સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ જરીવાલાની ફરજપરસ્તી: માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં. એક સલામ આ યોદ્ધાને નામ.

સમાચાર

સુરત:- સુરતના એક એવા કોરોના યોદ્ધા જેમણે જન્મદાતાના અવસાનની દુ:ખદ પળો, આઘાત અને શોકને હ્રદયમાં દબાવી દઈ માતાની અંતિમક્રિયા, તર્પણની વિધિ પૂર્ણ કરી ત્રીજા દિવસે ફરજ પર હાજર થઈ કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ માં ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવતા દિનેશચંદ્ર મણિલાલ જરીવાલાએ સાચા અર્થમાં કોરોના યોદ્ધાની ભુમિકાને સાર્થક કરતાં પરિવાર પર આવેલી દુ:ખભરી ક્ષણોમાં પણ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે.
જે બાળકને નાનપણથી માતાએ મજૂરી કરી લાડકોડની ઉછેરી ભણાવી- ગણાવીને મોટો ઓફિસર બનાવ્યો હોય તે માતાનું અવસાન થાય ત્યારે બીજા દિવસે એક પુત્ર ફરી પોતાની ફરજ પર હાજર થઈને કોરોનાની મહામારીનો સામનો કરવા માટે કામે લાગી જાય, આવી ફરજપરસ્તીની કિસ્સો બન્યો છે, નર્મદ નગરીમાં, આ યોદ્ધાને સો સો સલામ.

પોતાના નિજી જીવન અને પારિવારિક વ્યવહારોની પરવા કર્યા વિના કોરોના સામે જંગ લડી રહેલાં તબીબો, નર્સો, આરોગ્યકર્મીઓ, સરકારી કર્મચારીઓ, પોલિસ જવાનો કોરોના વોરિયર બનીને દેશને કોરોનાથી સુરક્ષિત રાખવા દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે. કોરોના સામે બાથ ભીડનારા હજારો-લાખો કોરોના વોરિયર્સ સમાજમાં આદરપાત્ર બન્યા છે.

શ્રી દિનેશચંદ્ર જરીવાલાએ કર્તવ્યપરાયણતાની મિશાલ પેશ કરી છે. એ દરેક વ્યક્તિ માટે ઉદાહરણરૂપ છે. કોરોના મહામારી વચ્ચે આપણી આસપાસ કોરોના સામે દિવસરાત એક કરીને નિ:સ્વાર્થભાવે-પ્રામાણિકપણે લડનારા અનેક કર્મયોગીઓ છે, કંઈક આવી જ માટીના બનેલાં શ્રી દિનેશચન્દ્ર જણાવે છે કે, ‘માતાના મૃત્યુનું દુઃખ થવું સ્વાભાવિક છે, પરંતુ સુરતવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવાં મદદરૂપ બનવું એ મારી પ્રાથિમક ફરજ છે. હાલના કસોટીના સમયમાં લોકોની સેવા કરવી એને હું મારૂ કર્તવ્ય ગણું છું. હું પૂર્ણનિષ્ઠાથી ફરજ બજાવી કોરોના સામેની લડાઈમાં યોગદાન આપીશ, અને એ જ મારા માટે માતાને સાચી શ્રદ્ધાંજલિ છે.

સ્વ.માતા કાંતાબેનના છેલ્લાં શબ્દોને યાદ કરતા શ્રી દિનેશચંદ્ર જરીવાલાની આંખો ભીની થઈ જાય છે, તેઓ કહે છે કે, ‘માતાએ અવસાનના થોડા દિવસો આગાઉ જ મને કહ્યું હતું કે, ‘બેટા, હું મૃત્યુ પામુ તો પણ તું મારા મૃત્યુનો શોક ન પાળતા ફરજ નિભાવજે, અને લોકોની સેવા કરજે. પછી ઘરપરિવારનું વિચારજે..’ માતાના આ શબ્દો અને પ્રેરણાનું પાલન કરીને તર્પણ વિધિ પૂરી કરી હું ફરજ પર હાજર થયો છું.

શ્રી જરીવાલા સુરતના બેગમપુરાના અને હાલ ન્યુ સિટીલાઈટની રવિરાજ સોસાયટીમાં રહે છે. હાલની પરિસ્થિતિના કારણે જવાબદારીમાં પણ વધારો થયો છે. ઝોનમાં સફાઈ કામગીરી, ડોર ટુ ડોર સર્વેલન્સ, કોવિડ સામે ધન્વંતરિ રથ અને આરોગ્યલક્ષી કામગીરી, આસપાસના વિસ્તારમાં કોરોના કેસનું પ્રમાણ વધુ હોય ત્યાં સાથીકર્મચારીઓ સાથે માઈક્રોપ્લાનિંગ જેવી અનેકવિધ કામગીરી સંભાળીને ફરજને ન્યાય આપી રહ્યાં છે.

શ્રી જરીવાલાએ માતા સાથેના સંસ્મરણો યાદ કરતાં જણાવ્યુ કે, ‘મારે એક તરફ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા અપાયેલી જવાબદારી સંભાળવાની હતી, અને બીજી તરફ મારી માતાને ૦૮ જુલાઈના રોજ વાયરલ ન્યુમોનિયા થયો હતો, એમનું ઓક્સિજન લેવલ ઓછું થતા રતનદિપ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ૧૬ જુલાઈના રોજ ૭૬ વર્ષની વયે માતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું., પરિવારમાં હું સૌથી મોટો છું, અને માતા-પિતાની સૌથી નજીક હતો. હું આજે જે કંઈ પણ છું એ મારી માતાના કારણે છું. માતા-પિતાએ પેટે પાટા બાંધી જરીના કારખાનામાં મજૂરી કામ કરી મને ઓફિસર બનાવ્યો છે.

અમારી ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી, આઠ બાય આઠની ઓરડીમાં રહેતા હતા. મા પહેલા અમને ખવડાવતી અને પછી જ એ જમતા. સરકારી નોકરી મળતા માતા-પિતાને રાહત થઈ. ‘કામ પહેલાં, પછી બીજું બધું..કામ છીએ તો આપણે છીએ..’ એવું હંમેશા મારી માતા કહેતા. હોસ્પિટલની સારવાર દરમિયાન એમની સારવાર માટે થોડો સમય હોસ્પિટલમાં રહી કામ પર પહોંચી જતા. ત્યારે માતા કહેતા, ‘અહીં ઘરના બધા છે, તું મારી ચિંતા કર્યા વિના ઓફિસ જઈને ફરજ નિભાવ.

શ્રી દિનેશચંદ્ર માતાની પ્રેરણાથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. સમાજ પ્રત્યેની જવાબદારી સમજતાં શ્રી દિનેશચંદ્રજી જેવા કોરોના વોરિયર પોતાની ઉમદા વિચારસરણીથી સમાજની ભીડમાં પણ એકદમ અલગ તરી આવે છે. કોરોનાના સંક્રમણને ડામવા માટે સમગ્ર તંત્ર દિવસ-રાત એક કરીને પ્રયાસરત છે, ત્યારે દિનેચંદ્ર જરીવાલાની ફરજપરસ્તીને લાખ સલામ…

TejGujarati