? *અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધી… કોરોના કાળમાં ૧૮૦૦થી વધુ સગર્ભાઓની સલામત પ્રસૂતિ અને ૧૦૦ થી વધુ ગાયનેક સર્જરી કરાઈ*

સમાચાર

અમદાવાદથી નજીક હેબતપુરમાં રહેતા દિપીકાબેનને રાત્રે પ્રસૂતિની પીડા ઉપડી…દિપીકાબેનને HRCT ટેસ્ટમાં ગ્રેડ ૪ જણાતા કોરોનાનું ગંભીર સંક્રમણ હોવાથી ખાનગી તબીબોએ સોલા સિવલમાં પ્રસૂતિ માટે મોકલ્યા… હોસ્પિટલ તંત્રએ દિપીકાબેનને ગાયનેક વિભાગમાં ઇમરજન્સીમાં દાખલ કર્યા… રાત્રિ સમયમાં ઇમરજન્સીમાં સારવાર અર્થે આવેલા દિપીકાબેનને શસ્ત્રક્રિયા કરીને પ્રસૂતિ કરવાની જરૂરિયાત ઉભી થતા સિનિયર તબીબ સ્વાતી પટેલ અને તેમની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી અને દિપીકાબેનને ત્યાં બાળકીનો જન્મ થયો… અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના હેબતપુર વિસ્તારમાં રહેતા દિપીકાબેનને અગાઉ પણ બે બાળકો વખતે શસ્ત્રક્રિયા કરીને પ્રસૂતિ કરાવવામાં આવી હતી પરંતુ આ વખતે કોરોના પોઝીટીવ થવાની સાથે સીઝેરીયન હોવાથી પ્રસૂતિ ગંભીર બની રહી હતી પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં તેમની સફળતાપૂર્વક સર્જરી કરાઈ…’ કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીનું સીઝેરીયન કરવું પડ્યુ હોય તેવો સોલા સિવિલના ગાયનેક વિભાગ માટે આ પ્રથમ કિસ્સો હતો.

‘કોરોના’ આ શબ્દ કદાચ આજે વિશ્વ આખામાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ છે. આ એક શબ્દએ લોકોની જીવનશૈલી, માનસિકતા, પરિસ્થિતી એમ બધુ જ બદલી નાખ્યુ છે…આજ રીતે ‘સલામત પ્રસૂતિ તો માત્ર મોટી અને ખાનગી હોસ્પિટલોમાં જ થઈ શકે તેવી ખોટી માન્યતા પણ બદલાઈ છે…’ આ વાતની પુષ્ટિ કરતી ઘટના એટલે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં થયેલી ૧૮૦૦ થી વધુ સલામત પ્રસૂતિ… તેમાં પણ ૬૦ જેટલી કોવિડ પોઝીટીવ સગર્ભાઓ સારવાર અર્થે દાખલ થઇ અને તેમાંથી ૩૦ થી વધુ કોવિડ પોઝીટીવ સગર્ભાઓની પ્રસૂતિ કરાવવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં આ એક નોંધનીય સિધ્ધી છે.

રાજ્યમાં લોકડાઉન લાગુ થયું ત્યારથી આજદિન સુધીમાં સોલા સિવિલના ગાયનેક વિભાગ દ્વારા ૧૮૦૦ થી વધુ પ્રસૂતિ કરવામાં આવી છે. જેમાં સામાન્ય પ્રસૂતિ , સીઝેરીયન (શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ) અને જટિલ પ્રકારની પ્રસૂતિનો સમાવેશ થાય છે. તેની સાથે સાથે જટિલ પ્રકારની ૧૦૦ થી વધુ ગાયનેક સર્જરી કરવામાં આવી છે. જેમાં સગર્ભાની કેન્સરને લગતી સર્જરી હોય, ગર્ભ નળીની બહાર રહી જાય તેવી સ્કારેકટોપિક સર્જરી, સીઝેરીયન સર્જરી તેમજ ઇમરજન્સીમાં કરવી પડતી અતિ જટિલ સર્જરીઓનો સમાવેશ થાય છે.
સોલા સિવિલના ગાયનેક વિભાગના વડા અને રાજ્ય સરકારમાં કોરોના પ્રોક્યોરમેન્ટ સાધનોના સપ્લાય કમીટીના મેમ્બર ડૉ. અજેશ દેસાઇ કહે છે કે, ‘રાજ્ય સરકારમાં કોવિડ દરમિયાન ગાયનેક વિભાગ માટે કાર્યરિતિના દિશાનિર્દેશો અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસની મહામારી વચ્ચે ગાયનેક વિભાગે કઇ રીતે કાર્ય કરવું તેના તમામ પાસા આમાં સાંકળી લેવામાં આવ્યા હતા, અને એ જ પ્રમાણે સમગ્ર રાજ્યમાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓની પ્રસૂતિ માટેની સારવાર પધ્ધતિ અનુસરવામાં આવી રહી છે…’

સોલા સિવિલની લોકડાઉન દરમિયાનની ગાયનેક વિભાગની કામગીરી વિશે જણાવતા ડૉ. દેસાઇ કહે છે કે, ‘ સોલા સિવિલમાં ૨૪*૭ કામગીરી કરવામાં આવે છે. અમારા ૩ રેસીડેન્ટ તબીબો ખડેપગે અવિરત સેવાઓ આપે છે. કોઈપણ સગર્ભા જ્યારે કોવિડ પોઝીટીવ થઇને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં આવે છે ત્યારે તેમની તમામ સર્જરી-સારવાર સિનિયર તબીબો દ્વારા હાથ ધરવામાં આવે છે…’

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાગ્રસ્ત સગર્ભા કે શંકાસ્પદલક્ષણો ધરાવતા સગર્ભા દર્દીને જ્યારે સીઝેરીયન (શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ )ની ફરજ પડે ત્યારે આવા દર્દીને સીધા કોરોના વોર્ડમાં જ દાખલ કરવામાં આવે છે. આની ગંભીરતા સમજાવતા ડૉ. દેસાઇ કહે છે કે, ‘આવા દર્દીઓમાં ઓક્સીજન સેચ્યુરેશન એટલે કે SPO2 ઓછુ હોવાના કારણે જટીલતા ઘણી રહેલી હોય છે. તેમાં સતત રક્તસ્ત્રાવ વધવાની સંભાવના પ્રબળ હોય છે. જે સ્થિતિ માતા અને બાળક બંને માટે જોખમી બની રહે છે…ત્યારે અમારી જવાબદારી વિશેષ બને છે…’એમ તેઓ ઉમેરે છે…કોરોનાકાળમાં અત્યાર સુધીમાં કોરોના નેગેટીવ ૧૫ થી વધુ દર્દીઓમાં લેપ્રોસ્કોપી સર્જરી પણ ગાયનેક વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંકલન :: હિમાંશુ ઉપાધ્યાય.

TejGujarati