કરમચંદ: લો ગાજર ખાવ, સર, યુ આર અ જિનિઅસ, શટ અપ ! (દેશની પ્રથમ ડિટેકટીવ ટીવી સિરિઅલ). – સંજીવ રાજપુત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

પચાસ કે સાઈઠ વર્ષ પહેલા ગુજરાતના એક લેખક મહેશ મસ્તફકીરે ડિટેકટીવ વાર્તાઓનો બેનમૂન ઢાંચો સર્જ્યો હતો અને તેના પાત્રો હતા, ડિટેકટીવ રાજેન ગીરી અને બેલા રોય. આ બન્ને પાત્રોએ ગુજરાતી વાચન રસિયાઓને રસતરબોળ કરી દીધા હતા. બસ આવું જ કંઈક ભારતીય ટેલીવિઝન ઉપર પણ બનેલું. કરમચંદ નામની ડિટેકટીવ સિરિઅલ 1985 માં દૂરદર્શન ઉપર રજુ થઈ હતી.

ભારતીય ટેલીવિઝન પર પ્રથમ ડિટેકટીવ સિરિઅલ હતી. પંકજ કપૂર કરમચંદ હતા તો તેની સહાયિકા સુસ્મિતા મુખરજી કિટ્ટીનો રોલ કરતી હતી. સિરિઅલના જે જમા પાસા હતા તેમાં ગુન્હાની ભાળ મેળવવાની સાથે તેમાં રમૂજનું તત્વ પણ ભળેલું હતું. બસ આ રમુજના કારણે ભારતીય પ્રેક્ષકોને આ સિરિઅલ ખુબ પસંદ આવેલી.

જરા પાંત્રીસ વર્ષ પહેલાનો તમારો જમાનો યાદ કરો. દેશમાં કરમચંદ સિરિઅલે કેવી ધૂમ મચાવી હતી ! કરમચંદ નામથી જ લોકો હસી પડતા હતા કે આ તે કેવો ગાજર ખાતો અને વારંવાર જમણા કાન ઉપર હાથ ફેરવે, કાળા ગોગલ્સ પહેર્યા હોય અને તેની સહાયિકા કિટ્ટીને માઈલ્ડ ટોનમાં શટ અપ કહે એટલે કિટ્ટીનું મખમલી સ્મિત થોડા અવાજ સાથે રણકી ઊઠે ! સિરિઅલમાં પાત્રીકરણ અને ગુન્હા શોધવાની અવનવી ટેકનિકના લીધે દૂરદર્શન સ્વયં લોકોમાં પ્રિય થઈ ગયું હતું.

1985 માં કરમચંદ એટલે કે પંકજ કપૂર 31 વર્ષનો હતો અને કિટ્ટી 25 વર્ષની, બન્નેનો અભિનય એકદમ સાહજિક હોવાથી લોકોને પોતાપણું લાગતું હતું. કરમચંદની ખિસ્સામાંથી ગાજર કાઢવાની સ્ટાઈલ અને,’લો, ગાજર ખાવ’ નો લહેકો આખા દેશમાં પથરાઈ ગયો હતો. આબાલવૃધ્ધ સૌને આ રહસ્ય-રોમાંચ સભર સિરિઅલે ઘેલું લગાડેલું. ગામડાં અને શહ્રેરોમાં કરમચંદ હલવા અને ગાજર વેચાતા થઈ ગયા હતા, ગાજરના હલવાને કરમચંદ નામ આપી મીઠાઈના વેપારીઓએ વેચાણ વધારી દીધું હતું. બજારમાં કરમચંદના નામથી ગોગલ્સ ચશ્મા તડામાર વેચાવા લાગ્યા હતા. ફિલ્મ જગતે પણ કરમચંદ સિરિઅલની સફળતાથી પંકજ કપૂરને એક ઉતકૃષ્ટ એકટર તરીકે અપનાવ્યો.

કરમચંદ સિરિઅલના પ્રણેતા હતા પંકજ પરાશર.તેમણે સિરિઅલ માટે મુંબઈ નાટ્ય જગતના ગુજરાતી ખોજા અને ખેરખાં અલીક પદમશીનો સંપર્ક કર્યો હતો. પ્રથમ દ્રશ્ટીએ તો એવું લાગ્યું કે ગાજર ખાતો ડિટેકટીવ હોય ખરો ? તેમ છતાં એલીક પદમશીએ પંકજ પરાશરને વીસ હજાર રુપિયા આપ્યા અને કહ્યું કે સિરિઅલનો પાયલોટ એપિસોડ તૈયાર કર. આગે આગે દેખા જાયેગા. જશે તો વીસ હજાર જ ને !

પરાશરે કરમચંદ તરીકે આલોકનાથની પસંદગી કરી હતી. કિટ્ટી ત્યારે ન હતી. એપિસોડ તૈયાર થયો તો અલીક પદમશી આશ્ચર્યચકિત થઈ ગયા કે સિરિઅલમાં મનોરંજનનું ખુબ તત્વ છે. તુરત જ તેમણે દૂરદર્શનને આ એપિસોડ મંજુરી માટે મોકલી આપ્યો અને મંજૂર પણ થઈ ગયો. એ અરસામાં પંકજ પરાશર અને આલોકનાથ સિરિઅલના કોઈ ઈસ્યુ ઉપર બાઝી પડ્યા. પરાશરે તે વખતે નવાંગતુક પંકજ કપૂરની પસંદગી કરી તો કપૂરે ટીવી ઉપર કામ નથી કરવું એવા ગર્વ સાથે ના પાડી.

પરાશરની મૂંઝવણ વધી ગઈ પણ બીજા દિવસે કપૂર પાછો આવ્યો અને સિરિઅલમાં કામ કરવાની હા પાડી. કારણ ખિસામાં પૈસા ન હતા અને મુંબઈમાં ટકવાનું હતું. કરમચંદના એક એપિસોડ માટે રૂ 1500/ મળવાના હતા. બસ આ જીજીવિષાએ કપૂરને ઉગારી લીધો.

અલીક પદમશી તો એંટરટેઈંટમેંટ જગતના ગુરુ ગણાતા હતા અને ભારતની અતિ પ્રસિધ્ધ અને સફળ એડવર્ટાઈઝીંગ એજન્સી લિંટાસ ના સંચાલક અને અંગ્રેજી નાટક્ના બેતાજ બાદશાહ હતા. તેમણે દૂરદર્શન તરફથી લીલી ઝંડી મળતા કરમચંદની સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યા અને નાટકિય તત્વ અને રમૂજ ઉપસાવ્યા. કરમચંદને ચેસ રમતો, ગાજર ખાતો અને કાળા ગોગલ્સ પહેરી ડિટેકટીવ જેવો બતાવ્યો. સિરિઅલનું લેખનકાર્ય સુધીર મિશ્રાને સોંપાયું હતું અને તે સમયે સુસ્મિતા મુખરજી તેની પત્નિ હતી જે એકદમ બાળ સહજ અભિનય કરી શકતી અને તેવા હાવભાવ લાવી શકતી. બસ કરમચંદની જોડી આ રીતે તૈયાર થઈ ગઈ.

કરમચંદના દરેક એપિસોડની શરૂમાં નસિરુદ્દિન શાહ કોમેંટરી આપતા અને સિરિઅલના એપિસોડની પ્રાશ્ચાદભુમિકા સમજાવતા. સિરિઅલમાં પંકજ કપૂરની કરમચંદ તરીકેની કેટલીક ખાસિયતોએ કપિલદેવ, કમલહાસન, કિશોરકુમાર અને મનોજકુમાર જેવી હસ્તીઓને આકર્ષી હતી. દૂરદર્શને સિરિઅલની અપ્રતિમ સફળતાઈથી પ્રેરાઈને 26 એપિસોડ પછી બીજા એપિસોડની મંજુરી આપી દીધી. દર શનિવારે રાત્ર 9-00 વાગ્યે આવેલી આ કરમચંદે ઘરેઘરે ડિટેકટીવ ઉભા કરી દીધા હતા. બાળકોને ગાજર ખાતા કરી દીધા તો યુવાનિયાઓ કાળા ગોગલ્સ પહેરતા થઈ ગયા હતા

કરમચંદની ખ્યાતિ ભારત બહાર યુરોપ અને અમેરિકામાં પણ પ્રસરી ગઈ હતી અને ઘણી અમેરિકન ડિટેકટીવ સિરિઅલોમાં ‘જસ્ટ લાઈક અ કરમચંદ’ જેવો ડાયલોગ પણ આવતો. કરમચંદ સિરિઅલ ટીવીના પડદ પર આવી કે એક જુવાળ આખા દેશમાં ઉભો કરી દીધો હતો. એક નવી શૈલીની ડિટેકટીવ સિરિઅલ તરીકે લોકો તેને જોતા. સિરિઅલમાં લોજીકની સાથે રમૂજ અને કોઈપણ જાતના આધુનિક ગેઝેટનો ઉપયોગ કર્યા વગર ફક્ત તર્ક ના આધારે કેસનો ઉકેલ લાવવાની રીત લોકોને ખુબ ગમી.

કરમચંદ કેસનો ઉકેલ લાવવા ગાજત ચાવતો હોય છે તેના પરથી લોકો સાબિત કરવા લાગ્યા કે ગાજર બુધ્ધિનો વિકાસ કરે છે અને શાક માર્કેટમાં વેપારીઓએ કરમચંદના ગાજર અહીંયા મળે છે એવા બોર્ડ લટકાવતા. ભાવનગરની શાક માર્કેટમાં કિશન કરીને એક વેપારીએ પંકજ ક્પૂરનો ગાજર ખાતો ફોટો મુકેલો અને લખેલું કે અમારા ગાજર ખાવ અને ઘરના પ્રશ્ન કરમચંદની જેમ ઉકેલો.

કિટ્ટી જ્યારે કરમચંદને કહેતી કે, ‘સર, યુ આર અ જિનિયસ’ અને કરમચંદ શટ અપ કહેતો એ ડાયલોગ શેરીએ શેરીએ સંભળાતો.

વીતી ગયેલા સમયને વાગોળવાની પણ એક મજા છે !

TejGujarati