રાત્રે મોડા સુવાની ટેવથી આરોગ્યની અનેક સમસ્યાઓ પેદા થાય છે.

લાઇફ સ્ટાઇલ સમાચાર

ગામડામાં તમે સાત – આઠ વાગ્યા પછી આંટો મારો તો બધુ ભેંકાર થઈ ગયું હોય છે. સૂર્યાસ્ત પહેલા વાળુ કરીને લોકો સહજ રીતે વહેલા સૂઈ જતા. તેથી તેમને આરોગ્યની સમસ્યાઓ ઘણી ઓછી સતાવતી હતી. વહેલા સુવાથી ઈલેક્ટ્રિસીટી આદિનો પણ ઘણો બચાવ થતો હોય છે. આજે મેગાસિટિઝમાં માણસ 9-10 વાગે તો ઘરે આવે અને પછી જમીને ટીવી જોવે એટલે 12 – 1 વાગ્યા પહેલા તો કોઈ સૂતુ નથી હોતું. એક નિયમ પણ કરવા જેવો છે કે રાત્રે જ્યારે ઉંઘ આવે ત્યારે એકપણ પળનું વિલંબ કર્યા વગર સૂઈ જવું જોઈએ. લોકો ખેંચી ખેંચીને વેબ સિરિઝથી લઈને સોશ્યલ મિડીયા ઉપર સતત વ્યસ્ત રહેવાને કારણે, હાથમાં મોબાઈલ રાખવાને કારણે એના બે્રઈન સેલ્સ ઉષ્ણતાને ગ્રહણ કરતા હોવાને કારણે મોબાઈલ બંધ કર્યા પછી પણ અડધો કલાક – કલાક માણસ સૂઈ નથી શકતો. મહાનગરોમાં ટીવી અને લાઈટના પ્રકાશના ઘોંઘાટમાં ઉંઘની સાથે ઘણુંબધું કોમ્પ્રોમાઈઝ કરેલું છે જે અનેક રોગોને નોતરનારૂ બન્યું છે.

એટલે જ વડવાઓ કહેતા કે, “વહેલા સૂઈ વ્હેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર.” ઊંઘનું બધું જ વિજ્ઞાન આ એક નાનકડા જોડકણામાં છે પણ એ નથી સમજાતું. ઊંઘના જ્ઞાનના અભાવમાં એકવાર સુવાની એલોપથીની ટેબ્લેટ લેવાનું શરૂ કરે એટલે તો પછી ‘બકરું કાઢતા ઊંટ પેઠું’ જેવો ઘાટ થાય છે. પછી એનો એડીકટ થયેલ એકમાંથી બે, બેમાંથી ત્રણ-ચાર અને પછી તબિયત લથડવા સાથેસાથે મેન્ટલ ડીસ-ઓર્ડર સુધી સરકી જાતા એને વાર નથી લાગતી.

રાત્રે 9 વાગે જે સુવે છે તે પોતાના આરોગ્યને સલામત કરે છે

સુવા માટે રાત્રે 9 થી 12 ની ઊંઘ સોનાની કહી છે. એને યોગીની ઊંઘ કે આચાર્યની ઊંઘ કહે છે. રાત્રે 12 થી સવારે 9 સુધીમાં જે આરામ નથી મળતો તે રાત્રીના 9 થી 12 ની ઊંઘમાં મળતો હોય છે. વિજ્ઞાન કહે છે શરીરને 1 કલાક 39 મીનીટની ગાઢ નિંદ્રાની જરૂર હોય છે. પછી આગળ-પાછળની તંદ્રાવસ્થા ટેવ પાડવા દ્વારા ઓછી-વત્તી કરી શકાય છે એટલે કહેવત પડી છે ખાવાનું અને સુવાનું વધારો એટલું વધે – ઘટાડો એટલું ઘટી શકે છે.

સૂઈ ગયા હોય તો રાત્રે 9 પછી ફેફસા-લીવર, હૃદય-આંતરડા વગેરેને આરામ મળતો હોય છે. અને બીજા દિવસના કાર્ય માટે તે સક્ષમ થતા હોય છે. જેઓ 12 કે 1 વાગે સુવે છે તેઓ મોટે ભાગે પેટના-વાયુના, પીત્તના-એસીડીટી-પાચનતંત્રના સઘળા પ્રશ્ર્નોથી વીંટળાઈ વળતા હોય છે. કારણકે તેઓને મોડા સુવાથી જે-તે અવયવોનું રિપેરીંગ, રિજુવેનેટીંગ નથી થતું. બાર થી ત્રણની ઊંઘને ચાંદીની કહી છે. યોગીઓ ત્રણ કલાક સુવે તો ભોગીઓ-સંસારીઓને 6 કલાકની ઊંઘ પુરતી હોય છે. ત્રણ થી છની ઊંઘને તાંબાની કહી છે અને સવારે છ થી નવ ઊંઘતા સૂર્યવંશીઓને લોખંડના પાયે પનોતી લાવનારી લોખંડી ઊંઘ કહી છે.

રાત્રે 9 વાગે સુવાથી શરીરના અનેક અવયવોનું શુદ્ધિકરણ થતું હોય છે. 9 થી 11 જો આપણે સૂતા નથી તો તે અવયવોને જે આરામ જોઈએ અથવા આંતરિક જે શુદ્ધિકરણ જોઈએ તે થતું નથી. અને રાત્રે 11 થી 3 માં લોહીનો મહત્તમ પ્રવાહ લિવર તરફ વહેતો હોય છે. અને ગાઢ નિદ્રા આવે પછી લિવર શરીરને વિષયુક્ત કરતુ હોય છે. તેથી તેનો આકાર પણ મોટો થઈ જતો હોય છે. એટલે જે લોકો 12 વાગે સુવે તેઓને 3 કલાકનો જ આ બેનિફિટ મળે છે. તે પ્રમાણે જેટલા મોડા સૂઈએ તેટલું નુકસાન વધું જાય છે. તમે જ્યારે રાત્રે મોડા સુઓ અને પછી ગમે તેટલું ઉંઘો તો પણ બીજે દિવસે આખો દિવસ સુસ્તી અને થાકની અનુભૂતિ થાય છે. શરીરની બીજી વિષાણુયુક્ત થવાની પ્રક્રિયામાં પણ આને કારણે અજાણતા જ અવરોધ પેદા થાય છે.

3 થી 5 માં લોહી ફેફસા તરફ ગમન કરતું હોય છે. તેથી તે સમયમાં જાગીને આસન, પ્રાણાયામ, ધ્યાન આદિની પ્રક્રિયા કરવાથી બ્રહ્માંડીય ઉર્જાની વિપુલ પ્રમાણમાં પ્રાપ્તિ થતી હોય છે. તે સમયે વાતાવરણમાં આયર્નની માત્રા વધારે હોવાથી તે વખતે ખુલ્લી હવામાં કરેલો વ્યાયામ ખૂબજ લાભપ્રદ થતો હોય છે. સવારે 5 થી 7 માં આ લોહીનો સંચાર મોટા આંતરડા તરફ થતો હોય છે તેથી તે વખતે મળશુદ્ધિ વગેરેમાં તે સહાયક બને છે. અને 7 થી 9 માં શુદ્ધ રક્તનો પ્રવાહ પેટ અને આમાષય તરફ જતો હોવાથી તે વખતે હલકુ સિરામણ, મગનું પાણી, કરિયાતુ વગેરે લેવાથી આરોગ્યમાં ઘણો સુધારો જોવા મળે છે. એટલે યુવાન-પ્રૌઢો રાત્રે 9 વાગ્યે સુવાની ટેવ પાડે તો 3 વાગે ઊઠી શકે એટલે એક જોડકણામાં કહ્યું છે કે દશે સૂ, પાંચે ઊઠ, દશે ખા, પાંચે ખા તો 90 વત્તા 9 વરસ જીવ.

છેવટે સમાધિ માટે 56 મી ઘડીમાં ઉઠી જાવ

પ્રસિદ્ધ વૈદ્યાચાર્ય શ્રી ભાષ્કરભાઈ હર્ડીકરજી કહેતા હતા કે 56મી ઘડીમાં ઊઠી જવું જોઈએ. એક ઘડી 24 મીનીટની હોય એટલે 60 ઘડીનો એટલે કે 1440 મીનીટની એક દિવસ-રાત હોય છે. એમાં સૂર્યોદય પહેલા 144 મીનીટ બાકી રહે ત્યારે ઊઠી જવું જોઈએ. દા. ત. 6/24 નો સૂર્યોદય હોય તો સવારે 4:00 કલાકે ઊઠી જવું જોઈએ. ઉઠતાવેત પ્રભુનું નામ સ્મરણ આદિ કરવું જોઈએ પણ આ સમયે કોઈ કાંઈ ન કરે અને માત્ર જાગૃત રહે તો પણ આ બ્રાહ્મમુહૂર્તે બ્રહ્માંડમાંથી નીકળતા કિરણો માણસને સહજ બ્રહ્મજ્ઞાની બનાવે છે. અવકાશમાં બ્રહ્માંડમાંથી નીકળતા સપ્તર્ષિ અને શુક્ર આદિના તારામાંથી-‘સુબહુ કાતારા’માંથી નીકળતા પરમાણુઓ માણસના મગજને એટલું શક્તિશાળી બનાવે છે કે મૃત્યુ સુધી તેને ગાંડપણ નથી આવતું. અને અંતિમ સમયે કોમામાં નથી જતો.

આર્યધર્મોમાં સમાધિમૃત્યુની, પંડિત મૃત્યુની બહુ કિંમત હોય છે. કેમકે ઘણીવાર તેના ઉપરથી તેનો બીજો ભવ નક્કી થતો હોય છે. પરંતુ અંતિમ સમયે માણસ લગભગ બેશુદ્ધ જેવો થઈ જતો હોય છે – સવારે બ્રાહ્મમુહૂર્તમાં ઉઠનારને એક પવિત્ર વાતાવરણનો લાભ મળે છે કારણ કે આખી સૃષ્ટિમાં પાપીઓ અને અનાચારીઓ પણ બ્રાહ્મમુહૂર્તે સૂઈ ગયા હોય છે. તેથી જગત આખામાં પાપનું વાતાવરણ શાંત થઈ જતું હોય છે. એટલે કહ્યું છે બ્રહ્મમુહૂર્તમાં ઉઠનારો, અડધો સાધુ જેવો બની શકે છે. વહેલા ઉઠનાર પોતાને જ્યાં પહોંચવાનું હોય છે ત્યાં પંદર મીનીટ વહેલો પહોંચતો હોય છે – પોતાની કામોની નોંધ ટપકાવીને આખા દિવસનું આયોજન સુંદર કરી શકતો હોય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે એ વહેલો ઉઠનારો જ વહેલો સૂઈ શકતો હોય છે અને વહેલા સુવાથી સવારે વહેલો ઉઠી શકતો હોય છે. આખી રાત જાગનારાઓને સવારે વહેલા ઉઠવાનું ખૂબ કઠિન હોય છે.

જમ્યા પછી વામકુક્ષી પણ સુવાનું નહીં.

જાપાનની ઓફીસોના મેનેજમેન્ટના માસ્ટર્સ લોકોએ વામકુક્ષીની વ્યવસ્થા કરી છે કેમ કે તેઓ જાણે છે આ નાનકડી આરામની પળો બીજા 8-10 કલાક જોરદાર કાર્ય કરવા માટે સક્ષમ બનાવતી હોય છે. જમ્યા પછી મોટા ભાગની ગૃહિણીઓ એક-બે કલાકની ઘસઘસાટ ઊંઘ કાઢતા હોય છે. આયુર્વેદના શ્ર્લોકમાં લખ્યું છે જમ્યા પછી જે ઘસઘસાટ સુવે એનો કફ તેમજ વાયુ વધે છે એટલું જ નહીં પરંતુ તેનું શરીર ભુંડની જેમ વધે છે. એના શરીરમાં આમદોષ વધે છે જે મોટાભાગના રોગનું મૂળ છે.

આયુર્વેદ કહે છે કે જમ્યા પછી ચાર-પાંચ કલાક 84 લાખમાનું એક પણ આસન નહીં કરાય સિવાય કે વજ્રાસન. જમ્યા પછી શાંતિથી વજ્રાસનમાં બેસવું જોઈએ. વાંચવા-વિચારવાનું પણ નહીં. વજ્રાસનમાં બેસવાથી નાભીની નીચે પગમાં લોહીનું આવનજાવન બંધ થવાથી લોહી પેટમાંજ સંચિત થઈને રહે છે તેથી તેમાં રહેલો ઓક્સીજન ભોજનને સુપાચ્ય બનાવે છે. આયુર્વેદમાં ક્યાંક એમ પણ જણાવ્યું છે પછી રાજાસનમાં-રાજા સિંહાસનમાં બેસે એ રીતે બેસી મુખવાસ ખાવો જોઈએ. પછી યુવાનોએ 250 પગલા અને વૃદ્ધોએ બિમારોએ શાંતીથી ઘરમાં 100 પગલા જેટલું ચાલવું જોઈએ પછી ડાબા પડખે સૂઈને 16 શ્ર્વાસોચ્છવાસ લેવાના, પછી જમણા પડખે 32 અને પછી ડાબા પડખે 64 રૂટીન શ્ર્વાસોચ્છવાસ લેવાના હોય છે. એ 64 પૂરા થાય તે પહેલા એક હલ્કીસી મીઠી નિંદર આવશે એ 10-15 મીનીટ માણી લેવી જોઈએ તેનાથી સર્વ રોગો દૂર ભાગે છે. આજકાલ લોકો જમ્યા પછી દોડીને ટ્રેઈન પકડતા હોય છે – કામકાજે ભાગતા હોય છે. જમ્યા પછી જે દોડે છે તેની પાછળ તેનું મોત દોડે છે. જમ્યા પછી સુવાને બદલે કદાચ સુવું જ પડે તો બેઠા બેઠા સૂવું જોઈએ અથવા તો જમ્યા પહેલાં જ સૂઈ જવું જોઈએ તેથી વાયુનો રોગ નથી થતો.

13 પ્રકારના આવેગોને નહીં રોકવા જોઈએ

જમ્યા પછી જેને કાયમ સુવાની ટેવ હોય તેણે જમ્યા પછી સૂઈ જવું પણ વામકુક્ષીના સ્વરૂપમાં પરિવર્તિત કરીને. ઊંઘ વગેરે 13 આવેગો રોકવાથી પણ શરીરમાં અનેક દોષો ઉત્પન્ન થાય છે. મૂત્ર રોકવાથી આંખને નુકસાન થાય, ઊલ્ટી રોકવાથી કોઢ થાય છે. મળ-વાછૂટ રોકવાથી જીવનદ્રવ્યનો નાશ થાય છે. તેમ ઊંઘ રોકવાથી મગજને નુકસાન થાય છે.

પિત્ત પ્રકૃતિવાળાને દિવસે ઓછી ઊંઘ આવે છે, કફ પ્રકૃતિવાળા ગમે ત્યાં સૂઈ જાય છે. ટ્રેઈન-બસમાં બેસતા જ તેવા લોકોને ઘેન ચડે છે. તેઓ ગમે ત્યારે પાંચ-દશ મીનીટ આડા પડે તો નસકોરા બોલાવવા માંડે છે. કફદોષવાળાએ કે ચર્મરોગવાળા માટે દિવસની ઊંઘ રોગ અને દોષ વધારનારી કહી છે.

ઉત્તર દિશામાં માથું રાખીને નહીં સૂવું

વાસ્તુશાસ્ત્ર મુજબ પૃથ્વીના બન્ને ધ્રુવ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની અંદર ચુંબકીય શક્તિ રહેલી છે. શારીરિક સંરચના મુજબ જો તમે ઉત્તર દિશા તરફ માથું અને દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવો છો, તો તેવામાં તે પ્રતિરોધકનું કામ કરે છે, અને તેની બરોબર વિરુદ્ધ દિશાઓ એક-બીજાને આકર્ષિત કરે છે. આથી સમાન દિશાઓ પ્રતિરોધક બની જાય છે, જેને લીધે તમારા આરોગ્ય અને મગજ ઉપર ઊંડી અસર પડે છે.

અને એટલું જ નહિ, જો આપણે વૈજ્ઞાનિકોનું માનીએ તો દક્ષીણથી ઉત્તર તરફ સતત ચુંબકીય ધારા પ્રભાવિત રહે છે. એટલે જયારે આપણે દક્ષીણ તરફ માથું રાખીને સુઇએ છીએ, તો તે ઉર્જા આપણા માથા તરફથી પ્રવેશ કરે છે અને પગ તરફથી બહાર નીકળી જાય છે. તેવામાં સવારે ઉઠવાથી લોકોને તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પૂર્વમાં માથું રાખીને સૂવાથી ધર્મ વધે છે. એટલે યોગીઓ પૂર્વમાં માથું રાખીને સૂતા હોય છે, સંસારીઓ પશ્ર્ચિમમાં માથુ રાખીને સૂતા હોય છે. અને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે. અને ઉત્તર દિશા વર્જ્ય છે.

રાત્રે ઊંઘ ન આવે તો શું કરવું?
રાત્રે ઊંઘ ન આવે તો સાંજે જમ્યા પછી ગરમ ગાયના દૂધમાં ખડી સાકર નાખીને 1 ચમચી ગાયનું ઘી નાખી પ્રકૃતિ પ્રમાણે અડધી/એક ચમચી ગંઠોડા (પીપરીમૂળ ચૂર્ણ), એલચી અને જાયફળ નાંખીને લેવાથી ઊંઘ આવી જશે. લાલ, લીલી, કાળી દ્રાક્ષ સવારે પલાળીને સાંજે ખાવાથી પણ ઊંઘ આવે છે. રાત્રે અભ્યંગ તેલ માલીશ કરવાથી કે માથામાં તેલ નાખવાથી પણ ઊંઘ આવી જતી હોય છે. સુતી વખતે નાકના અગ્રભાગ ઉપર શ્ર્વાસનો આવનજાવન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પણ ઊંઘ આવી જતી હોય છે.

ઊંઘ શાંતીથી આવે તે માટે ટી.વી.નો અવાજ, લાઈટનો પ્રકાશ, પથારીની સુઘડતા, સ્વચ્છતા તથા આજુબાજુનું પર્યાવરણ પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. શવાસન કરવાથી ઓછા સમયમાં ઘણો વધારે આરામ મળતો હોય છે. શવાસનમાં હથેળી ખુલ્લી આકાશતરફ રાખવી. ગળુ સહેજ ડાબી બાજુ ઢાળી દેવાનું. પછી અંગૂઠાથી લઈ એક એક અંગ પરથી મનનો – મગજનો કાબુ હટાવતા જવાનો હોય છે. ધીમે ધીમે મગજ સુધી બધું ઢીલું અને શાંત કરી દેવાથી પાંચ-દશ મીનીટમાં શરીર હલ્કુફુલ થઈ જતું હોય છે. શવાસનનો અદ્ભુત લાભ લેતા આવડે તો કમાલ થઈ જાય.

કોઈ પદાર્થ કે વ્યક્તિનો રાગ ઊંઘમાં બાધક બને તો તેની તે પદાર્થાદિની પૂર્વ-પશ્ર્ચાત્ અવસ્થા ચિંતવવાથી પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. અને મન વૈરાગ્ય યુક્ત બની શાંત બને છે. સુતી વખતે સારા પુસ્તકો વાંચવાથી ઊંઘ આવી જતી હોય છે અને અજ્ઞાત મગજ શુભ ચિંતનમાં રહેતું હોય છે. પ્રાન્તે, પ્રથમ પ્રભુનું શરણું સ્વીકારી પછી પોતે કરેલા પાપોનું પ્રાયશ્ર્ચિત કરીને અને શુભકાર્યોની અનુમોદના કરી સૂઈ જવાથી ઊંઘ તો સરસ આવે જ છે પણ જીવનમાં શાંતિ, મરણ સમાધિ, પરલોક સદ્ગતિ અને પરંપરાએ મુક્તિ એટલે કે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. અસ્તુ.

લિ. અતુલકુમાર વ્રજલાલ શાહ (સી.એ.)

TejGujarati