?’….અને અચાનક….’ *વિરાજ*

કલા સાહિત્ય ભારત સમાચાર

‘ક્યાંક રમણીય પણ અજાણી એ જગ્યા હતી. સુહાની ત્યાં જઈને ખૂબ જ ખુશ હતી. પહાડો, વૃક્ષો, પક્ષીઓ વરસાદી મોસમમાં બધું જ બહુ જ મનમોહક લાગી રહ્યું હતું. અને સુહાની પણ આસમાની કલરના પંજાબી સૂટમાં જાણે આખ્ખુ આસમાન ઓઢીને નીકળી હોય એટલી સુંદર દેખાતી હતી. તે પ્રકૃતિની સુંદરતામાં ધીરે ધીરે વહેતી જતી હતી. પહાડો વચ્ચે પ્રગટેલી હરીયાળી પ્રકૃતિને માણતી આગળ વધતી હતી.

એને થતું હતું કે, કાશ…. અત્યારે મારી સાથે કોઈ મારું વ્હાલું હોત…તો આ જગ્યા વધારે રમણીય થઈ જાત. આમ જ એ પ્રકૃતિને પોતાની મોટી આસમાની આંખોથી પીતી જતી હતી. ને ત્યાં અચાનક એને એવું લાગ્યું કે, કોઈ એને અથડાયું. એણે પાછા ફરીને જોયું તો એક યુવાન હાથમાં ગીફ્ટપેકની સાથે ઉભો હતો.એણે યુવાન ની સામે જોયું. સાવ અજાણ્યો ચહેરો અજાણી જગ્યામાં અજાણી વ્યક્તિનું આ રીતે અથડાવું થોડો ભય અને રોમાંચ અને ઘણું બધું કુતૂહલ…
યુવાન જેવી રીતે તેની સામે જોતો હતો જાણે એ સુહાનીને ઓળખતો હોય. એની આંખોમાં આંખો મિલાવી ને સુહાનીએ એને પૂછ્યું, “મિસ્ટર શું વાત છે?” સામેવાળો યુવાન પણ આ કરડાકી ભર્યો અવાજ સાંભળી અને દેખાવ અને અવાજના આ વિરોધાભાસને જોઈને જાણે અવાચકથઈ ગયો. નખશિખ રૂપાળી એવી સુહાની ને અવાજ અને અંદાજ આટલાં રુક્ષ.. પણ તે છતાં પણ એ આગળ વધ્યો અને એના હાથમાં જે ગિફ્ટપૅક હતું તે ” આ તમારા માટે છે” આટલું બોલીને તરત જતો રહ્યો. સુહાની હજુ કંઈ સમજે એ પહેલાં ઝબકારાની ઝડપે પહાડોની ગિરિમાળાઓ ની વચ્ચે અલોપ થઈ ગયો. બે ઘડી સ્તબ્ધ થયેલી સુહાની ‘શું છે આની અંદર?’
‘અત્યારે ખોલી નાખું?’ આવું વિચારતી જલ્દીથી કોટેજ તરફ ગતિ વધારીને ચાલવા લાગી. એને ભાગીને પહોંચવું હતું.
એ બોક્સમાં રહેલી ગીફ્ટ જોવી હતી .એ હજુ કૉટેજની સીડી પર પહોંચી હતી ને એને કોઈ અથડાયું.
ફરીથી એ જ અહેસાસ. ને હજુ એ કંઈ સમજે એ પહેલાં એના કાનમાં અવાજ અથડાયો, “આમાંજે છે એ ખાસ સાંભળી લેજો તમારા માટે જ છે.” અને સુહાની એને જુવે એ પહેલાં એ ગાયબ…
અચાનક આવી ભીની સાંજે જેમાં ઠંડક પ્રસરી હતી, એવામાં સુહાનીના ચમકતા તેજ ગૌરવર્ણ કપાળ પર પ્રસ્વેદબિંદુઓ ચમકવા લાગ્યા.. તેનો શ્વાસ ઝડપી થઈ ગયો.. ફટાફટ દુપટ્ટાથી એને પરસેવો લૂછ્યો અને કંઈક અવઢવભરી પરિસ્થિતિમાં પોતાના રૂમમાં દાખલ થઈ. અને કંઈક ઉતાવળેજ ગીફટપૅક ખોલી કાઢ્યું..અને જોયું તો અંદર એક પેનડ્રાઈવ હતી. સુહાનીએ પોતાના લેપટોપમાં એ લગાવી અને ઈયરફોન લગાવ્યા સાંભળવા માટે. શરૂઆતની ૧૦ સેકન્ડ સુધી કાન માં આવેલા પડદાને ચીરી નાખતો સન્નાટો હતો… અને અચાનક ” ખબરદાર….
જો કલ્યાણી વિશે કંઈ બોલી તો… બાકી તારી હાલત પણ કલ્યાણી જેવી થશે…”
આટલું સાંભળતા જ આખા રૂમમાં ગભરાટ પ્રસરી ગયો… સુહાની તો દિગ્મૂઢ થઈ ગઈ. તેને થયું કે ‘આ શું છે’?? ‘આ કલ્યાણી કોણ છે?’ ‘મને આવી ધમકી કેમ આપવામાં આવી?’
એ અવાજ એટલો કડક હતો કે એક જ ક્ષણમાં સુહાનીના દિમાગમાં એકસાથે સવાલોનું ઘોડાપૂર આવી ગયું…
પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો પોતાના ઘરનો. પોતાના આપ્તજનોનો. એણે ઘરે ફોન લગાવ્યો, પણ ખબર નહિ શું થયું હતું કે રીંગ જ જતી હતી ..એ પોતાના મનની વાત કહેવા માંગતી હતી..
પણ ફોન કનેક્ટ ના થયો.
પછી એણે વિચાર્યું કે ‘આ ગીફ્ટ જે મને આપી ગયો છે તેને હું ઓળખતી નથી, ને ના હું કલ્યાણીને ઓળખું છું, તો હું શું કામ ડરુ?? ‘ ‘પણ પોલીસને જાણ કરી દઉ,જેથી આ વિષયમાં તપાસ થાય’..
કાનૂની ઔપચારિકતા પતાવીને
સુહાની ઘરે આવવા માટે પાછી ફરી. સુહાની પોતાના ઘરે આવી અને થોડા સમય પછી રીલેક્સ થઈને બેઠી હતી..તે રૂમમાં સિંહનું પોસ્ટર હતું ..અચાનક સુહાનીએ જોયું તો નિર્જીવ પોસ્ટરમાંના સિંહનો ચહેરો હલી રહ્યો હતો.. આ જોઈને સુહાની ને કંપારી છૂટી ગઈ..એની રાડ ફાટી ગઈ અને ઘરના લોકો દોડી આવ્યા. સુહાનીએ ઈશારાથી પોસ્ટર બતાવ્યું ને પરિવારે પણ જોયું ને બધાં ડરીને ભાગીને પૂજારૂમમાં આવી ગયાં અને ભગવાનનું નામ લેવા માંડ્યા અને એમ જ સવાર પડી .. સવારે પોસ્ટર શાંત હતા ક્યાંય કશીજ ધમાલ નહોતી..સુહાનીએ ઊંડો શ્વાસ લીધો. દિવાલ પર લાગેલું પોસ્ટર પણ શાંત હતું.
એટલે સુહાની એ પોસ્ટરને નજીકથી જોતી હતી, અને અચાનક પોસ્ટરમાંના સિંહમાં હલચલ થવા લાગી, તેના મોંઢામાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. આ જોઈને સુહાની બોલી જ નથી શકતી ત્યાં પોસ્ટર માંથી અવાજ આવે છે “તને કહ્યું હતું ને કે, કલ્યાણી માટે કોઈને કશું કહીશ નહિ.નહીં તો કલ્યાણી જેવીજ તારી હાલત થશે.” અને સિંહે ગર્જના કરી, અને સુહાની અચાનક સફાળી જાગી ગઈ………
*-વિરાજ*
તા.૨૩/૮/૨૦૨૦

TejGujarati