અમદાવાદ/સુરત છોડો : રાજકોટ છે હવે ડેન્જર ઝોન ! જિમ્મેદાર કોણ ? સરકાર, અધિકારી કે પછી ખુદ…- હિતેશ રાયચુરા.

સમાચાર

એ સ્પષ્ટ છે કે રાજકોટમાં કોરોના ને લગતાં સાચા આંકડા કમિશનર કે કોઈ જાહેર થવા દેતાં નથી. ‘ સાંજ સમાચાર ‘ જેવું એકાદ અખબાર દરરોજ નિડરતાથી જવાબદારોના તર્કબદ્ધ રીતે કાન આમડે છે યા ચાબખાં મારે છે… પણ ગેંડાઓને ટાંચણીઓ અસર કરતી હોતી નથી !
જાણે સો(૧૦૦)ના આંકડાની અંદર બાંધી લીધો હોય તેમ કોરોના પેશન્ટની સંખ્યા જાહેર થાય છે પણ…
સચ્ચાઇ અલગ અને બહુ ખરાબ છે. એ વરવી વાસ્તવિકતા સમજવી હોય તો એક સ્વ અજમાઇશ કરી જૂઓ : તમારી ફોન બુકના રેન્ડમ દશ નંબર લગાડીને વાત કરો તો કમ સે કમ છ નંબર પરથી એવું કહેવામાં આવશે કે અમારા (વિસ્તાર/સોસાયટી/અપાર્ટમેન્ટ/શેરી કે રસ્તામાં) એરિયામાં બે કે ત્રણ કેસ છે !
સિમ્પલ તારણ છે કે, રાજકોટ હવે સુરત કે અમદાવાદ બની ગયું છે. બેશક, હું આ વાત એપ્રિલ, અને પછી જૂન-૨૦૨૦ માં લખી ચૂક્યો (મારી વૉલ રિફર કરી શકો છો !) છું. આ પરિસ્થિતિ કે હાલાત રાજકોટના થવાના જ હતા, એ જૂનમાં જ સ્પષ્ટ થઇ ગયું હતું પણ માણસ માત્ર કારણો શોધીને (ઍલર્ટ થવાની બદલે) આશ્વાસન લઇ લેનારું પ્રાણી છે : ‘સુરત/અમદાવાદના લોકોએ આવીને રાજકોટના કોરોના કેસમાં વધારો કર્યો છે…’
વાત સાચી હતી પણ એનો અર્થ એ હતો કે – રાજકોટવાસીઓએ સાવધ થવાની જરૂર હતી !
અહીં જ ચૂક થઈ છે. મેડિકલ આલમ તો સમજતી જ હતી કે રાજકોટ( અને સૌરાષ્ટ્રની પણ) સ્થિતિ વણસવાની જ છે એટલે જ એક ડઝન જેટલી પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ શરૂ થઇ ગઇ છે, છેલ્લાં એક મહિનામાં.
… પણ રાજકોટવાસીઓ ન સમજ્યા. એ બેધડક અને બેદરકાર જ રહ્યાં. એ બેદરકારી અને ઑવર કોન્ફિડન્સમાં ભાજપનાં કાર્યકરો-નેતાઓનો અહંકાર (પાટીલ પ્રવાસ અને કમલેશ હિરાણીની બયાનબાજીથી મોટો પૂરાવો દેવાની જરૂર છે?) પણ ભળ્યો જ છે. પરિણામે રાજકોટ અત્યારે કોરોના બાબતે બોમ્બ પર બેઠું છે.
અધિકારી કે નેતાઓ ઓછાં જવાબદાર નથી જ, પણ એ લોકો કોરોનાના વાયરસ છાંટવા નીકળતાં નથી, એ સ્વીકારવું રહ્યું. રાજકોટમાં કોરોના કેસ વધી રહ્યાં છે તો તેમાં – બેદરકાર રહેવામાં અને બેકાળજી રાખવામાં અને બિન્દાસ મેન્ટાલિટી(મને કાંઇ ન થાય !) ધરાવતાં સૌથી મોટાં ગુનેગાર તો હું રાજકોટવાસીઓને (જેમાં હું પણ આવી જાઉં) ગણું છું…
જો તમે રાજકોટવાસી છો તો – તમે પણ ગુનેગાર છો !
પ્લીઝ, વાતનું હાર્દ સમજો અને સજાગ થઇ જાવ, એ તમારા પરિવાર માટે વધુ લાભદાયી છે…

TejGujarati