અનેક સદીઓનું અલૌકિક આશ્ર્ચર્ય ચતુર્થ વખત 180 ઉપવાસ તરફ આગળ વધી રહેલા શ્રી હંસરત્નસૂરિજીની અકલ્પનીય સાધના : આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિજી.

ટેક્નોલોજી ધાર્મિક લાઇફ સ્ટાઇલ સમાચાર

અનેક સદીઓનું અલૌકિક આશ્ર્ચર્ય

ચતુર્થ વખત 180 ઉપવાસ તરફ આગળ વધી રહેલા શ્રી હંસરત્નસૂરિજીની અકલ્પનીય સાધના : આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિજી

જૈનાચાર્ય શ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મહારાજાએ આજે 16 ઉપવાસના આઠમી વખત
પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા

અગાઉ પોતાના જીવનમાં ત્રણ વખત 180 ઉપવાસ જેમણે સર કરેલા છે. અને માત્ર દિવસના સમયે ઉકાળેલું પાણી વાપરીને 6 મહિના સુધી આહાર ગ્રહણ કર્યા વગર આવી અલૌકિક તપશ્ર્ચર્યા કરનાર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મહારાજાએ હાલ ચતુર્થ વખત 180 ઉપવાસની સાધનામાં 112 ઉપવાસ પૂર્ણ કરીને 113 થી 128 ઉપવાસના પચ્ચક્ખાણ વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી રાજેન્દ્રસૂરીશ્ર્વરજી મહારાજા પાસે મંડપેશ્ર્વર રોડ, બોરીવલી ખાતે અનેપ.પૂ. આ.ભ. શ્રી રત્નસુંદરસૂરીશ્ર્વરજી મહારાજા પાસે ગીતાંજલી નગર, બોરીવલી (વેસ્ટ) શ્રી શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય મધ્યે અને શ્રી રોયલ કોમ્પલેક્સમાં બીરાજમાન પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વરબોધિસૂરીશ્ર્રજી મહારાજા પાસે વંદન કરીને પચ્ચક્ખાણ અને આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

કાંદિવલી, શંકરગલી શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન મંદીરમાં બીરાજમાન જૈનાચાર્ય શ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મહારાજાએ 6800 દિવસમાં 3400 ઉપવાસ કરેલા છે.

જૈન ધર્મમાં વધુમાં વધુ 180 ઉપવાસ કરવાની પરમાત્માએ આજ્ઞા ફરમાવેલી છે. તે પ્રભુના બહુમાન અર્થે અને તેના આલંબને તેનાથી વધારે ઉપવાસ શ્ર્વેતાંબર સંપ્રદાયમાં કોઈ કરતું નથી. અને એકસાથે વધારેમાં વધારે 16 ઉપવાસના પચ્ચક્ખાણ ગ્રહણ કરવાની વિધિ બતાવેલી છે. 2500 વર્ષ પહેલા વિશ્ર્વસમ્રાટ તીર્થંકર પરમાત્મા શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. ત્યારબાદ પોતાના ગુરુદેવ વિજયહીરસૂરીશ્ર્વરજી મહારાજાની કૃપાથી ચંપા શ્રાવિકાએ 180 ઉપવાસ કરવા દ્વારા અકબર રાજાને પ્રતીબોધ કરેલા અને તેમણે અનેક દેશોમાં મહિનાઓ સુધી અમારિના પ્રવર્તન દ્વારા જીવોની હિંસા પર સંપૂર્ણ પ્રતિબંધ અમલ કરાવેલો.

સરસ્વતીલબ્ધ આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદરસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબે જળસભર નયનથી તેઓની અનુમોદના કરતા કહ્યું હતું કે એક સંતપુરુષ કાયમ સુકા બાજરાના રોટલાનો આહાર ગ્રહણ કરતા ત્યારે યજમાને કહ્યું કે આપ મીઠાઈ કેમ નથી વાપરતા ? ત્યારે તે સંતપુરુષે એક દર્પણ પર માલપુઓ ચોપડ્યો તો દર્પણ ધુંધળુ થઈ ગયું અને એના પર બાજરાનો રોટલો ઘસ્યો તો દર્પણ ચળકવા માંડ્યું. આ દૃષ્ટાંતથી ઉપવાસની મહાનતા સિદ્ધ કરતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકમાનસ ઈન્દ્રિયોના તુષ્ટિકરણમાં જતું હોય છે. તેનાથી આગળના સ્ટેજમાં પોતાનો અહંકાર સંતોષવા પુષ્ટિકરણ તરફ ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. જ્યારે ઉત્તમ આત્માઓ શુભ ભાવના સાથે ઉર્ધ્વિકરણ તરફ પગરણ માંડતા હોય છે. પરંતુ આંગળીને વેઢે ગણાય તેવા વિશિષ્ટ આત્માઓ શુદ્ધિકરણની સાધના કરતા હોય છે. જે નિર્જરા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આચાર્ય ભગવંત શ્રી હંસરત્નસૂરિજી મહારાજા આ શુદ્ધિકરણની સાધના તરફ એક ભવ્યતમ પરાક્રમની પરાકાષ્ઠા કરવા વધી રહ્યા છે. જે આધુનિક વિશ્ર્વમાં અચ્છેરા સ્વરૂપ છે. તેઓશ્રીએ જણાવ્યું હતું કે આપણે તપ નથી કરી શકતા પરંતુ કમ સે કમ આ મહાત્માની હૃદયપૂર્વકની અનુમોદના તો જરૂર કરીએ.

TejGujarati