અમારી વિરુદ્ધ રિપોર્ટિંગ કર્યું જ કેમ? : ટી. વી. નાઈનના રિપોર્ટર પર એસવીપીના ડોક્ટર્સે આ રીતે ખાર ઉતાર્યો, મેયરથી માંડીને નીતિન પટેલ સુધીનાઓની ભલામણો બાદ પણ ધરાર એટલે ધરાર સારવાર ન આપી તો ન જ આપી.

સમાચાર

હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યૂટી કમિશનર ઓમપ્રકાશની નાગાઈ : પત્રકાર જીજ્ઞેશ પટેલને દાખલ કરવામાં આવે તો હળતાળ પર ઉતરી જવાની ધમકી બાદ ખુદ ડેપ્યુટી સી. એમ. નીતિન પટેલે ભલામણ કરીને જીજ્ઞેશ પટેલને સાલમાં દાખલ કરાવવા પડ્યાં.

– ડોક્ટર્સ માટે જ્યારે અમુક તમુક શબ્દોનો પ્રયોગ થયો ત્યારે સમગ્ર મીડિયાએ અવાજ ઉઠાવ્યો હતો અને ડોક્ટર્સનો પક્ષ લીધો હતો, હવે ડોક્ટર્સની જવાબદારી છે કે તેઓ આગળ આવીને એસવીપીની આ ઘટનાની સામે સ્ટેન્ડ લે.
આપણા દેશના બંધારણ અનુસાર ત્રાસવાદીને પણ ઉત્તમ સારવાર મેળવવાનો અધિકાર છે, પરંતુ તંત્રની ટીકા કરતા પત્રકારને જ્યારે સારવારની જરૂર ઊભી થાય ત્યારે ગુજરાતમાં કેવી સ્થિતિ નિર્માણ થાય છે તેનું આ ગુજરાત મોડલ છે. Tv9ના અમદાવાદ સ્થિત પત્રકાર જીગ્નેશ પટેલ કોરોના ગ્રસ્ત થયા પછી અમદાવાદની મ્યૂનિસિપલ કોર્પોરેશન સંચાલીત એસવીપી હોસ્પિટલની બહાર આઠ કલાક સુધી પડ્યા રહ્યા, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પણ જીગ્નેશ પટેલની ભરતી કરી તુરંત સારવાર કરવાનો આદેશ આપવા છતાં ડોક્ટર્સ હડતાળ પર ઉતરી જશે તેવી ભીતી અધિકારીઓએ બતાડી સારવાર આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે નીતિન પટેલે જીગ્નેશને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો હતો.

વર્ષોથી અમદાવાદમાં પત્રકારત્વ કરતાં જીગ્નેશ પટેલની ચિંતા અને વિષય સામાન્ય માણસોને પડનારી હાલાકી છે. કોરોનામાં લોકો પરેશાન થઈ રહ્યા છે તેવા મતલબની સ્ટોરી કરતાં જીગ્નેશ પટેલ પોતે જ તા. 8 સપ્ટેમ્બરના રોજ કોરોનાગ્રસ્ત થયા. ડોક્ટરની સલાહ પ્રમાણે તેમણે હોમ આઈસોલેશન સ્વિકારી લીધું પરંતુ તે દરમિયાન ક્રમશઃ તબીયત સુધરવાને બદલે બગડી રહી હતી. 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના મેયર બીજલ પટેલે સૌજન્ય દાખવવા ખુદ જ્યારે જીગ્નેશ પટેલને ફોન કર્યો ત્યારે બીજલ પટેલને અંદાજ આવ્યો કે જીગ્નેશને હોસ્પિટલમાં સારવારની જરૂર છે. તેમણે પોતે જ સલાહ આપી કે તેઓ એસવીપી હોસ્પિટલમાં સૂચના આપી દે છે તમારે હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ.

જીગ્નેશ પટેલ પોતે પણ હોસ્પિટલના સ્ટાફથી પરિચિત હતા તેમણે સુપ્રિટેન્ડેન્ટ મલ્હાનને ફોન કરી હોસ્પિટલમાં ભરતી થવા માગે છે તેવું જણાવ્યું હતું. ડોક્ટર મલ્હાને પણ ભરતી કરવાની તૈયારી બતાવી હતી, પરંતુ એક કલાક બાદ જ ઘટનાક્રમ બદલાઈ ગયો અને ડો. મલ્હાને સામેથી ફોન કરીને જીગ્નેશને જણાવ્યું કે તેઓ તેમને એસવીપીમાં ભરતી કરી શકે તેમ નથી. ડો. મલ્હાનનો ઉત્તર સાંભળી જીગ્નેશને આશ્ચર્ય થયું કારણ કે જીગ્નેશે કોરોના દરમિયાન અનેક પરિચિત અપરિચિત લોકોને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા પરંતુ હવે જ્યારે પોતાને ભરતી થવાનો વખત આવ્યો ત્યારે હોસ્પિટલે ભરતી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જીગ્નેશે પોતાને કેમ ભરતી કરવામાં આવશે નહીં તેનું કારણ પુછ્યું, ત્યારે ડો. મલ્હાને જવાબ આપ્યો મારી મર્યાદા સમજો મને જે સૂચના છે તેનો જ અમલ કરું છું.

પત્રકાર જીગ્નેશ પટેલે જ્યારે આ મામલે મેયર બિજલ પટેલનું ધ્યાન દોર્યું ત્યારે બિજલ પટેલે આશ્વાસન આપ્યું કે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી હું ડોક્ટર અને અધિકારીઓ સાથે વાત કરી લઉં છું તમે એસવીપી પહોંચો. મેયરના ફોન પછી બપોરના ત્રણ વાગ્યે જીગ્નેશ એમ્બ્યૂલન્સ દ્વારા એસવીપી પહોંચે છે, ફરજ પરના ડોક્ટર્સને પોતાનો પરિચય આપે છે પરંતુ એક પણ ડોક્ટર તેને એટેન્ડ કરવા તૈયાર થતો નથી.

જીગ્નેશ પટેલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટથી લઈ આરએમઓ સુધી ફોન લગાવે છે પણ તેના ફોન કોઈ રિસિવ કરતું નથી. જીગ્નેશ ફરી મદદ માટે મેયર બિજલ પટેલનો સંપર્ક કરે છે બિજલ પટેલ ખાતરી આપે છે કે તેઓ ફરી અધિકારીઓ સાથે વાત કરે છે અને તેને ભરતી કરવામાં આવશે. અડધો કલાક, કલાક પસાર થઈ જાય છે. જીગ્નેશનું ઓક્સીજન લેવલ પણ તપાસવા કોઈ આવતું નથી, જીગ્નેશ પોતાને છાતીમાં થઈ રહેલા દુઃખાવા અંગે પણ ફરિયાદ કરે છે પણ હોસ્પિટલનો સ્ટાફ તેની તરફ ધ્યાન આપતો નથી.

જીગ્નેશ પટેલને ભરતી કરી સારવાર મળે તે માટે મેયર બિજલ પટેલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મલ્હાન, ડે. કમિશનર ઓમ પ્રકાશ અને મ્યૂનિસિપલ કમિશનર મુકેશ કુમારને ફોન કરે છે પરંતુ સંભાવના એવી છે કે મેયર કયા કારણસર ફોન કરી રહ્યા છે તેવું અગાઉથી જાણતા અધિકારીઓએ મેયર બિજલ પટેલના જ ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું. આમ ખુદ મેયર લાચાર સ્થિતિમાં આવી ગયા. બીજી તરફ જીગ્નેશ પટેલ મેયરની સૂચના પ્રમાણે પોતાને સારવાર મળશે તેવી અપેક્ષાએ હોસ્પિટલની બહાર પડી રહે છે. બેથી અઢી કલાકની મહેનત બાદ મેયરને પણ સ્થિતિ સમજાઈ ગઈ. આખરે જીગ્નેશ પટેલે આ મામલે આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને ફોન કરવાનો નિર્ણય કર્યો અને નીતિન પટેલને ફોન કર્યો. નીતિન પટેલ દસ મીનિટનો સમય માગે છે પણ તે વાતને પણ અડધો પોણો કલાક થવા છતાં એસવીપી હોસ્પિટલ પર કોઈ ચહલ પહલ જોવા મળતી નથી.

જીગ્નેશ પટેલ બીજી વખત નીતિન પટેલને ફોન કરે છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે કે તેમના આદેશનો હજુ અમલ થયો નથી. તે ફરી દસ મીનિટ માગે છે પણ છતાં નીતિન પટેલના આદેશ હોવા છતાં જીગ્નેશ પટેલને પુછવા પણ કોઈ આવતું નથી. કલાક પછી ત્રીજી વખત જ્યારે નીતિ પટેલનો સંપર્ક થાય છે ત્યારે નીતિન પટેલ જીગ્નેશની સામે પોતાની મર્યાદા જણાવતા કહે છે કે અધિકારીઓ કહે છે કે જો જીગ્નેશને એસવીપીમાં ભરતી કરવામાં આવશે તો તેઓ હડતાળ પર ઉતરી જશે કારણ કે ટીવી9 તંત્રની ટીકા કરે છે, જીગ્નેશ આખી વાત સમજી જાય છે. છેલ્લા 8 દિવસથી તે કોરોનાગ્રસ્ત હોવાથી તેણે કોઈ રિપોર્ટિંગ કર્યું નથી પણ તેની ગેરહાજરીમાં તેના સાથી પત્રકાર સચિન પાટીલ જે કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરતાં હતા તેના રિપોર્ટિંગથી હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યૂટી મ્યૂનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ નારાજ થયા હતા. જેનું આ પરિણામ હતું.

પત્રકાર જીગ્નેશ ડેપ્યૂટી સીએમને નીતિન પટેલને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ દેશમાં જો ત્રાસવાદીઓને પણ સારવાર મળતી હોય તો હું તો પત્રકાર છું, મારું કામ તંત્રની ટીકા કરવાનું અને તેને સુધારવાનું છે તે ઘટના અને મારી સારવારને શું નિસ્બત છે પણ નીતિન પટેલ પણ સામે પોતાની લાચારી વ્યક્ત કરે છે અને જીગ્નેશને વિનંતી કરે છે કે આ સ્થિતિમાં ડોક્ટર્સ સાથે સંઘર્ષ કરી એસવીપીમાં દાખલ થવાનું જોખમ લેવું જોઈએ નહીં તેના બદલે અમદાવાદની કોઈપણ ખાનગી હોસ્પિટલમાં તેઓ તેને ભરતી કરાવી દેશે તેમ તેમણે જણાવ્યું હતું. જીગ્નેશની દલીલ હતી કે હું પત્રકાર તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક છું તે અધિકાર પ્રમાણે મને સારવાર મળવી જોઈએ અને માની લો કે હોસ્પિટલમાં બેડ નથી તો મને એસવીપી રિફર કરે પણ એસવીપીના ડોક્ટર્સે રિફર કરવાનો પણ ઈન્કાર કરી દીધો.

જીગ્નેશ પટેલ કોર્પોરેશનનો ઓનલાઈન ચાર્ટ જોઈ રહ્યો હતો જેમાં દીવસ દરમિયાન એસવીપીમાં 9 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને 50 દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને પોતાને દાખલ કરવા એસવીપી તૈયાર ન્હોતી. આમ કરતાં રાતના દસ વાગી ગયા બપોરના ત્રણથી રાતના દસ વાગ્યા સુધી જીગ્નેશ પટેલને કોઈ સારવાર મળી નહીં. સદનસીબે કોઈ આરોગ્યલક્ષી કટોકટી પણ ઊભી થઈ નહીં. રાત્રે દસ વાગ્યે નીતિન પટેલે ફરી વિનંતી કરી અને જીગ્નેશે તેમની વિનંતી માની, નીતિન પટેલે અમદાવાદની સાલ હોસ્પિટલના સંચાલકોને ફોન કરી સૂચના આપી અને જીગ્નેશને ભરતી કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના આઘાતજનકની સાથે તંત્રની નિંભરતા, પદાધિકારીઓના આદેશનું ઉલ્લંઘન કરવાની તાકાત અને ડોક્ટર તરીકે કોઈપણ માણસને સારવાર આપવાના લીધેલા સોગંધનો ભંગ છે. આ અપરાધ હત્યાના ગુના કરતાં ઓછો નથી. જે શહેરના મેયર અને જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તંત્ર સામે લાચાર થઈ જાય અને એક પત્રકારને સારવાર અપાવી શકે નહીં તે રાજ્યના સામાન્ય નાગરિકની શું સ્થિતિ હશે તેની કલ્પના કરવી રહી. આ મામલે ગુજરાત હાઈકોર્ટ જો સૂઓમોટો લે તો ડોક્ટર મલ્હાન, ડેપ્યૂટી કમિશનર ઓમ પ્રકાશ અને મ્યૂનિસિપલ કમિશનર મુકેશ કુમારને એસી ચેમ્બરમાં પરસેવો છૂટી જશે. આ ત્રણેય અધિકારીઓએ યાદ રાખવાની જરૂર છે કે તેમના પદ પરથી તેઓ ચોક્કસ સમયે નિવૃત્ત થશે પણ એક માણસ તરીકે તેમણે પોતાની જાતને અરિસ્સા સામે મુકી સવાલ કરવાનો છે કે તેમણે જે કર્યું તે બરાબર છે?

TejGujarati