લોકકથા : આંધળા ભાઈની ભક્તિ…✍🏻અલ્કેશ ચાવડા. સંકલન. નીતિન ભટ્ટ..

ગુજરાત ભારત સમાચાર

અનુરાગ મોટો ભાઈ તો હોય છે, સદાયે પિતા સમાન. એની સેવાને ભક્તિ ગણી, કરીએ એનું સન્માન…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ એમના નાનકડા ગામમાં ગણેશભા એમની નીતિમત્તા અને મહેનત મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવનાર એક સંનિષ્ઠ અને વ્યવહારુ માણસ તરીકે ઓળખાતા. ગામના પ્લોટ વિસ્તારમાં આથમણી કોર આવેલું એમનું માટીનું બનાવેલું કાચું ઘર એટલે આવતા જતા સૌ પથિકો માટેનું એક પ્રકારના વિસામાં સમુ હતું. કાંટાની બનાવેલી એમના વાસ ની દીવાલ અને આંગણામાં રહેલા લીમડાના ઝાડ નીચે ગણેશભા એક પાણીની મોટી માટલી સદા રાખતા. વાડ ની કટલી બનાવેલી પણ સદા માટે એ ખુલ્લી જ રહેતી. ગણેશભા ના પત્ની કટલી બંધ કરવાનું હંમેશા કહેતા પણ ગણેશભા એમની પત્નીને જવાબ આપી દેતા કે… “કોઈ વટેમાર્ગુ આવે અને ઘરનું કટલુ બંધ ભાળે તો પાણી પીવા આવવા એમને થોડો સંકોચ થાય એટલે ભલે કટલુ ખુલ્લું જ રહેતું. અને આમ પણ આપણા ઘરેથી લઈ જનાર શુ લઈ જશે…!!!” આવી દલીલ કરી ગણેશભા સદા એ કટલુ ખુલ્લું રાખવાના પક્ષધર હતા. ગણેશભા ને બે દીકરા મોટો કનું અને નાનો કલ્પેશ. બેઉ ભાઈ વચ્ચે ઉંમર નો ત્રણ વર્ષનો ફરક. બેઉ ભાઈઓ વચ્ચે એવો રાગ હતો કે ભાઈ કરતાંય બંને એકબીજાના દિલોજાન ભાઈબંધ હોય એમ એકબીજાની પડખે રહેતા. મોટો કનું છ વર્ષનો થયો અને પહેલા ધોરણમાં એને બેસાડવામાં આવ્યો. નાના કલ્પેશને નિશાળે બેસવાની હજી ત્રણ વર્ષની વાર હતી. છતાં મોટો ભાઈ નિશાળ જાય એટલે નાનો કલ્પેશ રીતસરનો રોઈ અને મોટા ભાઈ સાથે જવાની જીદ પકડે અને એની જીદ સામે બધાને હથિયાર હેઠા મુકવા પડતા. ગણેશભા પણ નિશાળમાં રામજી માસ્તર ને કહી આવ્યા કે… “માસ્તર સાહેબ મોટો નિશાળ આવે છે અને નાનો ઘરે એકલો રોઈ રોઈ ને અડધો થઈ જાય છે તો નાના ને પણ બેસવા દેજો ને, સાહેબ… શુ છે કે બેઉ ભાઈ એકબીજાથી ક્યારેય વિખુટા નથી પડ્યા એટલે આટલી મહેરબાની કરજો મારા સાહેબ…” અને ગણેશભાની આજીજી સાંભળી માસ્તર સાહેબ પણ કલ્પેશ ને એના મોટા ભાઈ કનું સાથે નિશાળમાં બેસવા દેતા… એક વખત એવું થયું કે એક વર્ષ બાદ કનું બીજા ધોરણમાં આવ્યો અને એને તાવ આવી ગયો. ઘરે સામાન્ય તાવ ગણી એના મા બાપે ઘરે ઓસડ કરવાનું શરૂ કર્યું. અને આમ પણ કોઈ સારા દવાખાને કનું ને દવા લેવડાવવા જવા જેટલા પૈસા ઘરમાં ક્યાં હતા…!!! કનું નો તાવ તો વધતો ચાલ્યો. સતત અઠવાડિયા સુધી તાવની ચડ ઉત્તર ચાલુ રહી અને પાડોશીઓની સલાહથી ગામના અમરત ડોકટર ને ત્યાં દવા લેવડાવવા કનું ને લઈ જવામાં આવ્યો. ડોકટરે દવાની ટિકડીઓ આપતા કહ્યું…આજનો દિવસ આ ગોળીઓ ગળાવો જો કોઈ ફેર ન પડે તો કાલે કનું ને ઇન્જેક્શન આપવું પડશે…” દીકરાને લઈને ગણેશભા ઘરે આવ્યા. તાવ મોટા ભાઈને આવ્યો હતો પણ જાણે બીમાર નાનો ભાઈ કલ્પેશ થઈ ગયો હોય એ રીતે કલ્પેશ કશું સમજી શકતો ન હોવા છતાં જાણે સુન્ન થઈ ગયો હતો. કનું નો તાવ ગોળીઓથી પણ દૂર ન થયો અને બીજા દિવસે ડોકટરના કહ્યા મુજબ એને ઇન્જેક્શન આપવું પડ્યું. પણ ન જાણે અમરત ડોકટરે એવું કયા પ્રકારનું અને કેવી રીતે ઇન્જેક્શન આપ્યું કે એના રિએક્શન થી કનું ની આંખોની જ્યોતિ સદા માટે ચાલી ગઈ. કનું હંમેશા માટે આંધળો થઈ ગયો. અંધાપાના કારણે એનું ભણવાનું પણ છૂટી ગયું. ઘરનો મોટો દીકરો આમ આંધળો થઈ જતા પરિવાર માટે મહામુસીબત સર્જાઈ. ઘણા ઓસડ કર્યા ઘણા દોરા ધાગા કરવામા આવ્યા ઘણા દવાખાના ફર્યા પણ કનું નો અંધાપો દૂર ન થયો તે ન જ થયો…હવે નાના ભાઈ કલ્પેશ ને એના મોટા ભાઈની આંખો બની જીવવાનું હતું. એની અંધાપાની લાકડી બનવાનું હતું. કલ્પેશની ઉંમર નાની હતી પણ ગામ લોકો આશ્ચર્યચકિત હતા કે નાની ઉંમરે આટલી મોટી સમજદારી કલ્પેશમાં કઈ રીતે આવી. ભાઈ ભાઈ વચ્ચેનો અતૂટ પ્રેમ જોઈ સૌ કોઈ અચંભીત હતા. હવે કલ્પેશ માટે બેવડી જવાબદારી હતી. પોતાનું ભણવાનું પણ કરવાનું અને મોટા ભાઈનું પણ ધ્યાન રાખવાનું. કલ્પેશ રોજ મોટા ભાઈને લઈ ફરવા નીકળી પડતો. ગામના એક એક સ્થળો ગામના એકે એક ગલી મહોલ્લાથી કનું ને પરિચિત કરતો. આમ હવે મોટા ભાઈને પોતાની આંખોથી દુનિયા દેખાડવાનું પવિત્ર કાર્ય નાનો ભાઈ કલ્પેશ સદા કરતો રહ્યો.દિવસો મહિનાઓ અને વર્ષ આમ વીતતા રહ્યા. કલ્પેશનો અભ્યાસ પણ આગળ વધતો રહ્યો. નાનપણમાં નાના ભાઈ કલ્પેશ દ્વારા કનું ને બતાવાયેલ ગામની એક એક શેરી મહોલ્લાનો પરિચય એટલો બધો પાકો થઈ ગયો કે હવે માત્ર લાકડીના સહારે કનું આખા ગામમાં ફરી શકતો હતો. બંને ભાઈઓ યુવાન થઈ ગયા હતા. એમના પિતા ગણેશભા અને માતાનું પણ અવસાન થઈ ચૂક્યું હતું. પોતાના છેલ્લા શ્વાસ વખતે ગણેશભા એ નાના દીકરા કલ્પેશ ને બોલાવી કહ્યું હતું કે… “કલ્પેશ, તારા મોટા ભાઈ ને સદા સાચવજે. એ બિચારો આંધળો છે એના આંખનું અજવાળું બનીને રહેજે. એને તારાથી દૂર કદી ન કરતો. એ બિચારો પશુ સમાન છે એને કદી ઓછું આવવા ન દેતો…” અને મરણપથારીએ પડેલા બાપ ને કલ્પેશે પણ મોટા ભાઈને સદા સાચવવાનું વચન આપેલું એ વચન મુજબ એ મોટા ભાઈને સાચવતો રહ્યો. આંધળો હોવાના કારણે કનું ના લગ્ન તો થઈ શક્યા ન હતા પણ નાના ભાઈ કલ્પેશના લગ્ન થઈ ગયા હતા. સંજોગ ગણોતો સંજોગ, નસીબ ગણોતો નસીબ અને કલ્પેશની પત્ની ની સમજદારી ગણોતો સમજદારી પણ કલ્પેશ ની પત્ની પણ પોતાના આંધળા જેઠ ને પોતાના પિતાની માફક સાચવતી રહી એની સેવા કરતી રહી. કલ્પેશની પત્ની નું વર્તન કદી પણ એવું ન રહ્યું કે જેનાથી કનું ને પોતાના અંધાપાનું દુઃખ થાય કે એ પોતે પોતાના નાના ભાઈ માટે બોજ છે એવું એને લાગે. બદલામાં કનું પણ આંધળો હોવા છતાં ઘરકામ માં કલ્પેશની પત્નીના ના કહેવા છતાં મદદરૂપ થતો હતો. પાણી ભરાવવું ગામમાંથી બરણી લઈ છાસ લાવી દેવી, શાક સમારી આપવું આવા નાના મોટા કામ કનું કરી આપતો. કલ્પેશ સવારે નાહી ધોઈ પોતાની નાનકડી કરિયાણાની દુકાને જતા પહેલા ભગવાનની પૂજા કરતા પહેલા પોતાના આંધળા મોટા ભાઇ કનુના પગે લાગતો એના આશીર્વાદ લેવાનું ક્યારેય ચૂકતો નહિ. બપોરના જમવા એ ઘેર આવે તો કલ્પેશ અને એની પત્ની સૌથી પહેલા કનું ને ખૂબ પ્રેમથી જમાડતા અને ત્યારબાદ પોતે જમતા. સાંજે વાળું વખતે પણ વર્ષોથી આજ ક્રમ એ સમજદાર પતિ પત્નીએ જાળવ્યો હતો. પોતાના નાના ભાઈ અને વહુ ની પોતાના તરફની આટલી અદમ્ય સેવા અને ભક્તિ જોઈ ક્યારેક ક્યારેક કનું ની આંખો ભરાઈ આવતી. અને એ કહેતો… “ભાઈ, કલ્પેશ હું તમને કેટલી તકલીફ આપું છું…!!! ” ત્યારે ભાઈ ભક્ત કલ્પેશ અને એની પત્ની કહી ઉઠતા કે… “મોટા ભાઈ તમે અમને આવું કહીને તકલીફ આપો છો. તમારી સેવા કરવી એતો અમે ભગવાનનું વરદાન સમજીએ છીએ… અમે નસીબદાર છીએ કે અમને આ મોકો મળ્યો છે…” આમ આંધળા ભાઈની ભક્તિ કરવી એની સેવા કરવી એ પવિત્ર કાર્યને, એ સમજદાર પતિ પત્ની પોતાની પરમ ફરજ સમજતા અને ભગવાનની ભક્તિ જ સમજતા… બદલામાં એ પશુ સમાન આંધળો મોટો ભાઈ નાના ભાઈને લાખ લાખ આશીર્વાદ આપતો અને એના આશિષનુજ પરિણામ હતું કે પરિવારમાં સુખ શાંતિ અને ગણી શકાય એટલી સમૃદ્ધિ પણ હતી… કોટી કોટી વંદન છે એ નાના ભાઈ અને એની પત્નીને… લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •