લાગણીશીલ વાંચકોએ લેખ ન વાંચવો. – આંખો એ ; લીધા ઓળખી. પરમેશ્વરીને, !

વિશેષ સમાચાર

આંખો એ ;
લીધા ઓળખી
પરમેશ્વરી ને, !

અમદાવાદમાં માધુપુરા જેવા વેપારધંધાવાળા વિસ્તારની સ્ટેટ બેંક.

એમાં અરુણ ત્રિવેદી કામ કરે. સ્વભાવે પ્રેમાળ અને પારકી છઠ્ઠીનો જાગતલ.

બેંકમાં સાડાદસ પછી વેપારીઓના મુનીમો ભરણું કરવા આવે. રોજનું કામ રહ્યું એટલે આમેય એકબીજાને ઓળખતા થઇ જાય.

*રામશંકર નામે એક મુનીમ રોજ બેન્કના વ્યવહારો પતાવવા આવે. સ્વભાવે સાવ ઓછાબોલા. એ ભલા ને એમનું કામ ભલું. રોજ અરુણભાઈ સાથે માત્ર સ્માઈલનો વ્યવહાર થાય.*

એક દિવસ રામશંકરે અરૂણભાઈને કહ્યું: સાહેબ, બે મિનીટ સમય હોય તો એક વાત કરવી છે.

બહાર વેઈટીંગ લાઉન્જમાં એક સોફા પર બેઠા.

“સાહેબ, તમે ચકલાને ચણ નાખો છો?”

“ના,”

“સાહેબ, હું વરસોથી ચણ નાખું છું. કોઈ ફાયદો નહોતો દેખાતો પણ ટેવ પડી ગઈ હતી. એમ જ કહોને કે ચણ નાખવાનું વ્યસન જ પડી ગયેલું. પણ એ મુંગા જીવોએ તો મને ન્યાલ કરી દીધો.”

“સમજ્યો નહિ.”

પછી તો રામશંકર યાને રામભાઈએ આપવીતી કહી.

*બે મિનીટને બદલે કલાક થઇ ગયો.*

રામશંકર એટલે કે રામભાઈ ત્રીસેક વરસથી માધુપુરાની એક પેઢીમાં નોકરી કરે. પગાર તો કેટલો હોય? કુટુંબમાં હુતોહુતી અને એમનો એક માત્ર દીકરો.

નારણપુરામાં એક જૂની સોસાયટીમાં એક મકાનમાં રૂમ-રસોડામાં ભાડે રહે. મૂળે બ્રાહ્મણ જીવ એટલે સંતોષી.

*દીકરો પણ એવો જ સીધો સાદો. ભણવામાં હોંશિયાર. એમાંય બારમા ધોરણમાં ભાઈએ સાયંસ રાખ્યું. ટ્યુશનનું ગજું તો હતું નહિ.*

વિદ્યાનગર સ્કુલમાં ભણે ત્યાંય કપાસીસાહેબે એની ફીઝ માફ કરેલી.

*આટલી મર્યાદા છતાં બારમામાં એ સારા ટકા લાવ્યો પણ એ એવી બોર્ડર પર કે બધે વેઈટિંગ લીસ્ટમાં જ હોય. અનામત પણ બધે નડી.*

દીકરો નિરાશ થયો. એને આઈ.ટી.માં એડમીશન જોઈતું હતું.

*એમાંય એક દિવસ દીકરા મનને ભડાકો કર્યો કે એણે બેંગલોરમાં NITTE સંસ્થામાં અરજી કરેલી એમાં પ્રવેશ મળી જશે. દેશમાં ટોચની શૈક્ષણિક સંસ્થામાં એની ગણના થાય.*

સમાચાર તો સારા હતા પણ રામશંકર માટે ચાદર કરતાં પગ લાંબા હતા, તોય એમણે દીકરાને નકારો ન કર્યો.

બાપ-દીકરાએ બેંગલોર જવાનું નક્કી થયું.

કરુણતા તો એ હતી કે ફી રહી ફીને ઠેકાણે – બે જણના બેંગલોર જવા આવવાનો ખર્ચનો જ પ્રશ્ન હતો.

*રામભાઈએ શેઠ પાસેથી ઉપાડ લીધો. જવા આવવાનું રેલ્વે રીઝર્વેશન કરાવ્યું.*

રામભાઈને હતું કે જે થશે એ જોયું જશે. તોય ખાંડણીયામાં માથું મૂકી જ દીધું છે, વાળો ઘાટ હતો.

નિશ્ચિત દિવસે બાપ-દીકરો બેંગ્લોર NITTE પહોંચ્યા. ઓફિસમાં પહોંચ્યા.

ત્યાં મનનને એક ફોર્મ ભરવાનું આપ્યું. એક બ્રોશર પણ આપ્યું.

*રામભાઈએ એક ટર્મની ફીઝ અને હોસ્ટેલની ફીઝ વાંચી. એમના તો મોતિયા મરી ગયા.*

કાઉન્ટર પર બેઠેલો ક્લાર્ક બાપ-દીકરાની મૂંઝવણ જાણે પામી ગયો હતો.

કલાર્કે મનનને બોલાવ્યો.

“જેન્ટલમેન, એની પ્રોબ્લેમ?”

“સર, વી વિલ મેનેજ. લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ?”

“ટુ મોરો”

મનનને ચક્કર જેવું આવી ગયું. એ બાપની પાસે જઈને બેઠો. રામભાઈ સમજી ગયા.

*એમણે મનનના ખભે હાથ મૂક્યો. મનન રડી પડ્યો. રામભાઈની મજબુરી હતી. દીકરાની પીઠ પસવારવા જેટલી હિમત નહોતી.*

ક્લાર્ક ઉભો થઇ પાણી લઈને આવ્યો. મનનને આપ્યું.

ભાષાનું બંધન હતું. એણે રામભાઈને કન્નડમાં કૈંક કહ્યું.

રામભાઈ સમજી ગયા.

એમણે જવાબ આપ્યો: નો મની…

ક્લાર્ક મનન પાસે બેઠો. એની સાથે થોડી વાત કરી.

મનન થોડો સ્વસ્થ થયો.

*એણે રામભાઈને કહ્યું કે આ ભાઈ સાંજ સુધી રોકાવાનું કહે છે. એ આપણને એક જગ્યાએ લઇ જશે. પછી આપણા નસીબ.*

આમેય ટીકીટ બીજા દિવસ સાંજની હતી. ગુજરાતી સમાજમાં ઉતરેલા.

રાત્રે સાવ અજાણ્યા જણ સાથે, અજાણ્યા શહેરમાં, અજાણી જગ્યાએ જવું, એ જોખમ હતું પણ રામભાઈને લૂંટાવાની બીક નહોતી.

કૈંક હોય તો લૂંટેને? સવાલ માત્ર સાંજ સુધીનો હતો.

પેલાએ મનનને લંચ માટે સારી અને સસ્તી જગ્યાનું સરનામું લખી આપ્યું. આમેય બંને ભૂખ્યા થયેલા.

જમીને સાંજ સુધી એક બગીચામાં બેઠા.

છ વાગ્યે બંને કોલેજમાં પેલા ક્લાર્કની સામે હાજર થઇ ગયા.

પાંચેક મીનીટમાં એ પરવારી તૈયાર થઈને બંનેને લઇ દરવાજે આવ્યો.

એણે પૂછ્યું: ઓટો ?

જવાબમાં લાચારી હતી: As you wish.

*ખાસ્સુ અંતર કાપી ઓટો એક મસમોટા બંગલાના દરવાજે ઉભી રહી. ભાડું થયેલું બસો ચાલીસ.*

રામભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો પણ સાથે આવેલા કલાર્કે પેલાને કન્નડ ભાષામાં કૈંક કહ્યું.

બધા બંગલામાં પ્રવેશ્યા.

*વૈભવ જોઇને અંજાઈ ન જવાયું પણ ઈંચે ઈંચમાં રહેનારનું સંસ્કારીપણું છતું થતું હતું.*

ત્રણેય અંદર મોટ્ટા ડ્રોઈંગ રૂમમાં બેઠા.

પછી થોડી વારે એક જાજરમાન મહિલા બહાર આવી.

બધાને અભિવાદન કરી એ સામે બેઠી. પરાણે પ્રણામ થઇ જાય એવું વ્યક્તિત્વ હતું.

સાથે આવેલા કલાર્કે બાપ-દીકરાનો પરિચય આપ્યો. પછી કૈંક કહ્યું. થોડી વાતચીત થઇ.

રામભાઈ અને દિકરા માટે સમજની બહાર હતું કે શું વાત થઇ.

થોડી વાત થઇ ત્યાં સુધીમાં ચાનાસ્તો આવી ગયેલો. કૈંક સૂચન આપી એ અંદર ગયા.

*થોડી વારમાં હાથમાં ચેકબુક લઇ પેલા સન્નારી બહાર આવ્યા. પેલા સાથે કૈંક વાત થઇ અને ચેક લખ્યો અને કલાર્કને આપ્યો.*

*કલાર્કે મનનને ભાંગીતૂટી હિન્દીમાં કહ્યું કે એક સેમેસ્ટરની ફી અને હોસ્ટેલ ફીની રકમ આવી ગઈ છે.*

મનન તો સીધો પેલી મહિલાને પગે પડ્યો.

વાતાવરણમાં ઉપકાર અને કર્તવ્ય છવાઈ ગયા.

બહાર પેલી રીક્ષા ઉભી જ હતી. એમાં ત્રણેય બેઠા.

હવે મનનથી ન રહેવાયું એટલે પેલા કલાર્કને પૂછી જ લીધું કે આ કોણ દેવી હતા? અને એણે શા માટે આટલી તસ્દી લીધી?

*જવાબ સાંભળી મનન તો સ્તબ્ધ થઇ ગયો અને કદાચ તમે ય સ્તબ્ધ થઇ જશો.*

*એ મહિલા હતા ક્રિકેટર અનિલ કુંબલેના માતુશ્રી.*

ક્લાર્ક જાણે એટલે કોઈ જરૂરીયાતવાળો હોય તો જ જોડે રહી નિમિત્ત બનતો. દાન સુપાત્રે જતું.

હજીય એક યક્ષ પ્રશ્ન હતો. બીજા સેમેસ્ટરનું શું?

પડશે એવા દેવાશેવાળો બ્રાહ્મણનો સ્વભાવ.

બીજા દિવસે પ્રવેશની વિધિ પતિ ગઈ.

ઘેર આવી મનન નવા સત્રે બેંગ્લોર ગયો. એના પત્ર નિયમિત આવતાં. ક્યારેક ફોન પણ.

એક દિવસ મનને ફોન પર કહ્યું: સંસ્થામાં વાલી દિન છે. તમારે આવવું પડશે.

*હજી આગળ લીધેલો ઉપાડ પેઢીમાં પૂરો જમાય થયો નહોતો. નવો ઉપાડ મળે જ નહિ.*

*શેઠે પણ ત્રીસ વરસની નોકરી ન જોઈ અને ‘વેંત ન હોય તો દીકરાને આટલું ભણાવાય જ નહિ’નો ટોણો માર્યો.*

ભૂદેવ કડવો ઘૂંટડો ગળી ગયો.

એક ભાઈબંધ પાસેથી ભાડાનો જોગ થઇ ગયો પણ એ રાતે જ મનનનો ફોન આવ્યો અને રામશંકર સીધા જે ચોકમાં ચણ નાખતા હતા તે ચોકમાં પહોંચીને રડ્યા.

*આંસુ આનંદનાં હતાં. રાત હતી એટલે કોઈ દેવ (ચકલાં) હાજર હતા નહિ.*

હજી રામશંકર રેલ્વેનું રીઝર્વેશન કરાવવા જતા જ હતા ત્યાં પડોશમાંથી પકાની બૂમ સંભળાઈ: રામુકાકા,આપનો ફોન.

*ફોન હતો મનનનો. એણે બાપુજીને બેંગ્લોર આવવાની ના પાડી. એના વાલી તરીકે ખૂદ અનિલ કુંબલે આવવાના હતા.*

*કોણ જાણે કયા જન્મનો ઋણાનુબંધ હશે ! નહિતર, ક્યાં કુંબલે ને ક્યાં મનન રામશંકર ઠાકર?*

જ્યારે મનન અને રામશંકર પેલા ક્લાર્ક સાથે અનિલ કુંબલેના ઘેર ગયા ત્યારે માજીએ ફોન પર જે વાત કરી એ એમના દીકરા અનિલ સાથે કરેલી.

એ વખતે એ બહાર હતા. ચેક મળ્યો. ફીઝ ભરાઈ ગઈ.

કોલેજ ચાલુ થઇ ગઈ, એ પછી એક વાર મનનને એ દેવદૂતને મળવાનું મન થયું.

ફોન કરી સમય લઇ, એ પહોંચ્યો.

એણે ધારેલું એ કરતાં સાવ જૂદું જ વર્તન જોવા મળ્યું.

મનન જાણે એના ઘેર આવ્યો હોય, એવો અનુભવ થયો.

આટલો મોટો ખેલાડી આટલો નમ્ર અને ઋજુ હશે, એની કલ્પના સુધ્ધાં નહોતી.

*અનિલે એની પૂરી વાત સાંભળી અને એ ભણતર પૂરું કરે ત્યાં સુધી એના ખર્ચ માટે ચિંતા ન કરવાનું કહ્યું.*

વાતવાતમાં મનને પેરેન્ટ્સ ડેની વાત કરી.

*ડાયરી જોઈ અનિલ કુમ્બલેએ એના વાલી તરીકે હાજર રહેવાનું વચન આપ્યું.*

મનન ખુશ હતો.

*એનાથી ખુશી ન જીરવાઈ. એણે પ્રિન્સીપાલને કહી દીધું કે અનિલ કુંબલે એના વાલી તરીકે આવવાના છે.*

બસ, કોલેજમાં આ વાત વાઈરસની જેમ ફેલાઈ ગઈ. મનનનું માન વધી ગયું.

મનન પણ જવાબદારીથી મહેનત કરવા માંડ્યો.

*કોઈએ એના પર મૂકેલ વિશ્વાસને યોગ્ય સાબિત કરવો હતો અને ફાઈનલમાં એ Distinction સાથે પાસ થયો.*

હવે અમદાવાદ પાછા જવાનું હતું.

અનિલસરને અને માને મળવા ગયો.

આભાર માટે કોઈ શબ્દો નહોતા. એ કામ એની આંખોએ કર્યું.

અનિલ કુંબલે પણ લાગણીશીલ છે. એ પણ ભીંજાઈ ગયા.

*Bravo Anil Kumbale*

TejGujarati