મોબાઇલ ટુ સ્પોર્ટસ ચિત્રસ્પર્ધા. જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૧૦ મી ઓક્ટોબર થી તા.૭ મી નવેમ્બર દરમિયાન યોજાશે .

સમાચાર

રાજય કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૧ નવેમ્બરે યોજાશે.
રાજપીપલા, તા. 10
મુખ્યમંતત્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસએપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઈલ ટુ સ્પોર્ટ્સની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયોક્વિઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો, વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે એ 4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર મોબાઈલ ટુ સ્પોર્ટ્સ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૭/૧૧/૨૦૨૦ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીએ મોકલવાની રહેશે.
રાજયકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૧૦,૦૦૦/-દ્ધિતિય વિજેતાને રૂા.૭,૫૦૦/-તૃતિય વિજેતાને રૂા.૫૦૦૦/-એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેક) રૂા.૨૫૦૦/- મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ યોજના અંતર્ગત ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબચેનલની લીંક પરથી મળી શકશે, તેમ જિલ્લા રમતગમત અધિકારી, નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati