“આપને અહીં મોકલનારનું સરનામું મારી પાસે છે.” – સુરેન્દ્ર આસ્થાવાદી.

સમાચાર

લખપતિ સુમનની પાસે બેસુમાર સંપત્તિ હતી.અઢળક વાડીવજીફા, બંગલા અને જમીનજાગીરનો તે માલિક હતો. આવું બધું હતું પણ તેના અખત્યારમાં પૂરતી ઊંઘનો અભાવ રહેતો હતો.
આજે મધ્યરાત્રિ પછી બે વાગ્યા પણ ઊંઘ આવવાનું નામ લેતી ન હતી. મિજાગરાં પર બારણાં ફરે તેમ તે આમતેમ પાસાં ફેરવ્યા કરતો હતો. ઊંઘ માટે તેણે કૉફી પીધી. દસેક સિગારેટ ફૂંકી મારી. ઇંગ્લીશ બાટલી ગટગટાવી.પણ નિદ્રા ના આવી તે ના જ આવી. તેણે લટાર મારવા વિચાર્યું. બંગલામાંથી બહાર આવ્યો. ગેરેજમાંથી કાર કાઢી. ધૂનમાં ને ધૂનમાં બસો કિલોમીટર જેટલી ઝડપથી સૂમસામ રસ્તામાં કારને મારી મૂકી. એટલામાં રાઇટ હેન્ડ સાઇડે એક ભક્તિસ્થાન પર ઊંચે ટયુબલાઈટથી ઝગારા મારતા એક ક્રોસે તેનું ધ્યાન દોર્યું. તેણે એકાએક ગાડી ઊભી રાખી. તે ભક્તિસ્થાનમાં પ્રવેશ્યો. તેને તાળાં મારેલાં ન હતાં. લૉકડાઉન ન હોવાથી તે ખુલ્લું હતું. ત્યાં કોઈ ધર્મગુરુઓ કે પગી ન હતા.ભક્તિસ્થાનની ઘડિયાળે ત્રણ વાગ્યાના મીઠા ટકોરાએ તેનું સ્વાગત કર્યું. મંદિરના ગર્ભગૃહમાં તેણે આસન જમાવ્યું. તેને હળવાશ અને શાંતિ થઈ.ઈશ્વરનો અહેસાસ થયો. તેની બાજુમાં એક ગરીબ પણ શ્રદ્ધાળુ ભજનિક અંતરધ્યાન ધરીને બેઠો હતો. તેને જોઈને સુમનને સાનંદાશ્ચર્ય થયું.
તે પોતાની બીમાર પત્નીના સાજાપણાની પ્રાર્થના માટે આવેલો હતો.તેને વિશ્વાસ હતો કે ઈશ્વર ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી. (ગી.શા.121:4) તે પ્રભુપરાયણ હતો. પત્ની માટે એકાગ્રતાથી ઈશ્વરને વિનંતી કરી રહ્યો હતો.તેની પ્રાર્થના પૂરી થઈ. પછી બંને પરસ્પર મળ્યા.સુમનને આ વ્યક્તિ પર અનુકંપા ઊપજી.તેની આંખોમાં દીનતા અને વદન પર વ્યથા દેખાતી હતી. સુમને તેને આટલી મોડી રાત્રે અત્રે આવવા વિષેના પ્રયોજનની પૃચ્છા કરી. તેણે દુ:ખ તથા નમ્રતા સાથે જણાવ્યું, “મારી પ્રિય પત્ની જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે. આવતી કાલે તેનું ઓપરેશન છે. મારી પાસે ફીનાં નાણાં ચૂકવવાની સગવડ નથી. ઓપરેશનનો આગોતરો ચાર્જ ભરપાઈ નહીં કરાય તો મારી પત્ની આ દુનિયામાંથી વિદાય થઈ જશે.ઈશ્વરપિતા તેને બચાવી લે તે માટે અર્ધી રાત્રે આગ્રહી પ્રાર્થના કરવા હું અહીં આવ્યો છું.”
તે પોતાની વાત પૂરી કરે તે અગાઉ સુમન આટલું સાંભળીને દ્રવી ગયો.તેણે ખિસ્સામાંથી પાકિટ કાઢીને તેને તેની જરૂરિયાત જેટલી રકમની સખાવત કરી. તેની આંખોમાં ચમક આવી. તેણે ઈશ્વરનો તથા સુમનનો અત્યંત આભાર માન્યો.
સુમને પોતાનું પરિચયકાર્ડ તેને આપતાં કહ્યું, “લો આ કાર્ડ. વધારે પૈસાનો જરૂર પડે તો મને જાણ કરજો. કાર્ડમાં મારું સરનામું છે.”
પેલા જરૂરિયાતમંદ માણસે કહ્યું, ‘આપના તરફથી મળેલી આકસ્મિક આર્થિક સહાય બદલ હું આપનો ખાસ ઋણી છું.
મારી પાસે સરનામું તો છે.’
સુમનને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, “કોનું સરનામું? મારું?”
પેલા ભક્તિપરાયણ માણસે સ્પષ્ટતા કરી, ” આપ આટલા બધા વૈભવશાળી છો. છતાં અડધી રાતે આપને જેમણે અહીં મારી મદદ માટે મોકલ્યા છે, તે મોકલનારનું સરનામું મારી પાસે છે.”
પછી બંને વિખૂટા પડ્યા.
વહેલા પરોઢિયે સુમન પોતાના બંગલામાં પાછો આવ્યો. પથારીમાં પડ્યો. પછી ઈશ્વરે આપેલા કૃપાદાન સ્વરૂપ ગાઢ ઊંઘમાં તે ગરકાવ થઈ ગયો.
************************
“ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. (ફિલિપ્પી 4:19)

TejGujarati