31/07/2020
? *ફરી કુદરતના ખોળે*?
(Non-Fiction)
*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214
*શ્વેતકંઠ ટપશિયું / મુનિયા/ પવઈ મુનિયા/ Euodice malabarica*
*ટૂંકી ડોક લાંબી પૂંછ*
નર મુનિયા અને માદા મુનિયા દેખાવમાં ઘણા સરખા હોય છે. નર મુનિયાનું માથું માદા મુનિયા કરતાં થોડું વધારે પહોળું હોય છે. મુનિયા જયારે નાના બચ્ચા સ્વરૂપે હોય ત્યારે તેમની પૂંછડી ટૂંકી હોય છે. તેનું માથું આછું કથ્થઈ રંગનું હોય છે જયારે તેના શરીરનો નીચેનો ભાગ સફેદ હોય છે. શરીરનો સફેદ ભાગ ચાંચના નીચેના ભાગથી શરુ થાય છે અને છેક અણીદાર પૂંછડીના છેડા સુધી લંબાય છે. તેની પૂંછડી શરીર પાસે પહોળી હોય છે જ્યાં પૂંછડીનો શરૂઆતનો ઉપરનો ભાગ સફેદ હોય છે અને પછી આખી કાળી પૂંછડી છેડા તરફ અણીદાર બનતી જાય છે. તેની પાંખો ઘેરાં કથ્થઈ અને કાળાશ પડતા રંગની હોય છે. દેખાવના કારણે લોકો તેને ઘણીવાર *ઘરચકલી* પણ સમજી બેસે છે.
લગભગ ૧૦ થી ૧૧.૫ સેન્ટિમીટર લંબાઈ (૪ ઇંચથી ૪.૫ ઇંચ) ના આ પક્ષીને ગરદન ટૂંકી હોય છે અને ન જાણનાર લોકો જો નામ જાણતા હોય તેની ટૂંકી ગરદનના તફાવતથી સમજી શકે છે કે તે ઘર ચકલી નથી. લગભગ આખા ભારત વર્ષમાં આ પક્ષી પોતાના નાના નાના ઝુંડમાં દેખાય છે. ભારતના હિમાલય અને ઉત્તર પૂર્વના ભાગમાં તે નથી જોવા મળતા. કચ્છ અને સહારાના રણ જેવા ખુબ ગરમ પ્રદેશમાં પણ જોવા મળે છે. સહારાના રણમાં જે લગભગ આ પ્રકારનીજ મુનિયા છે તે આફ્રિકન મુનિયા તરીકે ઓળખાય છે. મુનિયા સ્વભાવે ખુબજ ચંચળ હોય છે અને સહેજ પણ અવાજ કે ચહલ પહલ જોઈ ફરફર ઉડી જાય. તેનો ફોટો પાડવો સહેલો નથી. તેને લોકો પિંજરામાં પણ પાળે છે જે લગભગ સત્તરમી અને અઢારમી બહુ પ્રચલિત હતું. પાળેલા મુનિયાના ઝુંડના અભ્યાસ ઉપર થી જાણવા મળ્યું છે કે તે પોતાના ઝુંડમાંથી સાથીદાર શોધી લે છે. તે તેના સાથીદાર ની જોડેજ ઉઠે, બેસે અને રહે.
*લાડકવાયી*
*ઉડાન ફરફર*
*પ્રેમ શીખવે*
હાઈકુ: જગત. કીનખાબવાલા
આ શાકાહારી પક્ષીને દાણા/ધાનનો ખોરાક જોઈએ. સામાન્ય રીતે તેઓ લગભગ ૬૦ જેટલા મુનિયા એક ઝુંડમાં રહેતા હોય છે. આ તેમનો સમાજ /કૉમ્યૂનિટી હોય છે. હાલના સાંપ્રત સમયમાં, કે જયારે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વૃક્ષોની સંખ્યા, ઘાસ ઉગતું હોય તેવી ખુલ્લી જગ્યાઓ ખુબજ નહીંવત ગઈ છે તેવા સમયે જ્યાં તે રહી ગયા છે ત્યાં નાના નાના જૂથમાં જોવા મળે છે. આ એવા બગીચા વાળી જગ્યા હોય, ઊંચું ઉગેલું ઘાસ હોય કે ખેતર હોય, જ્યાં તેમને દાણા, પાણી અને વૃક્ષનો આસરો મળી રહે તેવી જગ્યા પસંદ કરે છે. તેની *ત્રિકોણ આકારની ચાંચ* દાણા ખાવા માટે બનેલી છે. તેની ચાંચ વડે તે દાણાનો ભૂકો કરી નાખે છે. જ્યાં ઘાસ ઘણા મોટા વિસ્તારમાં ઉગતું હોય તેવી જગ્યાઓમાં તેમને ઘાસનાં ઉગેલા બીજમાંથી અને વનસ્પતિના બીજમાંથી ખોરાક મળી રહે છે. સૂકા ઘાસમાં રહેવાનું અને માળો બનાવવાનું પસંદ કરે છે.
શહેરી વિસ્તારમાં તેને માટીના વાસણમાં કે બોટલ ફીડરમાં (વિડિઓ) તેને *મનપસંદ ખોરાક કાંગ/ Fox Millet, કણકી ચોખા/ Broken Rice અને બાજરી / Millet* ભેગા કરી આપી શકાય. આમ જુદા જુદા જીણા ધાન ભેગા કરી આપવાથી તેમને શરીર માટે જરૂરી વિવિધ સત્વ મળી રહે છે. આમેય કાંગમાં વધારે માત્રામાં સત્વ હોય છે. રાઈના દાણા જેવી સોનેરી રંગની કાંગને ફોલીને ખાવી પડે. અને કાંગ જેવા ફોલવામાં અઘરા ધાનને ખાવા માટે તેની ચાંચ વડે ખુબજ ઝડપથી ફોલીને ખાઈ લેવાની કાબેલિયત ધરાવે છે. માણસ બે હાથ વડે પણ જે ફોલી ના શકે તેવો ખુબ ઝીણો દાણો અને તે પણ એકલી ચાંચથી ફોલવાનો, પણ મુનિયાને કાંગ મળે તેટલે મજા પડી જાય અને ચપોચપ ફોલીને ખાઈ જાય. આ આવડત કુદરતે તેને આપેલી બક્ષીશ છે. કાંગથી તેની શારીરિક ક્ષમતા વધારે સક્ષમ બને છે. જો આવા બધા ખુબ નાના ધાન એક સાથે બોટલ ફીડરમાં તેમને આપવામાં આવે તો તેમને વધારે માફક આવે છે. મોટા પક્ષી બોટલ ફીડર ઉપર બેસી શકતા નથી. તે કારણે મુનિયાને ખાવા માટે હરીફાઈ ઓછી થઇ જાય અને બોટલ ફીડર ઉપર બેસી હોંશે હોંશે ખાઈ શકે છે. જ્યાં નિયમિત ખોરાક મળી રહે તેવી જગ્યા આસપાસ મુનિયાનું ઝુંડ વસવાટ કરે છે. જમીન ઉપર નાખેલા દાણા પણ આરામથી ખાય છે. પણ તેવા સંજોગોમાં સંતાઈને ટાંપીને બેઠેલી બિલાડી કે ઉપર આકાશમાં ઉડતા મોટા શિકારી પક્ષીનો શિકાર બની જવાનો ભય રહે છે.
પીવાના પાણીનો ઘૂંટ એટલી ઝડપથી પીવે છે કે જોનારને ખબર પણ ના પડે કે પાણી પીને ઉડી ગયું. ખુબજ ઓછી માત્રામાં પાણી પીવે. ખાવા, પીવા, ઉડવા જેવી દરેક બાબતે ખુબ ઉતાવળિયું પક્ષી લાગે! તેઓ ધીમો પણ સુમધુર ચીં ચીં કલરવ સતત કરતાં હોય છે. તે સાંભળવાની જરૂર મજા આવે છે.
*દિલની વાત*
*બનવું તારા જેવું*
*ભોળી મુનિયા*
લેખક: જગત. કીનખાબવાલા
દક્ષિણ ભારતમાં તેઓ શિયાળાના સમધાત સમયમાં ઈંડા મૂકે જયારે ભારતના બાકીના પ્રદેશમાં ઉનાળા પછી ચોમાસાની શરૂઆતમાં ઈંડા મૂકે છે. તેનો માળો દેખાવડો નથી હોતો. ઘાસમાં ગૂંચ પડી હોય તેવો ગોળો બનાવી દે અને બાજુમાંની તરફ તેનો દરવાજો હોય. નર મુનિયા અને માદા મુનિયા બંને ભેગા થઈને માળો બનાવવાનું કામ કરે છે. ખાસ કરીને ઘાસનાં ઝુંડમાં માળો બનાવી દે છે. જયારે શહેરી વિસ્તારમાં બુદ્ધા બામ્બૂની અંદર ઘટામાં, અકેસીયા કે લીંબુના ગીચ જેવા ગીચ અને કાંટાળા છોડમાં કે કાંટાળી બોગન વેલમાં માળો બનાવી લે જેમાં કોઈ મોટા પક્ષીને ખબર ના પડે અથવા છોડની અંદર મોટું પક્ષી દાખલ ન થઇ શકે. આવા વૃક્ષ ન મળે તો શહેરી વિસ્તારમાં એર કન્ડિશન મશીનની બહારના ભાગમાં બખોલમાં ઘાસ ભરી દે. તે ૪ થી ૮ ઈંડા મૂકી શકે છે. માબાપ ઉપરાંત તેમના જોડીદાર પણ ઈંડા સેવવાંમાં જોડાય છે જે સહકાર અને ભાવ બહુ ઓછા પક્ષીમાં જોવા જોવા મળે છે. મૂળભૂત રીતે કણ ભક્ષી પણ શરૂઆતમાં શારીરિક વિકાસ માટે બચ્ચાને જીવાત ખવડાવે. ૧૧ દિવસમાં તે બચ્ચાનો વિકાસ થઇ જાય છે અને બીજા ૭ દિવસમાં સ્વતંત્ર જીવન જીવવા માટેની કાબેલિયત મેળવી લે છે. તેમનું આયુષ્ય લગભગ આંઠ વર્ષનું હોય છે.
જો નજીકમાં સુગરી/ Weaver birdનો વપરાઈ ગયેલો માળો મળી જાય તો તેવા સુગરીનાં બચ્ચાં ઉડી જાય પછી છોડી દીધેલા તૈયાર માળામાં મુનિયા આશાનીથી ઈંડા મૂકી દે છે. જયારે સુગરીના ઈંડા મુકવાની ઋતુ પતે ત્યારબાદ મુનિયાની ઈંડા મુકવાની ઋતુ શરુ થાય અને આનો લાભ તેને મળી જાય છે.
*પક્ષી જગત બહુ અજાયબ છે અને માણો તો જાણો અને જાણો તો જાળવો.*
આપણને જોવા મળતા પક્ષીઓ ચોતરફ ફેલાયેલા જીવનનાં ઘટકો છે. સાડી સીધી વાત એ છે કે પક્ષીઓ અન્ય જીવોના આધારે જીવે છે છે અને બદલામાં તેમને જીવવામાં મદદરૂપ બને છે. કુદરતની ઘટમાળમાં પક્ષીઓ અગત્યનો ભાગ ભજવે છે. તેને સમજશો તો તમારું જ્ઞાનભંડોળ વધશે.
(સાથે જે વિડિઓ અને ફોટો છે તે જૂન, ૨૦૨૦ માં મહિનામાં લેખકના ઘરે લેખકે ઉતારેલી છે).