*સફળ સર્જરીને કારણે 90 વર્ષના દાદીમા 100 વર્ષ જીવ્યા..દાદીની પ્રથમ તિથિએ પૌત્રએ સિવિલની સેવા-શુશ્રુષાનું ઋણ દર્દીઓને લાપસી વિતરણ કરી અદા કર્યું.*

સમાચાર

*સર્જરી બાદ દાદીના પ્રથમ પગલા પા પા પગલી પાડતા બાળક જેવા લાગ્યા હતા*

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના તબીબોની કુશળતા અને અહીંના સ્ટાફની સેવા-શુશ્રુષાના પરિણામે કુલદિપભાઈના દાદી ચંપાબેન દવેને ૧૦ વર્ષનું નવજીવન મળ્યુ હતુ.જેનું ૠણ અદા કરવા દાદીની પ્રથમ તિથીએ દર્દીઓમાં પૌષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કરવા કુલદીપભાઈ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા……

10 વર્ષ પહેલા ૯૦ વર્ષીય ચંપાબેન દવેને પગના ભાગમાં એકાએક તકલીફ ઉભી થઈ. તેમનું હલનચલન કરવાનુ઼ સંપૂર્ણપણે બંધ થઈ ગયુ. કુલદીપ પોતાના દાદીની તકલીફને લઈ ઘણી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા પરંતુ દરેક જગ્યાએ નિષ્ફળતાં જ સાંપડી. છેલ્લે ક્યાંય સફળતાનો માર્ગ ન જડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા.

સિવિલના ઓર્થોપેડિક વિભાગની દેખરેખ હેઠળ ૩ મહિના તેમની સારવાર ચાલી.. એક મહિના સુ઼ધી તેમની તકલીફનું સામાન્યપણે નિવારણ કેમનું લાવી શકાય તે માટે સર્વે તબીબો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો.
છેલ્લે વિવિધ તબીબો દ્વારા તેમની સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી વધુ જટિલ જણાઈ આવતા તત્કાલિન સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. એમ. એમ. પ્રભાકર દ્વારા સમગ્ર સર્જરી હાથ ધરવામાં આવી. સામાન્યપણે ૨-૩ કલાક ચાલતી આવા પ્રકારની જટિલ સર્જરી ડૉ.પ્રભાકરના કુનેહ અને અનુ઼ભવના કારણે ફક્ત ૧૫ મિનીટમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી તેમ કુલદીપભાઈ જણાવે છે.

આ સર્જરી બાદ તેમના દાદી સંપૂર્ણપણે સ્વસ્થ રહી ૧૦ વર્ષ વધુ જીવી શક્યા.. અન્ય કોઈપણ પ્રકારની તકલીફ વગર તેમનુ આયુષ્ય ભોગવી શક્યા..દાદી જાણે નર્વસ ૯૯નો શિકાર બનવાની તૈયારીમાં હતા, ત્યારે ભગવાન સ્વરૂપ સીવીલના તબીબોએ તેમને ઉગારી લેતા એક બાહોશ ખેલાડીની જેમ સદી પૂરી કરી તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ પૃથ્વી પરની પીચ છોડી ભગવાન સાથે પેવેલિયન તરફ પાછા ફર્યા.

આજે સ્વ. ચંપાબેનની પ્રથમ તિથીએ સિવિલની સેવા-શુશ્રુષાનું ૠણ ચૂકવવા માટે કુલદીપભાઈ તેમના પરિવારની સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક ફાળા લાપસીનું વિતરણ કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના દાદીમાં સારવાર અર્થે દાખલ હતા તેવા C-1 વોર્ડ તેમજ બાળરોગ, ગાયનેક તેમજ અન્ય વોર્ડમાં જાતે પોતાના પરિવાર સાથે જઈ દર્દીઓમાં લાપસીનું વિતરણ કર્યુ હતુ.

લાગણીસભર શબ્દો સાથે કુલદીપભાઈ કહે છે કે મારા દાદી સ્વસ્થ રહી ૧૦ વર્ષ જીવી શક્યા તે ફક્ત સિવિલ હોસ્પિટલ અને અહીંના તબીબો, નર્સ બહેનો અને અન્ય સ્ટાફની સેવા શુશ્રુષાના કારણે.. સિવિલના તબીબો અન્ય ખાનગી હોસ્પિટલના તબીબો કરતા વધુ કુશળ- નિષ્ણાંત અને જવાબદારી સાથે સેવા કરે છે તેમ તેઓ ઉમેરે છે.

કુલદીપભાઈ કહે છે કે સિવિલ હોસ્પિટલે મારા દાદીને ૧૦ વર્ષનું નવજીવન બક્ષ્યું. આપણે સામાન્યપણે આપણા વડવાઓના શ્રાધ્ધમાં કે તીથી વખતે વિધિવત પ્રસંગ કરીને લોકોને જમાડતા હોઈએ છીએ.. જેની જગ્યાએ આપણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જમાડવા જોઈએ તેમને મદદરૂપ બનવું જોઈએ…

TejGujarati