કીડી નાની,પણ મસમોટો રૂઆબ*? *ફરી કુદરતના ખોળે*? *Non-Fiction. *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

કલા સાહિત્ય મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

16/10/2020

? *ફરી કુદરતના ખોળે*?
*Non-Fiction*

*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214

*કીડી નાની,પણ મસમોટો રૂઆબ*

*કીડીનું એક દર, એટલે કે રાફડો કેટલો મોટો કલ્પી શકો છો?* દુનિયામાં જુદી જુદી જગ્યાએ કીડીના મોટા રાફડા શોધાયા છે અને તેનો અભ્યાસ થયો છે. *જાપાનમાં એક જ વિશાળ રાફડામાં ૩૦ કરોડ ૬૦ લાખ થી પણ વધારે કીડીઓ મળી આવેલી છે. આ રાફડામાં ૧૦ લાખ કીડીની રાણી છે અને તેમાં ૪૫,૦૦૦ કીડીની જુદી જુદી કોલોની મળી આવી છે. આવો બીજો રાફડો આર્જેન્ટિનામાં પણ મળી આવ્યો છે જેની લંબાઈ ૩,૭૦૦ માઈલ છે,* એટલે કે મેક્સિકો દેશથી ધ્રુવ પ્રદેશ અલાસ્કા જઈએ તેટલું લાંબુ અંતર થાય! માણસો જેમ શહેર વસાવે તેમ કીડીઓના પણ વિશાળ વસાહત/શહેર હોય છે. માણસ જાત પછી કોઈપણ જીવ દ્વારા બનાવેલી સહુથી મોટી વસાહત ખુબજ નાની કીડીઓની હોય છે. આવા કીડીના રાફડા જીજ્ઞાષુઓ માટે જોવા લાયક સ્થળ તરીકે પ્રખ્યાત છે. આવો એક રાફડો અમેરિકાના કેલિફોર્નિયામાં પણ છે.

સામાન્ય રીતે ઘર આસપાસ કીડીઓ જોઈ હોય છે ને કેટલાક કીડીના દર પણ ભરતાં હોય છે, પણ ક્યારેય કોઈ કીડી ને એકલી જોઈ નહિ હોય. હંમેશા સમૂહમાં જોવા મળશે, સતત એકધારી પોતાના દર તરફ ખોરાક લઈને જતી અને પાછી ખોરાકની શોધમાં હરોળમાં ચાલતી જોઈ હશે. કીડી એક સામાજિક જીવ છે અને હંમેશા સમૂહમાં તેમના દર/ કોલોનીમાં રહે છે. કીડી સામાજિક જીવ હોવા છતાં તમે બે કીડીને ક્યારેય ઝઘડતાં નહિ જોઈ હોય, કદાચ તેમના જીન્સ માં ઝઘડો થાય તેવા જીન્સ હોતાંજ નથી. લાખોની સંખ્યામાં કીડીઓ સાથે રહે છે, બાજુ બાજુમાં તેમના દર/ કોલોની હોય પણ ક્યારેય કોઈ ઝઘડો નહીં.

કીડીઓની દરેક કોલોનીમાં ત્રણ પ્રકારની કીડીઓ હોય છે. મુખ્ય કીડી એટલે કે કીડીઓની રાણી, ત્યાર બાદ નર કીડી અને બાકી બધી અઢળક સંખ્યામાં કાર્યકર કીડી. કામની વહેંચણી બહુજ ચોક્કસ. મેન્જમેન્ટ ની ભાષામાં ડિવિઝન ઓફ લેબર પરફેક્ટ હોય.
*શીખવ મને*
*અઢળક ધીરજ*
*શક્તિશાળી*
*હાઈકુ: જગત.કીનખાબવાલા*

કીડીના નવા બચ્ચા જન્મે તે કીડીઓ કોલોનીની ગુલામ/કાર્યકર/ કામદાર કીડી બને છે, જેમણે તેમનાં માટે સૂચવેલું કામ કરવાનું હોય છે. નવી જન્મેલી બધી કીડીઓ લોહીની સગાઈએ બહેનો હોય છે. નર કીડી વર્ષમાં ફક્ત એક વાર જન્મ લે છે. તેઓની અદભુત રચના એવી હોય છે કે જયારે બીજી કોલોની બનાવવાની જરૂરત ઉભી થાય ત્યારેજ નર કીડીનો અને રાણી કીડીનો જન્મ થાય છે અને આ એક અચંબો પમાડે તેવો પ્રશ્ન એ છે કે કેવી રીતે નક્કી થાય કે હવે નર કીડી અને રાણી કીડીના જન્મની જરૂરિયાત છે!

*ન જોયેલી કે ન જાણેલી વાત, અચંબામાં પડી જવાય કે નર કીડી અને માદા કીડીને પાંખો હોય છે, કીડી જોઈ છે પણ પાંખો વાળી કીડી નથી જોઈ. નર કીડી પાંખોની મદદથી ઉડે છે અને રાણી કીડી સાથે સમાગમ કયારે છે અને ત્યારે માદા કીડી ઈંડા મૂકે છે, નવા જન્મેલા બચ્ચાની નવી વસાહત બને છે.* બંને નર પાંખવાળી અને માદા પાંખવાળી કીડીઓનું આયુષ્ય કામદાર કીડીઓ કરતાં ઓછું હોય છે કારણકે તેમનું મુખ્ય કામ ફક્ત ઈંડા મૂકી નવા બચ્ચાને જન્મ આપવાનું હોય છે. રાણી કીડી સાથે નર કીડીનું સમાગમ પતી જાય એટલે તરતજ નર કીડી મૃત્યુ પામે છે અને આમ તેમની વસ્તીનું નિયંત્રણમાં રહે છે.

કીડીના જન્મના ચાર તબક્કા હોય છે. પહેલાં ઈંડા હોય પછી તે નાના કીડામાં પરિવર્તિત થાય ત્યાર બાદ તે કોશવાસી કીડો બને અને તેના શરીરનો વિકાસ થાય એટલે તે પુખ્ત કીડી બને. કીડીની ૧૨,૦૦૦ પેટા જાતિ નો અભ્યાસ થયેલો છે. *કીડી પોતાના વજન કરતાં ૫૦ ઘણું વજન ઊંચકી શકે છે.* કીડી ખુબ મજબૂત અને શશક્ત બાંધો ધરાવે છે. તેના શરીરમાં કાણાં હોય છે જેની મદદથી તે શ્વાશ લે છે. તેઓ ખોરાક ના બદલામાં બીજી કીડીઓ પાસે કામ કરાવે છે. માનવ જાતની ઉત્પત્તિ કરતાં કીડીઓ ૫૦ કરોડ વર્ષ પહેલાં જમીન પોચી કરી ખેતી કરતી આવેલી છે.

*જયારે પણ કીડીને કશુંક સૂંઘવાથી નશો ચડે અને પડે ત્યારે ફક્ત જમણી બાજુંજ પડે છે!* કીડીઓ આખી દુનિયામાં વરસાદ પડતો હોય અને બરફ પડતો હોય તેવા સમયે બહાર નથી દેખાતી અને તે સિવાય બધો સમય તે બધેજ જોવા મળતી હોય છે. માટીમાં, પથ્થરમાં, વૃક્ષ ઉપર, લાકડા જેવી બધી જગ્યાએ પોતાના દર બનાવી લે છે. *કીડીઓના ઝુંડમાં કોઈ કીડીનું મૃત્યુ થાય ત્યારે બે દિવસ માટે તેને તેની જગ્યાએ પડી રહેવા દે છે.* ત્યાર બાદ તેના શરીરમાં કુદરતી બાયોકેમિકલ બદલાવ આવવા માંડે ત્યારે તેના શરીરમાંથી ઓલિએક એસિડ (Oliek acid) છૂટે. તેની વાસથી તેઓ જાણેકે તેનામાં જીવ નથી રહ્યો ત્યારે બાકીની બધી તેના સમાજની કીડીઓ ભેગી થઇ તેમના બધાના દર હોય તેનાથી દૂર એક ખૂણે રાખેલું સ્મશાન ગૃહની જગ્યાએ કીડીઓ ભેગી થઇ મૃત કીડીને છોડી આવે અને તેની ઉપર ઘાંસનો ઢગલો કરી દે. આટલા નાના જીવમાં પણ કેટલી વૈજ્ઞાનિક સમજ, સ્વચ્છતા, સમાજ અને જોડીદાર માટેનું સામાજિક સનમાન સાચવવાની આવડત હોય છે.


*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ*.
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*

TejGujarati