Skip to content
હોય વાત સાચી અને જો હું ના કહું તો ફટ કહેજે ભુંડા,
કહેવા જેવી વાતે જો હું ચૂપ રહુ તો ફટ કહેજે ભૂંડા!
દેશે દુઃખ ઘણાય ઈશ્વર જન્મો જનમના હિસાબ કરી,
બધાય દુઃખ હસતે મોંઢે ના સહુ તો ફટ કહેજે ભુંડા!
થાકે પગ અને થાકશે શરીર પણ વખત પ્રમાણે હો,
વહેતા સમયની સંગાથે ના વહુ તો ફટ કહેજે ભુંડા!
શીદને રાખવું સંઘરી આટલું બધું જરૂર થી વધારે,
જરૂર થી વધારે જો મુઠી લઉ તો ફટ કહેજે ભુંડા!
દેવાથી વધે રાજીપો એમ શાસ્ત્રો માં ય કહ્યું છે હોં,
હોય ઝાઝું અને ચપટી ના દઉં તો ફટ કહેજે ભુંડા!
ઘસી નાખ્યો ફરસનો બધો આરસ જઈ મંદિરે રોજ,
મંદિરે હવે માંગવા સારું જઉં તો ફટ કહેજે ભુંડા!
કહે ભટ્ટજી વાતો ગનાનની આવડે તેવી રીતે અહીં,
આ વાતો પર ધ્યાન લગીર ના દઉં તો ફટ કહેજે ભુંડા!
*મેહુલ ભટ્ટ.*