મુક્તિના શ્વાસ.- ભાવિની નાયક.

ગુજરાત ભારત સમાચાર

રાતે અઢી વાગે કિયાની આંખ અચાનક જ ખુલી ગઈ.એણે જોયું તો કંદર્પ ન હતો. એ ગભરાઈ ગઈ અને બહાર આવી.કંદર્પ બાલ્કનીમાં કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.કીયાને જોઈને એણે તરત જ ફોન મૂકી દીધો.કિયાએ પૂછ્યું કે આટલી રાતે કોની સાથે વાત કરે છે?તો કંદર્પ કઈ કહ્યા વગર રૂમમાં જઈને સુઈ ગયો. કિયા અંદર આવી પણ નીરજા ની ઉંઘનો વિચાર કરીને એ ચૂપચાપ સુઈ ગઈ. પથારીમાં સુવાનો ઢોંગ કરતા બન્ને જાગતાં હતાં.
કિયાના લગ્ન 5 વર્ષ પહેલાં મુંબઇમાં રહેતા કંદર્પ મહેતા સાથે થયા હતા.કંદર્પ એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ પર હતો.કિયાએ સંયુક્ત કુટુંબમાં રહેલી હતી.આથી અહીંની ચમકમાં એ પોતાને એકલી જ માનતી હતી.સવારે કંદર્પ ચા નાસ્તો કરી ટિફિન લઈને નીકળી જતો. આખો દિવસ કિયા લેવીશ ફ્લેટમાં એકલી જ રહેતી. અડોશ પડોશમાં બધા સાઉથ ઇન્ડિયન રહેતા હોવાથી એ કોઈ સાથે વધુ પડતી બોલતી ન હતી.કંદર્પનો ફોન એકાદ વાર આવતો.સાંજે કંદર્પ આવે એટલે બન્ને જમીને દરિયા કિનારે જાય.લગ્નના અઢી વર્ષે બન્નેના ઘરમાં લક્ષ્મી રૂપે નિરજાનો જન્મ થયો.કિયાને જીવવાનું એક બહાનું મળી ગયું.એ આખો દિવસ નિરજામાં વ્યસ્ત રહેવા લાગી.
કંદર્પ હવે ઘરે મોડો આવવા લાગ્યો. કિયા પૂછતી તો ગમેતેવા બહાના બનાવી દેતો.કિયા સમજી ગઈ હતી કે કંદર્પને હવે તેનામાં કોઈ રસ રહ્યો ન હતો.પણ તે તેના પિયર પાછી જવા માંગતી ન હતી એટલે નીરજા માટે લગ્નજીવન બચાવીને રહેતી હતી.
એક વખત કંદર્પ કંપનીના કામે ફોરેન જવાનું થયું.નીરજાએ ચોકલેટ્સ લાવવાની શરતે પપ્પાને બાય કહ્યું.બીજા દિવસે કિયા મશીનમાં કપડાં નાખતી હતી.એણે કંદર્પના શર્ટ પર લિપસ્ટિકના ડાઘ જોયા.કિયા હવે નક્કી કરી ચુકી હતી કે હવે તે નીરજા સાથે મુક્ત આકાશમાં ઉડી જશે.
ફોરેન ટ્રીપ પતાવીને જ્યારે કંદર્પ ઘરે આવ્યો ત્યારે ઘર લોક હતું.કંદર્પ પોતાની પાસે રહેલી ચાવીથી લોક ખોલીને અંદર આવ્યો.ટેબલ પર એક કાગળ પડ્યો હતો.જેમાં લખ્યું હતું ‘કંદર્પ હવે તું આઝાદ છે.હવે તારે બાલ્કનીમાં જઈને વાત કરવાની જરૂર નહીં પડે.મને ખબર છે કે લગ્નના ત્રીજા જ વર્ષે તું મારાથી ધરાઈ ગયો હતો.હવે તારે નીરજા માટે સમય કાઢવાની પણ જરૂર નહીં રહે. કારણકે એની માતા સાથે પિતા પણ હું બની જઈશ. પણ તું જેને પ્રેમ કરે છે એને કહી દેજે કે તને સવારે 6 વાગે ગરમ પાણી પીવાની આદત છે.સાડા છ એ તને આદુ વાળી ચા જોઈએ છે. આઠ વાગે તને ગરમાગરમ નાસ્તો જોઈએ છે.નવ વાગે તને દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું છાશ વગેરે ટીફીનમાં જોઈએ છે. તને ઘર એકદમ ચોખ્ખું જોઈએ છે. મેઇડનું કામ તને નથી ગમતું.તને ઘરની જવાબદારીઓમાં કોઈ રસ નથી.તું જ્યારે ઘરમાં આવે ત્યારે તને અવાજ ગમતો નથી.મારી અને નિરજાની ચિંતા હવે તારે કરવાની જરૂર નથી.અમારી જવાબદારી માંથી તું મુક્ત થયો.’
પત્ર વાંચીને કંદર્પ સુન્ન થઈ ગયો.તેની પાસે આંસુ સાર્યા સિવાય કોઈ રસ્તો ન હતો.

TejGujarati