*અમદાવાદ અખંડાનંદ આયુર્વેદિક કોલેજની કોરોના સામે ઝાઝા મોરચે લડાઈ, કોવિડ હોસ્પિટલ્સમાં ફરજ, શહેરમાં ઔષધી-ઉકાળા વિતરણ,ઓ.પી.ડી અને ઓનલાઇન શિક્ષણકાર્યનો સંગમ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે: પ્રધાન આયુર્વેદાચાર્ય ડૉ. હર્ષિત શાહ
અમદાવાદ: શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ એની ગોદમાં રમે છે. અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રાધ્યાપક તબીબોએ આ વાત સાબિત કરી બતાવી છે. કોલેજના આયુર્વેદાચાર્યોએ કોરોના સામેની બહુઆયામી લડાઈ લડી બતાવી છે.
અખંડાનંદ આયુર્વેદિક કોલેજ ખાતે તબીબ નર્સ સહિત ૧૦૦ જેટલા કર્મચારીઓ કાર્યરત છે. જેમાંથી ૩૫ જેટલા તબીબો ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને એસ.વી.પી. હોસ્પિટલમાં વારાફરથી કાર્યરત છે. આ ઉપરાંત ૬૧ જેટલા પી.જી. સ્કોલર્સ (અનુસ્નાતક વિદ્યાર્થીઓ) પણ કામગીરીમાં જોડાયા છે. તેઓ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઉપચાર-સારવારમાં રત છે. આ તબીબો સોલા સિવિલમાં ૭૯૧ કોરોનાગ્રસ્ત દર્દીને, ૧૨૦૦ બેડમાં ૧૯૦૩ દર્દીઓને તથા એસ.વી.પી.માં ૧૩૦૧ કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર આપી ચૂક્યા છે.
અખંડાનંદ આયુર્વેદ કોલેજ દ્વારા શહેરના તમામ વોર્ડમાં આયુર્વેદીક ઔષધિ વિતરણ કરવામાં આવ્યું છે. આજ દિન સુધિ લગભગ ૨.૨૫ લાખ ઉકાળા-ઔષધિ અને કોવિડ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ ખાનગી-જાહેર સંસ્થાઓના કર્મચારીઓને પણ ઔષધી-ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે. ઔષધિ વિતરણ બાદ કોલેજ તરફથી ફોન કરી તેનો પ્રતિભાવ (ફોલોઅપ) પણ લેવામાં આવે છે. જરૂર જણાયે વ્યક્તિ સાથે ફોન પર જ પરામર્શ કરી તેની માર્ગદર્શન આપવામાં આવે છે.
અખંડાનંદ આયુર્વેદ કોલેજ ખાતે ઓ.પી.ડી. પણ સતત કાર્યરત રહી છે. લોકડાઉનથી આજ દીન સુધી ૪૫૦૦થી વધારે લોકો અત્રેની ઓ.પી.ડી. સેવાનો લાભ લઈ ચુક્યા છે.
નોંધપાત્ર બાબત એ છે કે, કોરોનાના આ કપારા કાળમાં તમામ ઉક્ત કામગીરી વચ્ચે પણ કોલેજમાં શિક્ષણકાર્ય થંભ્યું નથી. વિદ્યાર્થિઓને ઇન્ટરનેટના માધ્યમથી આયુર્વેદના પાઠ ભણાવાઇ રહ્યા છે.
અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રધાન આયુર્વેદાચાર્ય ડૉ. હર્ષિત શાહ જણાવે છે કે, આયુર્વેદમાં માંદા શરીરને સાજા કરવાની ઉપચાર પધ્ધતિઓની સાથે-સાથે શરીરને નિત્ય નિરોગી રાખવાનું વિજ્ઞાન પણ છે. શરીરમાં રોગ પ્રવેશે જ નહીં અને પ્રવેશે તો તેનો યોગ્ય પ્રતિકાર થાય તે મુજબ આહાર-વિહાર આયુર્વેદ શિખવે છે. આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે. કોવિડ હોસ્પિટલ્સમાં ફરજ, શહેરમાં ઔષધી-ઉકાળા વિતરણ, ઓ.પી.ડી અને ઓનલાઇન શિક્ષણકાર્ય થકી અખંડાનંદ આયુર્વેદિક કોલેજ કોરોના સામે જાજા મોરચે લડાઈ લડી રહી છે.

TejGujarati