શબ્દછળથી સંસ્કૃતિનો નાશ નૂતન વર્ષે હેપ્પી ન્યુ યર નહીં પણ મંગલ કામના

ગુજરાત ભારત સમાચાર

નૂતન વર્ષે સામાન્ય રીતે આપણે બધાને સાલમુબારક કે હેપ્પી ન્યુ યર કહેતા હોઈએ છીએ, સવારમાં ઉઠતા જ આપણે સામાન્ય રીતે ગુડ મોર્નીંગ કહેતા હોય છે. કોઈના લગ્નમાં જઈએ તો કોન્ગ્રેચ્યુલેશન્સ કહેતા હોઈએ છીએ. પરંતુ આ શબ્દો વાપરવાથી જે વ્યક્તિને આ શબ્દ કહ્યો હોય તે દિવસ દરમ્યાન કે પોતાના સમગ્ર વર્ષ દરમ્યાન, દિવસ દરમ્યાન કે લગ્નજીવન દરમ્યાન જે કંઈ કાર્ય કરે તેમાં અનુમોદના સ્વરૂપે તે કાર્યમાં આપણે ભાગીદાર થઈ જતા હોઈએ છીએ. કોઈપણ વ્યવહારીક પ્રસંગમાં આવા સમયે મંગલ કામના શબ્દ વાપરવાનો આપણને મહાપુરૂષોએ આદર્શ આપ્યો છે. આ શબ્દ આધ્યાત્મિક હોવાથી તેમની સવાર, તેમનું વર્ષ કે તેમનું જીવન આખરે મંગળમય અને કલ્યાણકારી બને તેવી ભાવના આ શબ્દોમાં છૂપાયેલી છે.

સવારમાં ઉઠતી વખતે વિમલશ્રી સુપ્રભાતમ કહેવાનો આપણે ત્યાં રિવાજ હતો. પેથડશાના પરીવારના સુશ્રાવિકા વિમલશ્રી શ્રી જિનમંદીરે દર્શન કરવા જતા ત્યારે સવા શેર સોનાના સિક્કાનું દાન કરતા. તેમની આ દાનવૃત્તિ એટલી બધી પ્રશંસાને પામી હતી કે ત્યારપછી યાચકો જ્યારે પણ યાચના કરવા નીકળે ત્યારે વિમલશ્રી સુપ્રભાતમ્ની આહલેક જગાડતા હતા. આ શબ્દ જેને સંભળાય તેના ઘરમાં મંગળ થતું હતું. બેસતા વર્ષે મીઠાની નાનકડી ગાંગડી આપીને સબરસના ઉચ્ચારણ દ્વારા આજે પણ ગામડાઓમાં ક્યાંક ક્યાંક આ પરંપરાઓ જીવંત છે.

શબ્દછળ દ્વારા સંસ્કૃતિનો નાશ એ શ્રી વેણીશંકર મુરારજી વાસુનું પુસ્તક આ વિષયમાં સુંદર પ્રકાશ ફેકે છે. સ્વરાજ મળ્યાને 70 વર્ષ થયા પરંતુ ગોરાઓની ભેદી ચાલની અંતર્ગત છૂપાયેલા ગગનભેદી ષડયંત્રોની જાણ હજી પારખવામાં આપણે ઘણા અજાણ છીએ. નાના-મોટા સમજુ-અણસમજુ બધા લોકો જ્યારે 31 મી ડિસેમ્બરને વિદાય આપવા અને રાત્રે 12 વાગે કોઈ પાર્ટીઓમાં, પબમાં કે હબમાં આ દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે જરાપણ સુસંગત ન થાય તેવા તહેવારો અને વહેવારો ઉજવતા જેને માં તરીકે બીરૂદ મળ્યું છે તેવી ભારત માતાની હૃદયમાં ખૂની શેરડો પડતો હશે તેમાં શંકાને સ્થાન નથી.

આ વિશ્ર્વની સાહસયુક્ત અને બાહોશ એવી ધીમંત અને શ્રીમંત પ્રજા તરીકે ભારતીયોની ગણના થતી. તે 120 કરોડ ભારતીયોને યુરેનિયમ બોમ્બથી નાશ કરવાનો મનસૂબો પૂરો થાય તેમ હતું નહીં તેથી આયોજનપૂર્વક ગણતરીબદ્ધરીતે તેનો અણજાણપણે નાશ થઈ જાય તેવા પેંતરાઓ રચવામાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચવામાં આવ્યા છે. એક તળાવમાંથી બધી માછલીઓને દૂર નહીં કરી શકાય પરંતુ તેમાં રહેલું પાણી સુકવી નાખો એટલે બધા માંછલાઓ એકસાથે સામુહિક મૃત્યુ પામે છે. તેમાં આટલી મોટી પ્રજાનો દ્રવ્યનાશ શક્ય ન હતો તેથી તેનું સંસ્કૃતિ નામનું પાણી જો સુકવી નાંખવામાં આવે તો શરીર ઊભું રહેશે પરંતુ અંદરનો માણસ મૃત્યુ પામશે. અને તેના પ્રથમ ચરણમાં આ પ્રજાને તેની માતૃભાષાથી વિખૂટી કરી દેવામાં આવી. અને તેનાથી બીજી અનેક બાબતોનું વિલીનીકરણ આપોઆપ થવા લાગ્યું.

જન્મદિન નિમિત્તે ગુજરાતી તિથિને બદલે અંગ્રેજી તારીખે જ્યારે 80 અને 90 વર્ષના માજીઓ પાસે મીણબત્તીઓ ઓલવવામાં આવે એ આ સંસ્કૃતિ મરણને શરણ થવાની છે તેનું અપશુકન જાણે કરાવાય છે. આપણે ત્યાં શુભ પ્રસંગોએ દીવાઓ પ્રગટાવવામાં આવતા હતા. ઘરની બહાર જાય તો પણ પ્રગટાવેલો દીવો માંગલિક (બંધ) કર્યા વગર જવાનો રીવાજ હતો. જુઓ બંધ ને બદલે પણ માંગલિક શબ્દ મુક્યો છે. આપણા વડવાઓની દુરંદેશી તો જુઓ અપેક્ષાએ ભારે એવા મંગળ ગ્રહનું નામ પણ મંગળ રાખ્યું. એટલે અડધું અપમંગળ તો મંગળ શબ્દ બોલવાથી જ દૂર થઈ જાય. મૃત્યુ પામે ત્યારે મરી ગયા એ શબ્દ હલકો ગણાતો, ગુજરી ગયા શબ્દ મધ્યમ ગણાતો. પણ અસલમાં શાંત થયા તે શબ્દ વપરાતો હતો. સમગ્ર જીવનની અધ્યાત્મની ફિલસૂફી શાંત થયા શબ્દથી પ્રસ્થાપિત થઈ જતી. હજી તો નવ સદી પહેલા કુમારપાળ રાજાના રાજ્યમાં કોઈ માર શબ્દ બોલે તો તેનું ધન હણી લેવામાં આવતું હતું. તે જ દેશમાં હું તને મીસ્ડ કોલ મારૂ છું એવું આપણે કેટલીવાર પ્રયોજીએ છીએ? સેક્ધડે સેક્ધડે ઓકે શબ્દ બોલતા આપણને ખ્યાલ નથી કે તેને બદલે ત્યાં શુકનશાસ્ત્ર કહે છે કે ભલે શબ્દ વાપરવો. પ્રયત્નો કરી જો જો આપને ચોક્કસ ફરક જણાશે.

આવો કમ સે કમ તારીખ લખતી વખતે વીર સંવત અને વિક્રમ સંવતને યાદ કરતી ગુજરાતી તિથિઓ લખીને તેની સાથે જોડાયેલી ધર્મ અને સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખી અને તારીખ કદાચ લખીએ તો પણ ત્યારે આ અંગ્રેજી તારીખ છે એટલું લખવાનું ન ભુલીએ તો ક્યારેક ફિનિક્સની જેમ આ શબ્દોની રાખમાંથી સંસ્કૃતિની તવારીખ પેદા થયા વિના નહીં રહે.
લેખક : અતુલકુુમાર વ્રજલાલ શાહ, સી.એ.

TejGujarati