‘સ્વચ્છ ભારત દિવસ 2020 એવોર્ડ્સ’ માં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન

સમાચાર

‘સ્વચ્છ ભારત દિવસ 2020 એવોર્ડ્સ’ માં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન
*********
સ્વચ્છ ભારત અભિયાનમાં બે કેટેગરીમાં ગુજરાત પ્રથમ સ્થાને
**********
સ્વચ્છતામાં એક ડગલું આપણે આગળ વધીએ: ગજેન્દ્રસિંહ શેખાવત
નવી દિલ્હી: સ્વચ્છ ભારત અભિયાનમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બે કેટેગરીમાં પ્રથમ એવોર્ડ હાંસલ કર્યો છે. શુક્રવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ઓનલાઈન આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં સ્વચ્છ ભારત દિવસ 2020 એવોર્ડ્સ એનાયત કર્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રનિર્માણના આ યજ્ઞમાં જોડાયેલા તમે સહુ લોકો અભિનંદનને પાત્ર છો.
શ્રી શેખાવતે કહ્યું કે હવે આપણે એક ડગલું આગળ વધીને આપણા ગામ, રાજ્ય, શહેર, શેરી અને આપણા ઘરને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનું છે. આવો, આપણે બધા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘કચરામાંથી કંચન’ બનાવવાના સંકલ્પને આગળ વધારવા માટે એકત્રિત થઈએ. તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીના મંત્ર ‘સેવા એ જ પરમ ધર્મ’ ને આગળ વધારીને કોરોના સામેની દેશની લડાઈમાં અડગ રહીને કામ કરનારા આપણા દેશના તમામ કોરોના યોદ્ધાઓને અભિનંદન!
આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી. શ્રી શેખાવતે વોલ પેઇન્ટિંગ, સામુદાયિક શૌચાલય અભિયાન અને સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય પર આધારિત ઇ-પુસ્તકનું વિમોચન કર્યું. બાળકો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોને સ્મૃતિચિહ્ન તરીકે પ્રતિષ્ઠિત મહેમાનોને ભેટરૂપે આપવામાં આવ્યા.આ લોકોને મળ્યા એવોર્ડ
સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાનની કેટેગરીમાં રાજ્ય સ્તરે ગુજરાત, જિલ્લા સ્તરે તિરૂનેલવેલી (તમિલનાડુ), બ્લોક સ્તરે ખાચરોદ (ઉજ્જૈન, મધ્યપ્રદેશ) અને ગ્રામ્ય સ્તરે ચિન્નાનુર ગામ (તમિલનાડુ) ને પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો.
સામુદાયિક શૌચાલય અભિયાનની કેટેગરીમાં રાજ્ય સ્તરે ઉત્તરપ્રદેશ અને ગુજરાત, જિલ્લા સ્તરે પ્રયાગરાજ અને બરેલી (ઉત્તરપ્રદેશ) અને ગ્રામ્ય સ્તરે આસામના બોરિગાંવ અને બોંગાઈગાંવને પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો. જિલ્લા સ્તરે ઉત્તરપ્રદેશના અલીગઢ અને નિકોબારનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો. ગંદકીમુક્ત ભારત અભિયાનની કેટેગરીમાં રાજ્ય સ્તરે હરિયાણા અને તેલંગણા તેમજ જિલ્લા સ્તરે મોંગા (પંજાબ) પ્રથમ ક્રમે રહ્યા.
નિબંધલેખનમાં ગાંધીગ્રામની શ્વેતા પ્રથમ સ્થાને
વિવિધ રાજ્યોના બાળકોને સ્વચ્છ ભારત પર આધારિત વોલ પેઇન્ટિંગ, નિબંધલેખન અને પેઇન્ટિંગ બનાવવા માટે પુરસ્કૃત કરવામાં આવ્યા. નિબંધલેખનમાં ગાંધીગ્રામની શ્વેતા શ્રીવાસને પ્રથમ, લેહની તશવાંગ ચૌકિસ્તને દ્વિતીય અને ભીલવાડાની કોમલ શર્મા તેમજ વાયનાડના અનીષ કે.ને તૃતીય સ્થાન પ્રાપ્ત થયું.

TejGujarati