હવે પાછો તું આવી જાને કાન્હા. – મિતલ ખેતાણી રાજકોટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

હવે પાછો તું આવી જાને કાન્હા
વાદો તારો તું નિભાવી જાને કાન્હા

તે કિધું તું કે જન્મીશ હું યુગે યુગે
સજજનોને તું બચાવી જાને કાન્હા

ગાયો તારી રખડે રસ્તે ને કપાય પણ
ગોવાળધર્મ તું બજાવી જાને કાન્હા

પોતાનાં જ ગોવર્ધનો નીચે દબાયાં સૌ
ટચલી આંગળી તું ઉઠાવી જાને કાન્હા

સુદામા તારો અટવાયો નોકર શાહીમાં
દ્વારે આવીને તું ચલાવી જાને કાન્હા

વાંસળી સૂર થયો છે બહેરો કળીયુગે
હવે સુદર્શન તું ચલાવી જાને કાન્હા

પાંડવોને ય હવે ખપે માત્ર અક્ષોહીણી
તારું મહત્વ તું સમજાવી જાને કાન્હા

તારાં જ ભકતો લડે છે તારાં જ નામે
યાદવાસ્થળી તું અટકાવી જાને કાન્હા

સટૃો, કુસંગ, લાલચ છે અધોગતિનું મૂળ
યુધિષ્ઠરને સત્ય તું બતાવી જાને કાન્હા

વિભીષણ જેમ કર્ણ, ભીષ્મ કરે છે પક્ષપલ્ટો
સતાનું નવું ગણિત તું સમજાવી જાને કાન્હા

કોરોના, ભૂકંપ, યુધ્ધથી ત્રાહિમામ છે વિશ્વ
રામ રાજય પાછું સ્થાપી જાને કાન્હા

મિતલ ખેતાણી (રાજકોટ, મો.૯૮ર૪ર ર૧૯૯૯) ના કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી

TejGujarati