આંગણવાડી બહેનોની પારદર્શક ભરતી માટે ‘‘eHRMS Gujarat’’ પોર્ટલનું ઉદઘાટન જાહેર વહીવટના ચાર સ્તંભ પારદર્શિતા, પ્રમાણિકતા, પ્રગતિશિલતા અને સંવેદનશીલતાના સિદ્ધાંતો ચરીતાર્થ કરવા ગુજરાતની નવતર પહેલ : મંત્રી ગણપતસિંહ વસાવા.

ગુજરાત ભારત સમાચાર

ક્ષતિરહિત અને પારદર્શક રીતે ભરતી માટે આ પગલું આશિર્વાદરૂપ
સાબિત થશે : મંત્રી શ્રી વિભાવરીબેન દવે
…………………
રાજ્યની આંગણવાડી કેન્દ્રોમાં ૭૧૬૦ કાર્યકરો-તેડાગર બહેનોની
ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરતી કરાશે
…………………
રાજ્યમાં માનદ વેતનથી કામ કરતા આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મીની આંગણવાડી કાર્યકર સહિતના માનદ સેવકોની પારદર્શક ભરતી માટેનું ઓનલાઇન e-HRMS પોર્ટલ અર્થે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ ખાતેથી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવેના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.

મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ ‘‘e-HRMS Gujarat’’ પોર્ટલનું અનાવરણ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સમયથી ‘ગુજરાત’ સમગ્ર દેશમાં એક રોલ મોડલ બન્યુ છે. આ પ્રકારનું પોર્ટલ શરૂ કરનાર રાજ્ય સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાત છે. રાજ્ય સરકારના જાહેર વહીવટના ચાર આદર્શ સૂત્રો સંવેદનશીલતા, પારદર્શિતા,નિર્ણાયકતા અને પ્રગતિશિલતાને ચરિતાર્થ કરવાની દિશા તરફ આ વધુ એક પગલુ છે. મંત્રીશ્રી વસાવાએ ઉમેર્યુ કે આ પોર્ટલ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનું સતત માર્ગદર્શન મળ્યુ છે. ટેકનોલોજીના આગ્રહી એવા મુખ્યમંત્રીશ્રીનું ‘સીએમ ડેશબોર્ડ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત મોડલ જોવા માટે અન્ય રાજ્યોમાંથી ડેલીગેશન ગુજરાત આવે છે અને પોતાના રાજ્યમાં તેનું અમલીકરણ કરે છે. આ જ રાજ્યના સુશાસનની સફળતા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મહિલા બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ વિભાગ દ્વારા શરૂ કરાયેલ પોર્ટલ માનદ સેવા આપતી બહેનો માટે ખૂબ જ અગત્યનું પગલું સાબિત થશે. આ પ્રકારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ઓનલાઇન ભરતીની પ્રક્રિયાનું અન્ય રાજ્યો પણ આનું અનુકરણ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. છેવાડાના ગામોમાં રહેતી બહેનોને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું કહીને મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, ગ્રામ પંચાયત ખાતેથી VCEના સહયોગથી બહેનો ફોર્મ ભરાવી શકશે. તે માટે જરૂરી પરિપત્રો કરી
દેવાયા છે. હ્યુમન ઇન્ટરફિયરન્સ વગર ભરતી કરવા માટે આ પોર્ટલ આશીર્વાદરૂપ સાબિત થશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર અને સચિવ શ્રીમતી મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં ૩૧૫૫ આંગણવાડી કાર્યકરો અને ૪૦૦૫ તેડાગર બહેનો મળી કુલ ૭૧૬૦ જગ્યાઓની ભરતી આગામી છ માસમાં ઓનલાઇન પોર્ટલ દ્વારા થનાર છે. હાલમાં રાજ્યમાં ૫૩૦૨૯ આંગણવાડીઓ કાર્યરત છે. જે પૈકી ૫૧૨૨૯ આંગણવાડી કાર્યકર અને ૫૧૨૨૯ તેડાગર બહેનો ફરજ
બજાવે છે. જ્યારે મીની આંગણવાડીઓમાં ૧૮૦૦ કાર્યકર બહેનો ફરજો બજાવે છે.

આઇ.સી.ડી.એસ.ના નિયામક શ્રી અશોક શર્માએ જણાવ્યું હતું કે કુલ ૧ લાખ ચાર હજાર માનદ સેવકોની જગ્યાઓ પૈકી ૯૭૦૯૮ જગ્યાઓ ભરેલી છે. આગામી છ માસમાં ઓનલાઇન ભરતી પ્રક્રિયા ઝડપભેર હાથ ધરી તમામ જિલ્લાઓમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી ૪૫ દિવસમાં ભરતી પ્રક્રિયાની સાઇકલ પૂર્ણ કરવાનું આયોજન છે. ઓનલાઇન ભરતી પ્રક્રિયાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લાની પસંદગીકરવામાં આવી હતી જે પૈકી ૧૧૧ આંગણવાડી કાર્યકર અને ૧૩૧ તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે આઇ.સી.ડી.એસ. યોજનાઓના અમલીકરણ અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ વિભાગના તેમજ આઇ.સી.ડી.એસ.ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati