*કોરોનાકાળમાં રાહતરૂપ સેવા*
*રાજકોટ મનપા મફત કરી આપે છે એન્ટીજન ટેસ્ટ.*
લાભ લ્યો,ખર્ચ બચાવો,સલામત રહો.
કાલથી તો ઘરે આવીને કરી જશે ટેસ્ટ
જનહિતાર્થે આ લખી રહ્યો છું.
રાજકોટમાં કોરોનાએ ભરડો લીધો છે.શહેરના લગભગ તમામ વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ મળે છે.લોકોમાં ફફડાટ છે.કેસની સંખ્યા દરરોજ વધે છે.આ સંજોગોમાં સરકારી હોસ્પિટલની નાની મોટી ઉણપો અને ખાનગી હોસ્પિટલોની લૂંટ પ્રત્યે લોકોનો રોષ વ્યકત થતો રહે છે.
પણ એ બધા વચ્ચે પણ જેની પ્રશંસા કરવી પડે અને જેના અનેક ફાયદા છે એવી એક સેવા રાજકોટ મનપા આપી રહી છે.
અને એ સેવા છે ની:શુલ્ક એન્ટીજન ટેસ્ટિંગની.માની લ્યો કે કોઈના પરિવાર કે પાડોશીમાં કોરોનાનો પોઝિટિવ કેસ થયો.અને એ પરિવારના અન્ય કોઈ સભ્ય કે પાડોશીને શરદી ઉધરસ કે તાવના પ્રાથમિક લક્ષણો દેખાણા.આ સંજોગોમાં પહેલો વિચાર એ આવે કે આપણને કોરોનાતો નથી ને?
અલબત્ત,દરેક તાવ,શરદી કે ઉધરસ એટલે કોરોના જ એવું નથી.પણ સ્વાભાવિક રીતે જ અત્યારના માહોલમાં માણસ ગભરાઈ જાય.આવું થાય ત્યારે લોકો દોડે ડોકટર પાસે અને ડોકટર સાવચેતી-સલામતી ખાતર,શુભ હેતુથી કોરોનાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપે
પણ..એ ટેસ્ટ થાય છે રૂ.3500 માં.
હવે સવાલ એ છે કે શું સીધો જ એ ટેસ્ટ કરાવવો?હા, જો બીજો કોઈ વિકલ્પ ન હોય તો એ ટેસ્ટ કરાવવો પડે.
પણ રાજકોટ મનપાએ એક વિકલ્પ આપ્યો છે.અને એ છે એન્ટીજન ટેસ્ટ.રાજકોટ મનપાની આરોગ્ય સમિતીના ચેરમેન જયમીન ઠાકર કહે છે કે રાજકોટની જનતાના લાભાર્થે આ વિશિષ્ટ સેવા શરૂ કરવામાં આવી છે.આ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.આ ટેસ્ટનો ફાયદો એ છે કે પોઝિટિવ કેસ હોય તો તુરત જ ખબર પડી જાય છે અને પરિણામે વિના વિલંબે દર્દીની સારવાર શરૂ કરી શકાય છે.આ ટેસ્ટનું પરિણામ 15 મિનિટમાં જ મળી જાય છે.
કોરોનાના આ સમયમાં 24×7 સેવા આપતા જયમીન ઠાકર કહે છે કે આ ટેસ્ટ કરાવવાથી લોકોનો ખર્ચ બચે છે.તુર્ત જ પરિણામ મળી જાય છે. રાજ્યમાં ભાગ્યે જ અન્ય કોઈ મનપા આ સેવા આપે છે.રાજકોટ મનપાએ આ સેવા શરૂ કરી તેનો સેંકડો લોકોએ લાભ લીધો છે અને લઈ રહ્યા છે.મનપાના આરોગ્ય કેન્દ્રોમાં પણ આ સેવા ઉપલબ્ધ છે.તેઓ કહે છે કે વધુને વધુ લોકો આ સેવાનો લાભ લે અને શહેર જલ્દી કોરોનામુક્ત થાય તેવા અમારા પ્રયત્નો છે.આ સેવાનો વ્યાપ વધે અને લોકોને આરોગ્ય કેન્દ્ર સુધી પણ ન જવું પડે એટલા માટે *આવતીકાલ એટલે કે તા.27 ને ગુરુવારથી તો રાજકોટ મનપા “104” સેવા શરૂ કરી રહી છે.*
આ માટે ત્રણ ઝોનમાં ત્રણ એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે.
*રાજકોટનો કોઈ પણ નાગરિક 104 ઉપર ફોન કરશે એટલે તેના ઘરે જઈને વિનામૂલ્યે આ ટેસ્ટ કરી આપવામાં આવશે.*
કોરોનાના પ્રાથમિક લક્ષણો પણ દેખાતા હોય તો તેવા લોકોએ આ અમૂલ્ય સેવાનો વિના વિલંબે લાભ લેવો હિતાવહ છે.