આશંકા:સુદામડામાં BOBનું ATM મશીન ગેસ કટરથી કાપી 22 મિનિટમાં જ તસ્કરો રૂ.10.31 લાખ લઇ પલાયન.

ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સાયલાના સુદામડા ગામે એટીએમ તોડીને તસ્કરોએ લાખો રૂપિયા ઉઠાવી ગયા હતા.
3 તસ્કરોને CCTVના દરેક એંગલની જાણે ખબર હોય તેમ મોં બાંધી સામે આવ્યા હતા
શુક્રવારે સાંજે 6 વાગે ATM મશીનમાં પૈસા નાખ્યા હતા અને મોડી રાત્રે 3:32એ ચોરી થતાં બેંક સત્તાધીશો દોડી આવ્યા
જુગલબંધી: 2 તસ્કરો મશીન કાપતા હતા અને 1 બહાર નજર રાખતો હતો

લોકોને પોતાના ખાતામાં બેલેન્સ હોય અને પૈસા ઉપાડવા માટે બેંકમાં લાઇનો ન લગાવવી પડે એટલા માટે બેંકો દ્રારા ગામો ગામ એટીએમની સગવડતા કરવામાં આવી છે. પરંતુ આ એટીએમ મશીનો તસ્કરો માટે સરળ ટાર્ગેટ બની ગયા છે. ત્યારે સાયલા તાલુકાના સુદામડા ગામના રસ્તા ઉપર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમને નીશાન બનાવી તસ્કરો ત્રાટકયા હતા. જેમાં શુક્રવારે સાંજે 6 વાગે જ બેંકની માન્ય સી.એમ.એસ કંપનીના કર્મચારીઓએ બેંકમાં રૂ.10,31,500 રૂપીયા ભર્યા હતા. રાત્રે 3.22 મીનીટે ચોર આવ્યા અને માત્ર 22 મિનીટના સમયમાં કટરથી એટીએમ તોડીને રૂ.10.31.500 લઇને પોબારા ભણી ગયા હતા. બેંકની માન્ય એજન્સી દ્વારા સાંજના સમયે એટીએમમાં રૂપિયા લોડ કરવામાં આવે છે અને તે જ રાત્રે એટીએમ તોડી રૂપિયા 10 લાખથી વધુની ઉઠાંતરી થતાં આ ચોરીના બનાવમાં કોઇ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

સાયલાના સુદામડા ગામે બેંક ઓફ બરોડાની બ્રાંચ પાસે આવેલ એટીએમ તુટયું હોવાની જાણ બ્રાન્ચ મેનેજર સુશાંતકુમાર તિહાર અને સુહાજ યાદવને થતા સુદામડા ગામે એટીએમ ખાતે શટરનું તાળુ તોડેલી હાલતમાં જોવા મળેલુ હતુ. અને શટર ઉંચુ કરીને જોવામાં એટીએમ તુટેલી હાલતમાં હોવાની સાયલા પોલીસને જાણ કરવામાં આવી હતી. સાયલા પીએસઆઇ આર.જે.ગોહિલ સહિત પોલીસ કર્મીઓનો કાફલો આવતાં ગેસ કટરથી એટીએમ કાપી રૂ.10,31,500ની રકમ તસ્કરો ઉઠાવ ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

ચોરોનું પગેર઼ું દબાવવા હાઇવેના CCTVનો સહારો
તસ્કરો એટીએમમાં ચોરી કરતા સમયે તો મોંઢા પર કપડું બાંધીને આવ્યા હતા. ત્યારે ચોરી કર્યા બાદ ફરાર થયેલા તસ્કરોને ઝડપી લેવા પોલીસ માટે હવે હાઇવે પર આવેલા સીસીટીવી કેમેરા જ મુખ્ય કડીરૂપ બને તેવી શક્યતા છે. આથી પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા શખ્સો કઇ તરફ ભાગ્યા છે તેની સઘન તપાસ કરવા હાઇવેના સીસીટીવીનો સહારો લીધો છે.

FSL, ફિંગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોર્ડની મદદ લેવાઇ
સાયલા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફુટેજમાં આવેલા ત્રણ શખ્સોએ મોઢે કપડું બાંધતા ચહેરો સ્પષ્ટ ન હોવાનું જોવા મળે છે. ત્યારે એસએફએલ, ફીંગર પ્રિન્ટ અને ડોગ સ્કોર્ડ સહિતની ટીમે કામગીરી શરૂ કરી છે. પોલીસે ચોરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

ઓળખ છુપાવવા રૂમાલ ને ધાબળાે મોં પર ઓઢ્યો
સુદામડા બ્રાંચના સી.સી ટીવી કેમેરાના ફુટેજમાં ત્રણ શખ્સોમાં લાલ કલરનો શર્ટ અને માથે અને મોઢે બ્લયુ કલરનું કપડુ વીટાળેલુ બીજા શખ્સે વિવિધ કલરવાળો ધાબળો ઓઢી મોઢા અને માથાના ભાગે રુમાલ બાંધેલ છે. જયારે ત્રીજો શખ્સ બહાર નજર રાખતો જોવા મળે છે.

ચુડાના ચોકડી ગામે પંજાબ નેશનલ બેંકનું ATM તોડવાનો પ્રયાસ કરાયો
ચુડા તાલુકાના ચોકડી ગામે પંજાબ નેશનલ બેંકના એટીએમમાં તસ્કરો કટર સહિતના ધારદાર યંત્રો લઈ ઘૂસ્યા હતા. એટીએમ તોડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ તે દરમિયાન એટીએમમાં ગોઠવેલું સાયરન કંટ્રોલ રૂમમાં વાગતા કંટ્રોલ રૂમ દ્વારા ઘટના અંગે ચુડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ચુડા પીએસઆઈ જે.આર.ડાંગર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે તે પહેલા તસ્કરો નાસી છૂટયા હતા. એટીએમના સીસીટીવીમાં 2 તસ્કરો ઓળખ છૂપાવવા મોઢે બોકાની બાંધેલા દેખાયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.સુદામડા ગામે થયેલી ચોરીમાં પણ આ જ શખ્સોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

TejGujarati