લોકડાઉનમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યુ અને ફોનકોલ્સ પણ ચાર ગણા વધ્યા.

સમાચાર

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 14,702થી વધુ આત્મહત્યા, તા.10મી સપ્ટેમ્બરે વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે
ગુજરાતમાં રોજ 21થી વધુ લોકો જુદા જુદા કારણસર આત્મહત્યા કરે છે. અમદાવાદ બીજા નંબરે
અમદાવાદ, તા.8
કોરોના મહામારી અને લોકડાઉનની કપરી અને ગંભીર પરિસ્થિતિ વચ્ચે માણસ જાણે સામાજિક જીવનથી અલગ થઇ ગયો હોય એ રીતે એકલો પડી ગયો અને તેના માઠા અને વરવા પરિણામ એ આવ્યા કે, લોકડાઉનમાં આત્મહત્યાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યુ છે. એટલું જ નહી, લોકોને આત્મહત્યા કરતા અટકાવવા માટે કાર્યરત સંસ્થામાં પણ આત્મહત્યા સંબંધી ફોનકોલ્સ પણ ચાર ગણા વધ્યા છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં એટલે કે, 2018 અને 2019માં કુલ 14,702 લોકોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં રોજ 21થી વધુ લોકો જુદા જુદા કારણસર આત્મહત્યા કરે છે. 2019ના પાછલા વર્ષની વાત કરીએ તો, 2019માં રાજયમાં કુલ 7655 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 5168 પુરૂષો અને 2468 મહિલાઓનો સમાવેશ થાય છે. 2019માં ગુજરાતમાં સૌથી વધુ આત્મહત્યા સુરતમાં 2153 નોંધાઇ, જયારે બીજા ક્રમે 1941 લોકોની આત્મહત્યા સાથે અમદાવાદ બીજા ક્રમે રહ્યું છે એમ છેલ્લા 14 વર્ષોથી લોકોની આત્મહત્યા નિવારણ માટે સેવા કરતી જાણીતી સંસ્થા બીફ્રેન્ડર્સ ઇન્ડિયાના સેક્રેટરી નાગેશ સુદે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, દર વર્ષે તા.10મી સપ્ટેમ્બરને વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે તરીકે મનાવાય છે. બીફ્રેન્ડર્સ ઇન્ડિયા સંસ્થાના ગુજરાતમાં અમદાવાદ સહિત દેશભરમાં 14 સેન્ટર્સ છે, જયાં આ વર્ષે પણ તા.10મી સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ માટે લોકોમાં ખાસ કરીને સમાજમાં જાગૃતિ લાવવા, આસપાસના લોકોને આ સેવાકાર્યમાં સહભાગી બનવા અને મદદરૂપ બનવાના સંદેશા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બીફ્રેન્ડર્સ ઇન્ડિયાના સેન્ટર્સના હોદ્દેદારો અને વોલેન્ટીયર્સ પીળા કલરના કપડાં પહેરી આ અંગે જાગૃતિ સંદેશ ફેલાવશે. કારણ કે, પીળો કલર એ આત્મહત્યા નિવારણ માટેનો હોઇ તા.10મી સપ્ટેમ્બરે પીળા કલરના કપડા પરિધાન કરવામાં આવશે. બીફ્રેન્ડર્સ ઇન્ડિયાના સેક્રેટરી નાગેશ સુદે વધુમાં ઉમેર્યું કે, કોરોના મહામારીમાં લોકડાઉન વચ્ચે સામાજિક એકલતા અને સમાજનો એક નવો ચહેરો પણ સામે આવ્યા છે. લોકડાઉનના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં આત્મહત્યાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, તો સાથે સાથે ગુજરાત સહિત દેશભરના અમારા સેન્ટર્સ પર આવતા ફોનકોલ્સમાં ચાર ગણો વધારો નોંધાયો છે. ફોનકોલ્સ કરતાં લોકોની વિવિધ ફરિયાદ હતી કે, તેઓ એકલતા અનુભવે છે, લોકડાઉનમાં લોકોને મળવાનું બંધ થઇ ગયુ, તેના લીધે આત્મહત્યાના વિચારો આવે છે. સૌથી ગંભીર કારણ તો એ સામે આવ્યું કે, લોકો ખુદ તેમના પરિવાર અને તેના પ્રશ્નોથી ત્રસ્ત હોવાનું સામે આવ્યું. 2019ના વર્ષના આત્મહત્યાની વિગવાતર આંકડાકીય માહિતી જોઇએ તો, આત્મહત્યાના સૌથી મુખ્ય કારણમાં ફેમીલી પ્રોબ્લેમ હોવાનું સામે આવ્યું છે. કુલ 2139 લોકોએ પારિવારિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી, એ પછીના કારણમાં મેડિકલ ઇલનેસ અને ક્રોનીકલ ઇલનેસમાં કુલ 1634 લોકો આત્મહત્યાનો શિકાર બન્યા. પ્રેમસંબંધના કારણને લઇ 495 લોકોએ અને પરીક્ષાના તણાવ કે પરિણામને લઇ 180 જેટલા વિદ્યાર્થીઓઓએ આત્મહત્યા કરી તો, બેરોજગારીના કારણે 219થી વધુ લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ડ્રગ્સ, નશા, બેંકરપ્સી, પરિવારમાં કોઇનું મોત થયુ હોય તો તેના આઘાતમાં આત્મહત્યા સહિતના કારણો સાથે કુલ 2377 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. જયારે 1733 કેસોમાં આ સિવાયના અન્ય કારણોસર આત્મહત્યા કરાઇ હોવાનું જણાયુ છે. બીફ્રેન્ડર્સ ઇન્ડિયાના સેક્રેટરી નાગેશ સુદે બહુ મહત્વની વાત કરતાં જણાવ્યું કે, લોકોને આત્મહત્યા કરતાં રોકવામાં સમાજના તમામ વર્ગના લોકોની મદદ એટલે કે, સામાજિક ટેકા, પ્રેમ અને હુંફની ખાસ જરૂર છે. જે લોકો આત્મહત્યા કરવા માટેના વિચારો કે પરિસ્થિતિમાંથી પસાર થાય છે, તેમને ખાસ સાર-સંભાળ, હુંફ અને લાગણીની જરૂર રહે છે. આવા લોકોને સમાજના આસપાસના લોકો, પરિવાર, ડોકટરો, પોલીસ, એનજીઓ, ધાર્મિક વડાઓ સહિતના તમામ લોકોની મદદ અને ટેકાની જરૂરિયાત હોય છે, તેથી સમાજના તમામ લોકોએ આ સેવાકાર્યમાં સામાજિક જાગૃતિ દાખવવી પડશે અને તો જ કોઇની કિંમતી જિંદગી બચાવી શકાશે કારણ કે, માનવજીવન બહુ જ એટલે બહુ જ અમૂલ્ય છે. આત્મહ્ત્યાના વિચારો કે તે તબક્કામાંથી પસાર થતા લોકોને માત્ર સાઁભળો અને તેમની સાથે લાગણી અને હુંફભર્યુ વર્તન દાખવો તો પણ કોઇને આત્મહત્યાના પાપમાંથી બચાવી શકાશે.

બોક્ષ – યંગસ્ટર્સમાં આત્મહત્યાનું પ્રમાણ ગંભીર રીતે વધ્યુ
બીફ્રેન્ડર્સ ઇન્ડિયાના સેક્રેટરી નાગેશ સુદે બહુ ચોંકાવનારી માહિતી આપતાં જણાવ્યું કે, પાછલા વર્ષોમાં યંગસ્ટર્સમાં આત્મહત્યાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને તેમાં પણ યંગસ્ટર્સમાં આત્મહત્યાનો દર ચિંતાજનક રીતે વધ્યો છે. 2017માં યંગસ્ટર્સમાં આત્મહત્યાનો રેશ્યો 9.9 ટકા હતો, જે 2018માં વધીને 10.2 થયો અને છેલ્લે 2019માં 10.4 ટકા જેટલો નોંધાયો. આમ, યંગસ્ટર્સમાં હવે આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને 18થી 30 વર્ષના લોકો અને 30 થી 45 વર્ષના લોકો વધુ પ્રમાણમાં આત્મહત્યા કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં 18થી 30 વર્ષના લોકોની આત્મહત્યાનું પ્રમાણ 35.1 ટકા અને 30થી 45 વર્ષના લોકોની આત્મહત્યાનું પ્રમાણ 31.8 ટકા જેટલું નોંધાયું છે. આમ, ઓવરઓલ 18થી 45 વયના લોકો આત્મહત્યાનો શિકાર વધુ બને છે, જે બહુ ગંભીર અને ચિંતાજનક વાત કહી શકાય.
બોક્ષ – અમે માત્ર આવા લોકોને સાઁભળીએ છીએ – નાગેશ સુદ
બીફ્રેન્ડર્સ ઇન્ડિયાના સેક્રેટરી નાગેશ સુદે એક બહુ સરસ વાત કરતાં જણાવ્યું કે, જે લોકો આત્મહત્યાના વિચારો કે તેના તબક્કા કે પરિસ્થિતિમાંથી પસાર થતા હોય અને ડિપ્રેશનને શિકાર બની રહ્યા હોય તેવા લોકોને અમારી સંસ્થાના લોકો કે વોલેન્ટીયર્સ માત્ર તેઓને પ્રેમ અને લાગણથી સાંભળે છે. અમે તેમને કોઇ સલાહ કે સૂચના પણ આપતાં નથી. તેમના દિલની જે કોઇ વાત કે વેદના હોય એ અમે શાંતિથી સાંભળીએ અને તેમને એક સાચા હમદર્દ તરીકે પ્રેમ, લાગણી અને હુંફનું એક માનવીય વાતાવરણ પૂરું પાડીએ છીએ. અમદાવાદમાં બીફ્રેન્ડર્સ ઇન્ડિયાનું સેન્ટર સાથ સંસ્થાના નામે કાર્યરત છે, જેના 079-2630022 નંબર પર કોઇપણ વ્યકિત કોલ કરી પોતાના દિલની વાત કરી શકે છે અને આત્મહત્યા નિવારણ અને તેના વિચારોમાંથી મુકિત માટેનો પ્રયાસ કરી શકે છે. આ જ પ્રકારે ગુજરાત સહિત દેશભરમાં 14 સેન્ટર્સ બીફ્રેન્ડર્સ ઇન્ડિયા દ્વારા કાર્યરત કરાયા છે અને અવિરતપણે આવા લોકોને આત્મહત્યા કરતાં અટકાવવા અને તેના નિવારણ માટે સતત સેવાયજ્ઞ ચાલુ રાખવામાં આવે છે.

TejGujarati