ચેમ્બરની ચૂંટણી માટે કલેકટરની મંજૂરી: નવા ચૂંટણી અધિકારી એચ.એસ પટેલ પૂર્વ ચૂંટણી અધિકારી પી.કે લહેરીએ ફરજ મુક્તિ માટે રજૂઆત કરી હતી.

ગુજરાત ભારત સમાચાર

કલેકટર દ્વારા ચૂંટણી માટેની મંજૂરી મળતા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો.

ભારે વિવાદોમાં સપડાયેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી માટે કલેક્ટરે મંજૂરી આપી દીધી છે. બીજી તરફ ચૂંટણી અધિકારી તરીકે પી કે લહેરીની ફરજમુક્તિ બાદ નવા ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત આઈએએસ અધિકારી એચ.એસ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ ચેમ્બરની ચૂંટણી પ્રક્રિયા યોજાશે. ચૂંટણી માટે કલેકટરે મંજૂરીની મહોર મારતાંની સાથે જ ચેમ્બરમાં ફરીથી ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

11મી જુલાઈના રોજ યોજાનારી ચેમ્બરની ચૂંટણી કોરોનાની મહામારીને કારણે રદ કરવા માટે તત્કાલીન ચૂંટણી અધિકારી પી.કે લહેરીએ આદેશ કર્યો હતો. જેને પગલે ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી અને એક્ઝિક્યુટીવ કમિટીમાં ચૂંટણીની નવી તારીખ ૫મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. સાથે-સાથે બહારગામના મતદારો વર્તમાન પરિસ્થિતિને લઈને જો મતદાન કરવા માટે અમદાવાદ આવી શકે તેમ ન હોય તો તેઓ ઈ વોટિંગ કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવવા ની જાહેરાત કરવામાં આવી હતી. આ મુદ્દે બે ઉમેદવાર અને એક સભ્ય દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે સમગ્ર વિવાદ એપેક્ષ કમિટી સમક્ષ પહોંચ્યો હતો. બીજી તરફ ચેમ્બર દ્વારા ચૂંટણી પ્રક્રિયાની મંજૂરી માટે કલેકટર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.

જેને પગલે કલેકટર ઓફિસની ટીમે ચેમ્બરની વિઝીટ કરી ચૂંટણી માટેની મંજૂરી આપી દીધી છે જોકે તેના માટે સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.કલેકટરની મંજૂરી મળતાંની સાથે ચેમ્બરની ટીમ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઇ છે સાથે સાથે ઉમેદવારોએ પણ ફરી એક વખત પ્રચાર શરૂ કરી દીધો છે.

દરમિયાન ચૂંટણી અધિકારી પી.કે લહેરીએ ચેમ્બરના હોદ્દેદારો તથા એપેક્ષ કમિટી સમક્ષ પોતાને ચૂંટણી અધિકારીની ફરજમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી હતી. જેમની રજૂઆતો ધ્યાને લઇ એપેક્ષ કમિટી નવા ચૂંટણી અધિકારી તરીકે એચ.એસ પટેલ ની નિમણૂક કરી છે. ચૂંટણી પ્રક્રિયાનો કાર્યભાર નવા ચૂંટણી અધિકારી સંભાળી લેશે.

ચૂંટણી માટે કલેક્ટરની મંજૂરી આપી દીધા બાદ હવે ચેમ્બરના ચોક્કસ જૂથ દ્વારા ખોટા વિવાદ ઊભા કરવાને બદલે ખેલદિલીપૂર્વક ચૂંટણી લડી લેવા માટે કેટલાક સભ્યોને હાકલ કરવામાં આવી છે.

TejGujarati