હ્રદય ભીના મનેખ : વાઘેલા ભાગ્યશ્રીબા.

સમાચાર

“નિષ્ફળતાને વરેલો માણસ જ વાસ્તવમાં સફળ હોય છે,નિષ્ફળ વ્યક્તિની સલાહ,એના અનુભવો,એનો સંઘર્ષ સાવ મરણતોલે પહોંચેલા મનેખને ય બેઠો કરી દે.”-આ શબ્દો એના છે જેને સંઘર્ષને જીવ્યો છે.હા,સંઘર્ષ કરવો,વેઠવો ને જીવવો એ ત્રણેયમાં આભધરાના અંતર!જગતની કોઈપણ વસ્તુ કોઈપણ ઘટના જ્યારે તમે જીવો ને ત્યારે જ એની મહત્તા સમજાય અન્યથા તો પાષાણિકકાળ હજુય જગત મધ્યે યથાવત જ છે.જીવનની દરેક ક્ષણોને હ્રદય હ્રદય જીવનાર…ને આજના કપરા કાળની જ વાત કરું તો આજની નવી પાંગરતી પેઢીને સંઘર્ષની આદત ઓછી હોય એ સ્વાભાવિક છે.લગાર દુ:ખ જોયા નથી ને કે “અંતિમ વિચાર” આવ્યા નથી.એ જ અંતિમે ના વિચાર વખતે એક ગુરુ તરીકે,માર્ગદર્શક તરીકે ને એક ભાઈ તરીકે પણ જેના લગાર સ્મરણ થઈ આવે ને અે અંતિમ વિચાર ત્યાગી નવું જીવન પ્રાપ્ત થયાનો આનંદ કોઈને પ્રાપ્ત થાય એવા પ્રેરણારૂપ શખ્સ બહુ જૂજ!કોઈની વેદના કોઈના દુ:ખ શું છે એ સમજવા માટે પ્રથમ એ વેદના જેણે જીવી હોય,એ પણ તળિયા સુધી…એ જ સમજી શકે,અન્યથા તો મનેખના પ્રાચીનેથી સ્વભાવ રહ્યા જ છે કે,કોઈ હ્રદયના ઝૂરાપા સાંભળીને જગત મધ્યે હાંસી કરી પોતાના જ સંસ્કારો છત્તા કરવાની.એવા જ એક ભર્યા હ્રદયના માનવી…ને ને અમારા ભાઈ શ્રી અભિજિતસિંહજી ઝાલા.મૂળ વતન ધંધુકા તાલુકાનું ફેદરા ગામ.પ્રાથમિક શિક્ષણ જ્યાં પ્રાપ્ત થયા.પિતાની કઠોરતા પાછળના અથાહ સ્નેહને કળી જનાર આપ નોખી માટીના જીવ!ને એ જ છૂપાયેલા અપાર સ્નેહને સાથે રાખી જીવનના સઘળા મર્મને અનુભવી જઈ,પામી જઈ આજ સફળ શિક્ષક તરીકે શિખર પર છો.કલાને અંતરમાં વસાવનાર,સંગીતના માણસ,ચિત્રના માણસ!વાસ્તવિકતા છે કે, કલાને વરેલા મનેખના બીજા નામ જ એટલે લાવણ્યમયી લાગણીથી ઉછળતા જલધિ!સંગીત વિશે ખાસ કહેવું જ શું…સંગીત તો સ્વયં પોતાનામાં અનંત અનાહત છે.ને એને વરેલા મનેખ એવા આપ સપ્તસૂરસાધક!લય સૂર ને ગળાની હરકત તો લાજવાબ રીતે નિખરે જ છે,પણ સંગીત એક એવી ઉત્તમોતમ કલા છે જેમાં લય તાલ સૂર આરોહ-અવરોહથી ય વિશેષ જેના સ્થાન હોવા ઘટે એવા જો ભાવમય રત્નાકર ન હોય તો એ વ્યર્થ જ!એ જ ભરી ભાવમયતા જેના સાર એક વાક્યમાં કહીએ તો છેક અનંત નાભિકેન્દ્રથી ઉઠે ને અંતે જઈને છેક એ જ અનંતના શિખરે પહોંચી વિરામ પામતો એક અવાજ એટલે અાપના કંઠ!”હંસલા હાલો ને હવે મોતીડાં નહિ રે મળે…!”-આ ગીત ના એક એક શબ્દ જાણે રણ મધ્યે વીરડી ફૂટે એમ આપ કંઠથી રેલાય જે સાંભળનારને ઈશ્વર સમીપ હોવાનો અહેસાસ કરાવી જાણે,એવો એક કરુણસભર અવાજ જેમાં ગાંડી ગીરના જંગલ જેવી ઝીણી ઝીણી વેદના હોય,જેમાં જીવનના રણમધ્યે માર્ગ ભૂલેલા કોઈ મનેખ ની અસીમ વેદના વહેતી હોય એવા અવાજ જ ઈશ્વરના દરબાર સુધી પહોંચતા હોય છે.જેના એક જ સૂર ઉઠે ને માણસના હ્રદય મધ્યે રહેલો આખોય દરિયો પારાવાર રેલાય જાય.સંગીત છે જ એવી કલા કે,અંતે મૌન સિવાય કશું જ શેષ નથી રહેતું.અતિ લાગણીવાન મનેખ આ જગતના ચોકમાં પોતાના અપાર સંઘર્ષોને છૂપાવીને ય અન્યને પ્રેરિત કરે છે.આ સાંપ્રત સમયે તો આવા પાક મનેખના ઓરતા ય જૂજ જ રાખી શકાય,ખરું ને!?!વાદ્ય પર પણ આપની સારી એવી હથોટી રહી છે.મેવાડના અધિપતિ રાજરાજે મહારાણા પ્રતાપને પોતાના આદર્શ માનીને આપે રાણા વિશે ખૂબ જ સુંદર એક ગીત તૈયાર કર્યા હોય,જે બહુ ટૂંકા સમયમાં લોન્ચ થવા જઈ રહ્યા છે,એ માટે વિશેષ શુભેચ્છાઓ આપને!પ્રવાસના શોખીન રહેલા,પગદંડીઓ પણ જેમના અસ્તિત્વને હવે તો ઓળખી ચૂકી હશે એવા આપે ઉતર થી માંડી દક્ષિણ ભારતના તથા પૂર્વ ને પશ્વિમ ભારત તો જાણે કોઠે વસે!!!ઉપર જે તસ્વીર પ્રસ્તુત છે એ આપના રાજસ્થાન પ્રવાસની છે કે જેમણે બાળક આંખની આશાને જાણી એમની નિજી જરૂરિયાત પૂર્ણ કર્યાનો સંતોષ છે બસ,આ જ સંતોષ જેને ખરું જીવન કહી શકાય.વિવિધ ભાષાઓને જાણી ત્યાંના સમાજ,જ્ઞાતિ પરંપરા મધ્યે રહીને વિધવિધ લોકોને,એમના ભાવોર્મિને રીત-રિવાજોને ઊંડાણથી જાણી અભ્યાસ કરનાર આપે શિક્ષક તરીકે આપના અભ્યાસક્રમમાં પણ સાંસ્કૃતિક વારસાને અત્યંત ઊંડાણપૂર્વક ભણાવ્યા છે.જાણે કે,અક્ષરશ: વારસાને હ્રદય સાથે વણી લીધો હોય ને અંતે એને મોકળા મને જીવી જઈને બાળકો સામે પોતાના અખંડ જ્ઞાન પીરસો છેો.વિષય કે,જેમણે માત્ર ઔપચારિક કે ભણાવવા માટે બસ ભણાવી ન દેતા,એક અતૂટ આસ્થા માનીને રજુ કર્યા હોય તો આપ!વિશાળ વાંચન તથા પુસ્તકોને પોતાના વ્હાલાં માની સદાય એ ખજાનાના એક બાદ એક મોતીઓ વીણી આજ શિક્ષણક્ષેત્રે નામના મેળવી ચૂકેલી અનએકેડમી પર જીપીએસસી કોર્ષમાં પોતાના પ્રિય ને માનીતા એવા બે વિષયો વારસો તથા ભૂગોળ ભણાવી રહ્યા છે.આ પૂર્વેની વાત કરું તો ઓફલાઈન પણ ને પોતાના જ નિજી મંચ એવા જ્ઞાનગુરૂકૂળના માધ્યમથી પણ અનેક વિદ્યાર્થીઓને માર્ગ ચીંધ્યા છે.નવાઈ તો એ છે કે,નિજ ના અભ્યાસ દરમ્યાન સાહિત્ય થી બહુ છેટા રહ્યા.બેંગ્લોર રહીને ફાર્માસીની ડિગ્રી પ્રાપ્ત કરી છે.વિજ્ઞાનના માણસ આજ સાહિત્યના જીવ બની ચૂકેલા એવા આજ આપના અવતરણદિન પર ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ!ઈશ્વર સદાય નૈતિક કાર્યોમાં આપના સાથ અર્પે એ જ અભ્યર્થના!હાલ કાયમી નિવાસ તરીકે રાજકોટ શહેરને જ કર્મભૂમિ બનાવી અનેકને યથાશક્તિ મદદ કરે છે,મળવા જેવા માણસ છે.બે ક્ષણ સાંભળવા જેવા મનેખ છે એમના સંપર્ક નંબર:૮૦૦૦૦૩૭૨૭૨ છે.લખવા કાજ ઘણું લખી શકાય પણ થોડામાં ઘણું સમાય એ જ ભાવ સહ કલમને વિરામ આપતા પૂર્વે ફરી એકવાર જન્મદિનની આપ ભાઈને ઘણી ખમ્મા સહ અઢળક શુભકામના.ઈશ્વર આપને દીર્ઘાયુ પ્રદાન કરે.જય માતાજી.

TejGujarati