રિમિક્સ’ અને ‘રીક્રીએટ’નો જમાનો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ સમાચાર

રિમિક્સ’ અને ‘રીક્રીએટ’નો જમાનો છે, થોડું ઓરીજીનલ અને થોડું નવું પોતાનું એ તેની ફોર્મ્યુલા છે. આજે મને અકબર-બીરબલના નામે એક વાર્તા ફરે છે તેને ‘રીક્રીએટ’ કરવાનો મૂડ આવ્યો છે! ચાલો મારુ નવું વર્ઝન સંભળાવું. એકવાર અકબરે બીરબલને એક બકરો આપ્યો અને કહ્યું ‘આ બકરા માટેનો ઘાસ-ચારો શાહી ગમાણમાંથી આવશે અને મારા સિપાહીઓ તું એ પુરે-પુરો બકરાને ખવડાવે તેનું ધ્યાન રાખશે. એક મહિનાના આ નિત્યક્રમ પછી ભર્યા દરબારે આ બકરાનું વજન થશે અને જો એનું વજન વધશે તો તને એક વર્ષની સખત જેલ થશે! અને હા, આ વખતે બકરાની સામે સિંહ-વાઘ એવું બાંધવાની(મૂળ વાર્તા મુજબ) ચાલાકી કરવાની નથી’ બિરબલની મનોમન ઈર્ષ્યા કરતા દરબારીઓએ તો અકબરની આ વાત વધાવી લીધી, શાહી ઘાસચારો ખાઈને બકરાનું વજન ના વધે તેવું થોડું બનશે, આ વખતે તો બીરબલને કારાવાસ નક્કી છે. એક વૃદ્ધ કારભારીએ સંદેહ વ્યક્ત કર્યો ‘જહાંપનાહ ગુસ્તાખી માફ, બીરબલ બકરાને બીમાર પાડી દે તો?!’ અકબરે તાત્કાલિક પશુચિકીત્સકને રોજ બકરાની તબીબી સંભાળ લેવાનો હુકમ કર્યો.
બીજા દિવસથી બીરબલના ઘરે બકરાનું રૂટિન શરુ થઇ ગયું. શાહી ગમાણમાંથી પુષ્કળ તાજો પોષ્ટીક ચારો આવે અને બકરો આખો દિવસ ખાધા કરે. આટલું ઓછું હોય એમ રોજ પશુચિકીત્સક આવીને બકરાની તપાસ કરી જાય અને બકરાની ઈમ્યૂનિટી વધે એ માટેના ઔષધો ખવડાવતો જાય! સ્વાભાવિક રીતે જ બકરો તાજોમાજો થવા લાગ્યો અને બે-પાંચ દિવસમાં જ એનું વજન વધવા માંડ્યું. બીરબલને ફિકર પેઠી કે આ રીતે જ જો બકરો અલમસ્ત થતો જશે તો પોતાનું જેલ જવું નક્કી છે. ઘણું વિચાર્યા બાદ એના ફળદ્રુપ ભેજામાં એક યુક્તિ આવી અને તેણે એ અમલમાં મૂકી. મહિના પછી ભર્યા દરબારમાં બકરાનું વજન કરવામાં આવ્યું, સૌના આશ્ચર્ય વચ્ચે બકરાનું વજન વધવાનું તો દૂર ઉપરથી ઘટ્યું! દરબારીઓમાં ગણગણાટ શરુ થયો કે નક્કી આમાં બીરબલની કોઈ ચાલ છે, બધાએ અકબરને આ કેવી રીતે શક્ય બન્યું તેનો ખુલાસો કરવાનો હુકમ કરવાની વિનંતી કરી. અકબરની આંખોમાં પણ સંદેહ હતો, તે પામીને બીરબલે કહ્યું ‘જહાંપનાહ, આમાં મારી કોઈ ચાલાકી નથી. હું અને મારી પત્ની, રોજ રાત્રે બકરો સાંભળે એ રીતે, ગુસપુસ કરતા હતા કે બાદશાહ બકરાની આટલી ખાતિરદારી એટલા માટે કરે છે કે મહિનો પૂરો થાય પછી એને વધેરવામાં આવે ત્યાં સુધીમાં એ અલમસ્ત થઇ ગયો હોય! બકરાના મનમાં ફડક પેઠી અને ખાધેલું વળવાને બદલે ચિંતામાં શરીર ગળવા માંડ્યું!’
************
‘મોરલ ઓફ ધ સ્ટોરી’ તમારી આજુ-બાજુનું વાતાવરણ-પોષણ ગમે તેટલું સારું હોય, તમારી ફિઝિકલ ઇમ્યુનીટી ગમે તેટલી મજબૂત હોય પરંતુ જો તમારું મન ચિંતાગ્રસ્ત હોય, ભયમાં હોય કે તણાવમાં હોય તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થયા વગર રહેતી નથી. તમારું પોષણ, ઇમ્યુનીટી બુસ્ટર્સ અને ફિઝિકલ ઇમ્યુનીટી બધું કોરાણે રહી જાય છે. જેવી બકરાને આવનારા ભવિષ્યની ફડક પેઠી કે એ અંદરથી ગળવા માંડ્યો, ઉત્તમ પોષણ-રોગપ્રતિકારક ઔષધો છતાં! દેખીતી રીતે નિરોગી પરંતુ અંદરથી અસ્વસ્થ! તમારી આજુબાજુમાં પણ આવા ઘણા કિસ્સાઓ મળશે, બધા રિપોર્ટ નોર્મલ અને છતાં બીમાર!!
ચિંતા, ભય, તણાવ, અસલામતી વગેરે રોજિંદા જીવનનો ભાગ છે અને તેના વગરનું જીવન એક ભ્રમણાથી વિશેષ કઈં ના હોઈ શકે. (એ વાત અલગ છે કે બધા આ વાત સહજતાથી સ્વીકારતા નથી.) તેની તમારા સ્વાસ્થ્ય પર થતી અસરો અટકાવવા તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી સિવાય બીજું કશું કામ નથી લાગતું. સતત ચિંતાઓ, તણાવ, અજંપો વગેરે તમારા શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે કે મગજમાં ન્યુરો-કેમિકલ્સના લેવલમાં ગરબડ પેદા કરી દે ત્યારે બચાવમાં આ સાયકોલોજીકલ ઇમ્યુનીટી જ મદદમાં આવતી હોય છે. આપણે ગયા સપ્તાહે સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત બનાવવા માટે જરૂરી બાબતોની વાત કરતા કરતા આપણે મેન્ટલ ડાયજેશન પર અટક્યા હતા. માનસિક પાચનશક્તિ – મેન્ટલ ડાયજેશન એટલે વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતા વગેરે પચાવવાની તાકાત! જો તમારી આ પાચનશક્તિ સારી હોય તો તમારું મન કોઈપણ બાબતનો સ્વીકાર સહજતાથી કરી શકે છે અને તમને ખબર જ હશે કે મનને મજબૂત બનાવતી કોઈપણ પ્રક્રિયાની શરૂઆત સ્વીકાર – એક્સેપ્ટન્સથી જ શરુ થતી હોય છે. આ સ્વીકૃતિ જ તમને ‘બાઉન્સ બેક’ થવા માટે પ્લેટફોર્મ પૂરું પડે છે. ઘણી વ્યક્તિઓ તો જીવનમાં આવેલી હકીકતો પચાવી જ નથી શકતી. સરવાળે, સતત દુઃખમાં રહે અથવા ફરિયાદ કરતા રહે અને આ સંજોગોમાં તેમની ઇમ્યુનીટી પર નકારાત્મક અસર પડતી હોય છે, જેને કારણે તેમના આરોગ્ય સામે ખતરો મંડાતો હોય છે. મુશ્કેલીઓ જીવનમાં બદલાવ લાવતી હોય છે, હાલમાં આ બદલાવને આપણે ન્યુ-નોર્મલ એવું રૂપકડું નામ આપ્યું છે. જેટલી સહજતાથી કોઈ બદલાવને સ્વીકારીને તમે નવું અનુકૂલન સાધી લો છો તેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત થતી જાય છે અને એથી ઉલટું, જેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત તેટલી વધુ સરળતાથી તમે ન્યુ-નોર્મલને એડજસ્ટ થઇ જાવ છો!
તમે સમુદ્રમાં બોટ હંકારતા હોવ ત્યારે તમારી દિશા અંગે સ્પષ્ટ હોવું સૌથી મહત્વનું હોય છે. દિશા અંગે અસ્પષ્ટ હોવ તો અગાધ સમુદ્રમાં ભટકી જતા વાર નથી લાગતી. પણ જો તમે તમારી દિશાને સ્પષ્ટતાથી વળગી રહો છો તો ગમે તેવા તોફાનને અંતે પણ મંઝિલ પર પહોંચી જાવ તે શક્ય છે. જીવનમાં પણ એવું જ છે, જે વ્યક્તિઓના મનમાં પોતાના જીવનનો ઉદ્દેશ સ્પષ્ટ હોય છે તે ગમે તેટલી મુશ્કેલીઓમાં પણ વિચલિત થયા વગર પોતાની સફર ધારી દિશામાં ચાલુ રાખી શકે છે, બાકીના દિશાશૂન્ય દશામાં ચકરાવે ચઢી જાય છે. જીવનનો ઉદ્દેશ સ્પષ્ટ હોવો એટલે કે તમારી પાસે લાઇફનો પરપઝ હોવો એ તમારી માનસિક રોગપ્રતિકારક્તાને મજબૂત બનાવતી બાબત છે. ‘દિવસો કાઢીએ છીએ’ એવી માનસિકતામાં જીવતા લોકો કરતા ‘મારે હજી જીવનમાં ઘણું કરવું છે’ એવી માનસિકતા ધરાવતા લોકો જીવલેણ બીમારીઓને ટક્કર આપીને પાછા મેદાનમાં આવી જતા હોય છે. એમની આ ફાઇટ-બૅક ક્ષમતાના મૂળમાં તેમની આ પ્રકારની માનસિકતાથી કેળવાયેલી મજબૂત સાયકોલોજીકલ ઇમ્યુનીટી હોય છે! દુનિયાના સૌથી આરોગ્યપ્રદ વિસ્તાર તરીકે જાહેર થયેલા જાપાનના ઓકિનાવા ટાપુ પરના વૃદ્ધોની તંદુરસ્તીનું આ જ તો રહસ્ય છે! ત્યાં સો વર્ષથી મોટી ઉંમરના લોકોનું મ્યુઝિક બેન્ડ છે!! કરો ગૂગલ અને શોધી રાખો, આગળ વાત આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ…
પૂર્ણવિરામ: હેતુ વગર જીવતા લોકો જીવન પસાર કરે છે, જયારે ચોક્કસ હેતુ સાથે જીવતા લોકો જીવન જીવે છે!

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •