એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડને ગામડાં અને નાના શહેરોથી મોટા પ્રમાણમાં વેચાણ વૃદ્ધિની આશા*

સમાચાર

અર્થતંત્રના અનલોકિંગ પછી ગ્રામીણ, નાના શહેરો, દ્વિતીય અને તૃતીય કક્ષાના નગરોથી વધેલી પ્રચંડ માંગ અને તે વિસ્તારોમાં કંપનીની મજબૂત હાજરીથી વેચાણમાં વૃદ્ધિ થશે

સપ્ટેમ્બર 25, 2020 – ભારતની સૌથી અગ્રણી ટાઈલ્સ બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (એજીઆઈએલ) અર્થતંત્રને અનલોક કર્યાના પછીના સમયમાં વેચાણમાં વૃદ્ધિ માટે ગામડાં અને નાના શહેરો પર મોટો મદાર રાખી રહી છે. ગ્રામીણ અને નાના શહેરોના વિસ્તારોમાંથી આવી રહેલી મજબૂત માંગ તથા આ ક્ષેત્રોમાં પોતાની મજબૂત હાજરીના પગલે કંપનીને વિશ્વાસ છે કે વેચાણમાં મોટાપાયે વૃદ્ધિ થશે. ગામડામાં કોવિડ-19નો પ્રસાર હજુ ઓછો છે, સમારકામ અને નવીનીકરણની પ્રવૃત્તિઓમાં સુધારા થઈ રહ્યા છે, સારા ચોમાસાના પગલે ખરીફ પાકની નોંધપાત્ર વાવણી તથા કૃષિ ક્ષેત્રે થયેલા સુધારાના લીધે વેચાણમાં વૃદ્ધિ જોવાશે.

નાણાંકીય વર્ષ 2020માં કંપનીના કુલ વેચાણમાં ગામડાં, નાના શહેરો, દ્વિતીય તથા તૃતીય કક્ષાના શહેરોનો ફાળો 70 ટકાથી વધુનો રહ્યો છે. મેટ્રો અને મેગા સિટીમાં જોવાયેલી નબળી માંગને સરભર કરવા માટે કંપની વર્તમાન નાણાંકીય વર્ષમાં આ બજારોથી વેચાણ વધારવા આશા રાખે છે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે “પડકારજનક આર્થિક તથા વેપારી માહોલ છતાં કંપનીએ સારી કામગીરી દર્શાવી છે. ગામડાં અને નાના શહેરોમાં કંપનીની મજબૂત હાજરી, દેશના પ્રગતિશીલ મધ્યમ વર્ગ પર વધુ ધ્યાન અને નિકાસ બજારોમાં સારી માંગ જેવા પરિબળોના લીધે કંપનીને લાભ થયો છે. કોવિડ-19 પછી મેટ્રો અને મેગા સિટીથી માંગને અસર પડી છે જ્યારે ગામડાં અને નાના શહેરોથી માંગ હજુ યથાવત રહી છે. કોવિડ-19 પછી ગ્રામીણ બજારથી નવી માંગ ઊભી થઈ છે. શહેરી વિસ્તારોમાંથી શ્રમિકો ગામડા તરફ વળ્યા છે જેના લીધે મકાનોમાં સમારકામ અને નવીનીકરણની જરૂરિયાત ઊભી થઈ છે.”

“ગ્રામીણ અને નાના શહેરી બજારોમાં પોતાની હાજરી મજબૂત બનાવવા કંપનીએ તાજેતરમાં જ આત્મનિર્ભર કાર્યક્રમ લોન્ચ કર્યો છે. ભારતમાં પહેલી વખત કોઈ સિરામિક કંપની દ્વારા આ પ્રકારનું ડિજિટલ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઈન થકી એશિયન ગ્રેનિટોએ લોકો ઘરેથી કામ કરી શકે અને કંપનીના બિઝનેસ પાર્ટનર બની શકે તે માટે એજીએલે આ પહેલ હાથ ધરી છે” એમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

એજીએલ ગ્લોબલ ટ્રેડ પ્રાઈવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પ્રફુલ્લા ગટ્ટાણીએ જણાવ્યું હતું કે “અમેરિકા, યુરોપિયન દેશો, મધ્ય-પૂર્વના દેશો ચીનથી માલ ખરીદવાનું ટાળી રહ્યા છે અને ભારત તરફ વળી રહ્યા છે. દુનિયાભરમાં ચીન વિરોધી જુવાળ બળવત્તર બની રહ્યો છે અને અમેરિકા દ્વારા ચીનથી આયાત થતા ટાઈલ્સ પર મોટાપાયે ડ્યૂટી લદાઈ રહી છે ત્યારે અમારા અંદાજ મુજબ આનાથી ભારતીય કંપનીઓને નિકાસમાં મોટો લાભ મળશે. ગેસના ભાવમાં પણ તાજેતરમાં ઘટાડો થયો હોવાથી ભારતીય ટાઈલ્સ વિશ્વ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. આનાથી પડતરમાં ત્રણથી પાંચ ટકાનો ઘટાડો થશે અને એકંદરે નફાકારકતા વધારવામાં મદદ મળશે.”

TejGujarati