*ભાદરવી પૂનમના સમયગાળા દરમ્યાન અંબાજી ટ્રસ્ટ દ્વારા આરતી, દર્શન અને મહાયજ્ઞનું જીવંત પ્રસારણ કરાશે*

સમાચાર

તા. ૨૭ ઓગસ્ટથી તા. ૨ સપ્ટેઆમ્બર સુધી અંબાજી ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ-ટ્યુબ ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરાશે

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતા ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સંદર્ભે યાત્રિકોની સલામતી અને માઈભક્તોની લાગણીની ધ્યાનમાં લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુસાર તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૦૪/૦૯/૨૦૨૦ સુધી અંબાજી મંદિર સંપૂર્ણપણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનો સમયગાળો તા.૨૭/૦૮/૨૦૨૦ થી તા.૦૨/૦૯/૨૦૨૦ સુધીનો છે પરંતું કોરોના વૈશ્વિક મહામારીના લીધે મેળો બંધ છે. આ સમયગાળા દરમ્યાન માઇભક્તો ઘેરબેઠાં જ માતાજીના દર્શન, પૂજન, અર્ચના કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જીવંત પ્રસારણ-લાઇવ ટેલીકાસ્ટની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુટ્યુબ, ટ્વીટર તથા લાઇવ સ્ટ્રીમીંગ સર્વર ઉપર દર્શનનો લાભ લઇ શકશે.
ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે લાઇવ વેબકાસ્ટીંગમાં માતાજીની સવાર-સાંજની આરતી, સમયાંતરે માતાજીના દર્શન, ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, ગબ્બર દર્શન, નૃત્ય મંડપ, યજ્ઞશાળામાં થનાર કાર્યક્રમ તેમજ ગત વર્ષના સાંસ્કૃતિક કાર્યક્રમોનું સવારે-૭.૩૦ થી મંદિર મંગળ થાય ત્યાં સુધી ઓનલાઇન જીવંત પ્રસારણ કરવામાં આવશે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલ યજ્ઞ શાળામાં સાત દિવસ સુધી હોમાત્મક સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવશે. ૫૧ શક્તિપીઠના તેમજ યજ્ઞશાળાના બ્રાહ્મણો દ્વારા આ મહાયજ્ઞ કરવામાં આવશે. ૪૦ બ્રાહ્મણો ૫ દિવસ સુધી રોજના ૧,૦૦૦ ચંડીપાઠ કરશે. વિશ્વશાંતિ અર્થે ૧૦ લાખ જપ કરવામાં આવશે. ઉલ્લખેનીય છે કે, અગાઉ દેવસ્થાન ટ્રસ્ટમાં ૧૯૯૪માં શિખર કળશ સ્થાપન સમયે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞનો આધાત્મિક મહિમા અને મહત્વ અજોડ છે.
તા.૨૭/૦૮/૨૦૨૦, ગુરૂવાર દિવસથી માતાજીની મૂર્તિનો મહાભિષેક કરી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો શંખનાદ કરવામાં આવશે. તેમજ તા.૦૨/૦૯/૨૦૨૦, બુધવાર સાંજે-૪.૩૦ કલાકે પૂર્ણાહુતિ અને મહાઆરતી કરવામાં આવશે.
ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે દૂર દૂરથી લાખો યાત્રિકો પદયાત્રા કરીને અંબાજી આવી માતાજીના ચરણોમાં મસ્તક જુકાવી ધન્ય બનતા હોય છે પરંતું આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો બંધ હોવાથી અંબાજી ટ્રસ્ટ દ્વારા કરાયેલ લાઇવ ટેલીકાસ્ટની વ્યવસ્થાને લીધે દેશભરમાં અને વિદેશોમાં વસતા કરોડો માઇભક્તો ઘેરબેઠા પણ માતાજીના દર્શન કરી શકશે. અત્રે નોંધનીય છે કે, રજીસ્ટર થયેલા સંઘોને અને જે સંઘોની માંગણી આવી છે તેવા જરૂરીયાત સંઘોને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં પૂજન અર્ચન કરેલ ૧૪૦૦ ધજાઓ ભાદરવી પૂનમીયા સંઘ ટ્રસ્ટ મારફત ગત તા.૨૧ ના રોજ મોકલવામાં આવી છે. લાઈવ ટેલીકાસ્ટના સમાચારથી માઈભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે.

TejGujarati