આત્મનિર્ભર ભારત : ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો!

કલા સાહિત્ય ધાર્મિક ભારત સમાચાર

પરમ પૂજ્ય ગુરુ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજે 1996ની સાલમાં અમદાવાદમાં જીવ દયા પર કામ કરવા અને પાંજરાપોળને આત્મનિર્ભર બનાવવાનું બીડું ઝડપ્યુ હતું. ત્યારે 1996માં પહેલી વાર આ “આત્મનિર્ભર” શબ્દ સાંભળવા મળ્યો હતો. એ સમયે પાંજરાપોળ વિશે એવું કહેવાતું કે ત્યાં જઈશુ તો ત્યાંના સંચાલકો આપણી પાસેથી પૈસા માંગશે. એ સમયે તેઓ લોકો પાસેથી પૈસા ઉઘરાવી પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરતા. કેટલી દયનીય સ્થિતિ હશે એ લોકોની કે, આમ લોકો પાસે ભિક્ષા માંગીને ઘાસચારો એકઠો કરવો પડે! ત્યારે ગુરુદેવના મનમાં એક જ વિચાર હતો ગમે તેમ કરીને આ પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવી. લોકો પાસે જઈને હાથ ન ફેલાવવા પડે એવી કોઈ ગોઠવણ કરવી હતી. ત્યારબાદ આજ ૨૪ વર્ષ બાદ “આત્મનિર્ભર ભારત”નો શબ્દ-પ્રયોગ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યો ત્યારે ખુશી થઈ કે , આઝાદીના ૭૦ વર્ષ પછી તો પછી એ તરફ આપણા પગલાં પડ્યા. કહેવાય છે ને કે, “જાગ્યા ત્યારથી સવાર”. સવાલ એ થાય કે, જે દેશને સોનાની ઘરતી સમાન ગણવામાં આવતો તે અચાનક પરાવલંબી કેમ બની ગયો. શું આપણે એટલા બધા પરાધીન થઈ ગયા? ભારત દેશ પર દેવું વધી ગયુ? આવા અનેક સવાલો મનમાં ઉઠે છે. આઝાદી પહેલા અને હવેના સમયમાં ઘણો બદલાવ આવ્યો છે. દેશ પર અનેક લોકોએ આક્રમણ કર્યું અને સત્તા ભોગવી હતી. બધી જ પરિસ્થિતિનો દ્રઢતાથી સામનો કરીને આજ આપણે આગળ વધી ગયા છીએ. શબ્દકોશમાં ઊંડે જઈ લપાઈ બેઠેલા ‘આત્મનિર્ભર’ શબ્દને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ફરી ઉઠાવ્યો અને દેશને નવી દિશા આપી. તેમના આ સપનાને સાકાર કરવા દરેક નાગરિક સહયોગ આપશે તો જરૂર સફળતા પ્રાપ્ત થશે. થોડા સમયથી કોરોના વાઇરસના કારણે દેશની અર્થવયવસ્થાને ભારે નુકશાન થયું છે, બેરોજગારી વધી રહી છે. થયેલા નુકસાનની ભરપાઈ કરવા આપણે દિવસ રાત મહેનત કરવી પડશે… શનિ-રવિની રજાઓ, સામાજિક પ્રસંગો બધુ જ ત્યજીને કામે વળગી પાડીશું ત્યારે જ તો લોક ડાઉનમાં બગડેલા સમયની ભરપાઈ કરી શકીશું. હવે સવાલ એ થાય કે, આત્મનિર્ભર કેમ બનવું? તો એ માટે સૌ પ્રથમ તો આપણા પર કોઈ દેવું ન હોવું જોઈએ. દેશમાં અનેક સરકાર આવી અને બદલતી રહી પરંતુ આ લેણું હજુ પણ યથાવત છે સૌપ્રથમ તો દેશને દેવામુક્ત કરવું જોઈશે. બીજો પ્રશ્ન છે દેશની જન સંખ્યાનો. એક આરોપ એ પણ લગાવવામાં આવે છે કે, વધારે જનસંખ્યાને કારણે દેશનો વિકાસ રુંધાઈ જાય છે, પરંતુ જો તેને જ આપણુ બળ બનાવી આગળ વધવામાં આવે તો પ્રશ્નો હલ થઈ શકે છે. દેશની આબાદીને ગામડાંઓમાં વહેચવામાં આવે તો, ભારત દેશમાં આશરે 6,49,481 ગામડાં છે. જો એક ગામડું ચાર હજાર લોકોને સાંભળી લે એટલે કે આશરે 400 પરિવારને સાંભળી લે તો 130 કરોડ જન સંખ્યા યોગ્ય રીતે સચવાઈ જાય. ગામડાઓ આમ પણ પરાવલંબી બહુ ઓછા હોય છે. સાથે સાથે, સરકાર દ્વારા ઘડવામાં આવતી યોજનાઓ પૂરેપૂરી તેમના સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આદરણીય પ્રભુદાસભાઈ પારેખે તેમની એક બુકમાં બહુ સરસ વાત કહી છે કે, જો ગામડાંના લોકો મહેનત કરે તો તેમણે મીઠું (નમક) સિવાય કોઈ પણ વસ્તુ માટે બહાર જવાની જરૂર નહીં. મીઠુ દરિયા કાંઠે બનતું હોવાથી તે મળવું મુશ્કેલ છે. ગામડાંમાં ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટે ગામની આઠે-આઠ દિશાઓમાં તળાવ બાંધવા જોઈએ. તેમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ વધારવો જોઈએ. જો ખેતી માટે પૂરતું પાણી મળી રહે તો સમજો અડધું કામ થઈ ગયું. આમ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, અતિવૃષ્ટિ અને દુકાળના સમયમાં પણ પાણીની યોગ્ય વ્યવસ્થા હોવાથી ખેતી કરી પાક લઇ શકાય છે. પહેલા વિદેશથી ખાદ્ય આયાત કરવામાં નહોતી આવતી, પરંતુ હવે આશરે 50,000 કરોડ રૂપિયા આ પ્રકારની આયાતમાં ખર્ચ કરવામાં આવે છે. ખાદ્ય આયાત પર થતા ખર્ચને અટકાવી તે પૈસા આ ગામડાંઓ સુધી પહોંચતા કરવામાં આવે અને ખેતી માટે ઉપયોગ કરવામાં આવે તો બહુ ઓછા સમયમાં આપણે આત્મનિર્ભર બની શકીએ એમ છીએ. સરકાર દ્વારા મનરેગા યોજના ઘડવામાં આવી છે, પરંતુ તેના કારણે કોઈ ફાયદાઓ જણાતા ન હોવાથી તેમાં બદલાવ લાવી અન્ય યોજનાઓ ઘડવી જોઈએ. અને ગામડું સૌપ્રથમ પાણી માટે આત્મનિર્ભર બને તેની જોગવાઈ કરવી જોઈએ. પાણીને સાચવવાની વ્યવસ્થા કર્યા બાદ તે પાણીના સ્ત્રોતને આજુબાજુના-પરસ્પરના ગામડાંઓ સાથે જોડવામાં આવે. જેમ ભૂતપૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેઈજીએ દેશની નદીઓને ઇલેક્ટ્રોનિક કરવાનું સપનું જોયું હતું તેમ જ! માટે એક ગામમાં દુકાળ હોય તો બીજા ગામનું પાણી તેને પહોંચાડી ખેતી કરી પાક લણી શકાય છે. લોક ડાઉનમા આપણે એ તો સમજી જ ગયા કે બહુ ઓછા ખર્ચમાં ઘર ચાલી શકે છે. ખપ પૂરતી વસ્તુનો ઉપયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું સાકાર કરી શકાય એમ છે. આત્મનિર્ભર ભારત એક પરિકલ્પના જ ન બની રહેતા આ સપનું સાકાર થાય એ ધ્યેય સેવવાની ફરજ આપણી સૌની છે અને તેને સાકાર કરવાનો પણ આ સર્વોત્તમ સમય છે.

ગીરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬)
મેમ્બર– એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા
મેનેજીંગ ટ્રસ્ટી–સમસ્ત મહાજન

TejGujarati