એક સત્ય ઘટના : દારૂએ બચાવ્યા 5 મુસ્લિમોનાં જીવ. – આસિફ લાલીવાલા.

ગુજરાત બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ઘટના 2002ની કડવી-મીઠી યાદ:

હું નામે પરાગ શાહ, પાલડી અમદાવાદ નો નિવાસી 2002 નાં કોમી તોફાનો દરમિયાનની એક સત્ય ઘટનાને ઉજાગર કરવા માંગું છું. કે જેમાં હું સંકળાયેલો હતો.
ગોધરાકાંડની ઘટનાના પડઘા સ્વરૂપે 28- 2- 2002 ના રોજ ગુજરાત બંધનું એલાન,ધંધા – રોજગાર, ઓફિસો, કચેરીઓ તમામ બંધ, કોમી હુતાશનનો રાક્ષસ ધૂણી રહ્યો હતો. એ દિવસો દરમિયાન મારા શોખ અને સ્વભાવ મુજબ (જે હવે નથી) સવારના ૧૧ થી બપોરના બે વાગ્યા સુધી શરાબનું સેવન કર્યા બાદ પાલડી ભઠ્ઠા ખાતે આવેલ હોટલોમાં લાગેલ આગને કારણે આજુબાજુની ઓફિસોને આગની લપેટમાં થી બચાવવાના કાર્યમાં ( દારુ નાં નશામાં ) હું પણ જોડાઈ ગયો.

તે દરમિયાન મારા મિત્રના મોબાઈલ પર તેના પિતાનો સંદેશ આવ્યો કે મહાલક્ષ્મી પાંચ રસ્તા પાલડી ખાતે આવેલ શાલીમાર કોમ્પલેક્ષના ત્રીજામાળે ચારથી પાંચ વ્યક્તિ ફસાયેલ છે. ત્યાં જઇ ને જોયું તો શાલીમાર કોમ્પલેક્ષ એન્ટ્રન્સ પર આગ ફેલાયેલ હતી અને ઉપર જવું કે નીચે આવવું લગભગ અશક્ય હતું.
શાલીમાર કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ એક પ્રસૂતિગૃહમાં વિરમગામનુ એક ઘાંચી કુટુંબ કે જેમાં પ્રસૂતા સ્ત્રી, તેણે કલાક પહેલા જન્મ આપેલ એક બાળકી,બાળકીના પિતા ,બાળકીના દાદી અને નાની એમ પાંચ વ્યક્તિઓ હતી. વિધિનાં વક્રતા હતી કે તેઓ મુસ્લિમ હતા.
મહાલક્ષ્મી પાંચ રસ્તા ખાતે એકઠું થયેલ 1000 થી 1500 માણસોનું ટોળું , “સોંપી દો ” “સોંપી દો”ના નારા લગાવીને ધ્રુજારી ફેલાવી દે તેવી ઘટનાને અંજામ આપવાના મૂડમાં હતું.
ગોધરાકાંડની ઘટના નો માત્ર 24 કલાક,તાજો ધા, હિન્દુ તરીકે ની ભાવના, તંગ વાતાવરણના કારણે મગજમાં મુસ્લિમોની વિરુદ્ધનું ભરાયેલું ઝનૂન વગેરેને ધ્યાનમાં રાખતા પાંચ મુસ્લિમોને બચાવવું અઘરું હતું .

પરંતુ કહેવાય છે કે દારૂના નશામાં ચકચૂર વ્યક્તિની જબાન અને વર્તણુંક માં સચ્ચાઈ હોય છે. એ કહેવત ને સાર્થક કરતી વર્તણૂક ભગવાન મારા દ્વારા કરાવવા માંગતા હતા. અને હિંસક ટોળાં ના ક્રોધનો જરા પણ વિચાર કર્યા વગર પાંચેય મુસ્લિમોની (કે જેમાં એક કલાક પહેલા જન્મેલ બાળકી હતી તેનું શું વાંક? એ વિચાર મુખ્ય હતો ) સાલીમાર કોમ્પ્લેક્સ ની ત્રીજા માળ થી યેનકેન પ્રકારે પાછળ ના ભાગે થી ઉતારી ને ત્યાં આવેલી એક ગલી કે ( જ્યાં વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસ આવેલ છે) માં લઇ ગયો. ત્યાં એક ફ્લેટ નાં એક ભાઈએ
તેમની એક ૧૧૮ NEકાર આપી. અન્ય એક બહેને મુસ્લિમ બહેનોના કપાળે ચાંદલો કરી આપ્યો. કે જેથી તે તેમની ઓળખ છુપાવી શકે, અને જુહાપુરા મુકામે આવેલા તેમના સગા કે ઘાંચી પરિવારના ઘરે સહીસલામત પહોંચી શકે.

મહાલક્ષ્મી પાંચ રસ્તા થી જુહાપુરા સુધીની સફર (કે જેની પાછળની સીટ નીચે બાળકીના લાંબી દાઢી ધારી પિતા ને સુવડાવેલ તેમના પર પગ મૂકીને બેઠેલ ચાંદલા ધારી મુસ્લિમ સ્ત્રીઓ ) મારા જીવનની સૌથી લાંબી સફર પુરવાર થઈ. કારણ કે પાંચેય ને સલામતી સાથે તેમના મુસ્લિમ સગાને ત્યાં પહોંચાડ્યા પછી પાછા ફરતી વખતે જીવરાજ પાર્ક પાસે જ કાર બંધ પડી ગઈ. અને જોયું તો પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું. જો પેટ્રોલ થોડું વહેલું ખલાસ થયું હોત તો કદાચ પાંચ જણ નો જીવ પણ ખલાસ થઈ ગયો હોત, તે વાતની યાદ આજે પણ મને ધ્રુજાવી મુકે છે.

આ ઘટના યાદ કરતાં મને એક વિચાર હેરાન કરી જાય છે કે જો એ દિવસે મેં ચિક્કાર શરાબ ન પીધો હોત, તો હું આવો જોખમી છતાં માનવતાસભર કામ કરી શક્યો હોત?
વિધિની વક્રતા તો જુઓ કે જે શરાબનું સેવન તમામ ધર્મોમાં વર્જ્ય જણાવેલ છે. તે શરાબના સેવનના કારણે તમામ ધર્મો માં જેના પાલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે માનવ ધર્મનું પાલન અનાયાસે કરી શક્યો તેને મને અનહદ આનંદ છે.

શરાબના સતત સેવનને કારણે લિવર ફેલ, લિવર ટ્રાન્સપ્લાન્ટનું જોખમી ઓપરેશન, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતુ જીવન, આવી જટિલ સમસ્યામાંથી બહાર નીકળી આજે એક પવિત્ર હિન્દુ તરીકેનું ઉન્નત મસ્તક જીવન વીતાવી રહ્યો છું.

કદાચ વિધર્મી કુટુંબના પાંચ વ્યક્તિઓનું બચાવેલ જીવન મારા જીવનને બચાવવામાં કારણભૂત રહ્યું એવું મારું મક્કમપણે માનવું છે. છેલ્લે એટલું જ કહીશ કે માનવી માનવ થાય તો ઘણું.

કુદરત નો નિયમ છે, કે વાવો તેવું લણો, તે બિલકુલ મારા માટે સાર્થક થઈ – પરાગ શાહ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •