દેશપ્રેમી મગરોનું બલિદાન વયોવૃધ્ધ મગરની વિદાય સ્પીચ… નમામિ દેવી નર્મદે..- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સમાચાર

દેશપ્રેમી મગરોનું બલિદાન
વયોવૃધ્ધ મગરની વિદાય સ્પીચ…
નમામિ દેવી નર્મદે…. (બધા મગરો પણ સામો જયધોષ કરે છે) આ પુણ્ય સલિલ મા સેલારા મારતા મારતા સરદારનો જન્મદિન જોવાના સપના આ વખતે અધૂરા રહેવાના છે.. આપણે આ જગ્યા હવે ખાલી કરવી પડશે. મા નબદાનો ખોળો ખાલી કરવો પડશે… (બધા મગર સાચા આંસુ પાડે છે) અહીના મૂળમાલિક અહીંથી જતા રહ્યા.. ભલે રોતા રોતા ગયા.. પણ આપણે હસતા હસતા જવું છે. આપણે કશુય બોલ્યા વગર જાતે જ ખસી જવુ છે..(આપણે જઉશુ ક્યાં? એક બાળ મગર બોલ્યો)
દિકરા આપણે મગરની જાત.. પાટુ મારી પાણી પેદા કરી લઈશુ… (બધા તાળીઓ પાડે છે) (પણ મારે પેલુ છીં-પ્લેન જોવુ છે..) ના જોવાય મારા દિકરા છીં-પ્લેન ના જોવાય. આ બધુ પર્યાવરણને બચાવવા થઇ રહયુ છે.. મારે ય એ મહાપૂરૂષના દર્શન કરવા છે.. મારે ય અહિંસક બની એમના
હાથે ચણ ખાવા છે.. (આપણે ચણ ખાતા સારા ન લાગીએ..)તમારી વાત સાચી છે પણ.. આ પર્યાવરણ ખાતર હવે આપણે હિંસા છોડવી પડશે. આપણા રોજિંદા આહારમાં હવે બદલાવ લાવવો પડશે.. આપણે આપણા કરવત જેવા દાંતનું બલિદાન આપવું પડશે.. આપણી આપણી પીઠને સૂંવાળી કરવી પડશે. એના ખરબચડાંપણાને મખમલમા તબદીલ કરવું પડશે… (પાછી તાળીઓ પડે છે..) જરૂર પડે આ રંગ છોડી રંગબેરંગી થવુ પડશે.. પીંછા ઉગાડવા પડશે તો પણ આપણે મંજૂર થવુ પડશે(ફરી પાછી તાળીઓનો ગડગડાટ)(આપણા એક નૃવંશશાસ્ત્રી એવુ કહેતા હતા પેલા આપણે પંખીઓ જ હતા.. એને આકાશમાં ઉડતા હતા..) સાચું ખોટું એ જાણે પણ હવે આપણે ઊડવાના પ્રયત્નો કરવા જોઈએ.. આ પર્યાવરણના રખેવાળોને ક્યાં સુધી તકલીફ આપીશુ.. ઊડતા શીખી જઈએ તો બધાને આસાન પણ રહેશે.. અને મહાન લોકોના કરકમલોથી બે ચાર દાણા પણ ભાળશું.. (ફરી પાછી તાળીઓ પડે છે) પ્રતિકૂળતાઓના કારણે જ ક્રાંતિ થાય છે.. અને ઉત્ક્રાંતિ પણ.. આ સમય ક્રાન્તિ નો નથી.. માણસોને એટલી સમજણ પડે છે.. આપણે તો મગરની જાત.. આપણે ક્રાન્તિ નહિ તો ઉત્ક્રાંતિ કરીએ પાછા મોર બની જઈએ.. મે સાંભળ્યુ છે કે કેટલાક માણસોને રાતોરાત પૂછડા ઉગી ગયા છે.. એટલે મોર બનવાની મારી શ્રધ્ધા વધારે ગહેરી બની છે.. ચાલો ઉછાળા બંધ કરી.. ઉચાળા ભરીએ..નમામિ દેવી નર્મદે..
(બધા સ્તબ્ધ છે.. મોન છે… મા નર્મદા પણ..)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati