં અથાગ પરિશ્રમ કરી આ અદ્ભૂત કળાનો ઉજાશ પાથરવા તમે અંતિમશ્વાસ સુધી પ્રયત્નશીલ રહ્યા હતા. પપેટીયર સ્વ. કોકિલા સોલંકીને સતસત નમન.*
*નયન મોદી (આણંદ)*
પપેટ માટે તેમને ખાસ આકર્ષત્ર હતું. અલગ-અલગ પ્રકારના પપેટ તૈયાર કરવા માટે તેઓ સતત સંશોધન અને પ્રયોગ કરતાં રહેતા હતાં. તેમની સાથે કામ કરતા કલાકારોને પપેટ મેકિંગ શિખવાડવાનું તેમને ખુબ ગમતું. સી.સી.આર.ટી. ઉદયપુર તથા ‘મહેર’ ધ ટુપ ના પપેટ વર્કશોપમાં તેઓએ લગભગ 8000 થી વધુ ટીચર્સ અને ટુડન્ટસને પપેટ મેકીંગની કળા શીખવેલ.
તેમના બનાવેલા પપેટ વર્ષો સુધી ભવિષ્યમાં પણ કલા રસિકોનું મનોરંજન કરતાં રહેશે.
અમદાવાદના વિખ્યાત પપેટીયર તેમજ ‘મહેર’ ધ ટુપ નામક અમદાવાદની એક પપેટ્રી સંસ્થાના સ્થાપક પપેટીયર શ્રી. માનસિંહ ઝાલાજીએ સ્મરણાંજલિ શબ્દોમાં કહ્યું કે _”કોકિલાના અવસાનથી ગુજરાતના પપેટ મંચ ને એક અદભૂત પપેટ કલાકારની ખોટ પડેલ છે. ભારતના પપેટ્રી જગતમાં કોકિલા સોલંકીનું નામ અને યોગદાન અવિસ્મરણીય રહેશે.”