*’ના રજા, ના રીસેશ… બસ કામ જ વિશેષ…’* *બી.જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરીમાં ૧.૦૪ લાખથી વધુ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરાયા*

સમાચાર

‘કોરોના’ … આ શબ્દથી હવે કોઈ અજાણ નથી…
અમદાવાદની સીવીલ, એસ.વી.પી. તથા અન્ય હોસ્પિટલો આજે અન્ય રોગોની સારવારની સાથે કોરોનાની સારવાર માટે પણ સમગ્ર દેશમાં જાણીતી થઈ છે… સીવીલ હોસ્પિટ્લ સંકુલમાં આવેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ આજે અનેક દર્દીઓ માટે જીવન સંજીવની પુરવાર થઈ છે. આ હોસ્પિટલમાં અનેક તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ ૨૪*૭ કાર્યરત રહે છે, પરંતુ સીવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરી પણ સતત ૨૪ કલાક કાર્યરત રહે છે, એટલું જ નહી પરંતુ દિવસ-રાત શહેરીજનો ઉપરાંત રાજ્યભરમાંથી આવતા દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરે છે. અત્યાર સુધી અહીં કુલ ૧.૦૪ લાખથી વધુ ટેસ્ટ કરાયા છે.
માઈક્રો બાયોલોજી ડીપાર્ટમેન્ટના એસોશીએટ પ્રોફેસર ડો. સુમિતા સોની કહે છે કે, આ લેબોરેટરી ૮મી ફેબ્રુઆરીથી સતત કાર્યરત છે. એક પણ રજા લીધા વિના આ સ્ટાફ દિવસ રાત કામ કરતો રહ્યો છે, અને એટલે જ અત્યાર સુધીમાં ૧,૦૪,૦૦૦થી વધુ ટેસ્ટ કરી શકાયા છે.
લેબોરેટરીના ટ્યુટર ડો. દિપા કિનારીવાલા કહે છે કે, ICMR દ્વારા બી.જે.મેડિકલ કોલેજને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટીંગ માટે કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ૪૦ જેટલી લેબોરેટરીમાં RT-PCR મેથડથી કોરોનાના ટેસ્ટ કરાય છે. આ લેબોરેટરીઓમાંથી દર માસે સેમ્પલ બી.જે.મેડિકલ કોલેજની લેબોરેટરીમાં ક્રોસ ચેકીંગ માટે મોકલવામાં અવે છે… તેના માટે ICMR દ્વારા ડેટા એન્ટ્રી પોર્ટલ ચાલુ કરાયુ છે. આ સેમ્પલની એન્ટ્રી એ પોર્ટલમાં કરાય છે. બન્ને લેબોરેટરીનું રીઝલ્ટ પોર્ટલમાં નાંખવામાં આવે છે અને ICMR દ્વારા બન્ને પરિણામોનું એસેસમેન્ટ કરાય છે અને ફાઈનલ રીઝલ્ટ જાહેર કરાય છે. આ ઉપરાંત બી.જે.મેડિકલ કોલેજ રેપિડ એન્ટિજન ટેસ્ટીંગ કિટ માટે પણ વેલિડેશન સે ન્ટર તરીકે કાર્ય કરે છે. દેશમાં રેપિડ ટેસ્ટ વધતા તેના વેલીડેશન માટે કામગીરી પણ વધી છે…’ એમ તેઓ ઉમેરે છે.
*સેમ્પલનું ક્રોસ ચેકીંગ કેમ…?* તેવા પ્રશ્નના ઉત્તરમાં ડો. કિનારીવાલા કહે છે કે, કોઈ પણ લેબોરેટરીમાં વ્યક્તિ, મશીન કે અન્ય એરર આવી શકે છે, ત્યારે કોઈ પણ સેમ્પલનું ભુલભરેલું પરીક્ષણ અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. ક્રોસ ચેકીંગમાં આવી ભુલ પકડાઈ જાય અને કોઈ વ્યક્તિ તેનો ભોગ ના બને તે માટે આવી સીસ્ટમ સક્રિય કરાઈ છે. આ પધ્ધતિથી અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ સેમ્પલ ટેસ્ટીંગ ક્વોલિટી કંટ્રોલ માટે કરાયું છે. આજ રીતે બી.જે.મેડિકલ કોલેજનું ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટીંગ NIV(PUNE) દ્વારા કરાય છે, એમ તેઓ કહે છે.
આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દિશા પટેલ કહે છે કે, અમારી લેબોરેટરીમાં ૧૯મી માર્ચે રાજ્યનો પ્રથમ પોઝીટીવ કેસ ડાયોગ્નોઝ થયો, ત્યારથી આજ સુધી કોઈ સ્ટાફે એક પણ રજા કે રીસેશ માણી નથી… અમે સતત કાર્યરત રહ્યા છીએ. જો કે ટેસ્ટીંગના પરિમાણ(કીટ) બદલાતા ગયા તેમ તેમ સતત નિષ્ણાત તબીબો દ્વારા ટેક્નીશીયન્સને તાલિમ પણ આવી રહી છે.આ માટે રાજ્ય સરકારે પુર્ણ સહયોગ આપ્યો છે. આ ટેસ્ટ કરવા માટે લોજીસ્જ્ટિક મેનેજમેન્ટમાં ક્યારેય ઓટ નથી આવી…. લોકડાઉન જેવી પરિસ્થિતીમા પણ રાજ્ય સરકારે તે માટેની કિટ, કન્ઝ્યુમેબલ્સ સપ્લાયમાં PPE Kit, N-95, હેન્ડ વોશ- સેનિટાઈઝ મટિરીયલ, ઈક્વિપમેન્ટ્સ, તેનું મોનિટરીંગ એમ એક પણ ક્ષેત્રે અમને ઉણપ વર્તાવા નથી દીધી…. જે જોઈએ અને જે માંગ્યુ તે રાજ્ય સરકાર તરફથી મળ્યું છે …’એમ તેઓ ઉમેરે છે.
બી.જે. મેડિકલ કોલેજની ૨૪ કલાક કાર્યરત રહેતી માઈક્રો બાયોલોજી લેબોરેટરીમાં અત્યાર સુધીમાં કુલ ૧.૦૪ લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. સલામ છે આવા કર્મવીરોને…

*સંકલન:- હિમાંશુ ઉપાધ્યાય*
………………………..

TejGujarati