“વાત બહાર જાય નહિ.. ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ભારત

‘હા… બધ્ધા પોપટ તૈયાર છે ને?’ મુખ્ય ચીફ સિક્યુરીટી ઓફીસરે મુખ્ય ટ્રેનરને પુછ્યું..
‘હા.. સાહેબ પોપટ હંમેશા તૈયાર હોય છે.. એટલે જ પોપટ તરીકે ઓળખાય છે…’
‘ગુડ વેરી ગુડ… અને હા આ,પોપટ સરળતાથી સાહેબના હાથમાં આવી જશે?’ ઓફિસરે પ્રશ્ન કર્યો..
‘પ્રેક્ટીસ ચાલુ છે સાહેબ…’
‘ વેરીગુડ…’ઓફિસરે કહ્યુ.
‘એકાદ બે જયોતિષવાળા પોપટ છે… અમે જેવા સફેદ દાઢી લગાડેલા ભાઈને એની નજીક લાવી છીએ.. એ કાગળ ખેંચવા માંડે છે…ભવિષ્ય જોવા માંડે છે.. એ પણ પોતાનુ.. ‘
‘ ના… ના.. એવા પોપટને ઉડાડી મુકો.. લોચા પડી જાય..’સિક્યુરિટી ઓફિસરે ગભરાઈને કહ્યુ.
‘સાહેબ.. હાડવૈદ્યવાળો એક કાકાકૌવા છે.. તમે કહીએ તો ટ્રાય કરીએ… એ સાહેબના હાથમાં આવીને બેસી જશે… પણ ચાર દિવસથી એનું પેટ ખરાબ છે…
‘ ના… હોં… જો જો ઇજ્જતના ભડાકા કરતા.. શુ દેશમાં બે ચાર સારા. પોપટ પણ નથી એ એક ઈશારે સાહેબ ઉપર બેસી જાય… ફોટો પડાવે?.
‘ અમારા પ્રયત્નો ચાલુ છે… ‘
‘ પ્રયત્નો બ્રયત્નો નહીં.. તમે ટ્રેનર છો..! તમે પોપટને સમજાવો… કહો એમને… તમે માત્ર પોપટ છો.. તમારી મરજી ના ચાલે… રોજરોજ સાહેબ ઉપર થોડું બેસવાનું છે?… આખીએ પોપટની પ્રજાતિ જગવિખ્યાત થઈ જશે.. પોતાની કારકિર્દી પ્રત્યે પણ સભાન નથી. સાલા એક નંબરના પોપટ છે.. અને હા.. કોઈ રામ રામ બોલતો પોપટ નથી? સીતારામ બોલશે તો પણ ચાલશે…’સિક્યોરિટી ઓફિસરે પુછ્યું.
‘ના… પણ ચુંટણી વગર કોઇ પોપટ કયા રામ બોલે છે..’
‘ તમારી વાત સાચી છે… આ દેશમાં નકામા પ્રયોગો હવે નથી કરવા.. હા તમે પ્રયત્ન ચાલુ રાખો.. સાહેબની સામે નાક ન કપાવતા… આપણે કમ સે કમ પોપટ તો મેનેજ કરી જ શકીએ…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati