પેટમાં નાળિયેર કદની ગાંઠની સર્જરીથી શિવમ બન્યો પીડામુક્ત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા “મેસેન્ટ્રિક સિસ્ટ” ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી
*****
સંકલનઃ રાહુલ પટેલ

બનાસકાંઠાના ડીસા તાલુકાના ત્રણ વર્ષનો શિવમ પોતાના બાળપણની મજા માણી રહ્યો હતો પરંતુ સાત મહિના પહેલા અચાનક જ શિવમનું પેટ દિન-પ્રતિદિન વધવા લાગ્યું. પેટના જમણી બાજુએ સોજો આવતાં તેને અસહ્ય દુખાવો થવા લાગ્યો. હસતા-રમતા દિકરાને આવુ થતાં પરિવાર પર અચાનક જ આભ તુટી પડ્યુ હતું. શિવમના પિતા પેટ્રોલ પંપ પર એક સામાન્ય નોકરી કરી પરિવારનું ભરણ-પોષણ કરી રહ્યા છે.

જાન્યુઆરી મહિનામાં શિવમના માતા-પિતા ડિસાની ખાનગી હોસ્પિટલમાં ચકાસણી અર્થે લઈ ગયા હતા. જ્યાં શિવમનું સીટી સ્કેન કરવામાં આવ્યું જેમાં તેના પેટમાં એક મોટી ગાંઠ હોવાનું જાણવા મળતા ડૉક્ટરોએ કેટલીક દવાઓની સારવાર શરૂ કરી જેથી તેને થોડું સારું થઇ ગયુ હતુ. પરંતુ થોડા સમય પછી તેને ફરીથી પેટમાં દુખાવો ઉપડતા તબીબોએ સર્જરી કરવવા માટે કહ્યુ. પરંતુ આર્થિક ભીંસના કારણે શિવમના પિતા સચીનભાઇ માટે મોંધી સર્જરી ખાનગી હોસ્પિટલમાં કરાવવું મુશ્કેલ બની રહ્યુ હોવાથી તેઓ અમદાવાદની સોલા સિવિલમાં પહોંચ્યા. ત્યાં ફરીથી તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું, જેમાં મેસેન્ટ્રિક સિસ્ટ હોવાનું જણાઈ આવ્યું. આ સર્જરી જટીલ હોવાથી સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા અમદાવાદ સિવિલ ખાતે સર્જરી માટે મોકલવામાં આવ્યા.

તારીખ ૧૦ જૂલાઈના રોજ શિવમને અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બીજા દિવસે પિડિયાટ્રીક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા બાળકની સફળ સર્જરી કરવામાં આવી. આ ઓપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના ડૉ. જ્હાનવી પટેલે પણ પોતાનું યોગદાન આપ્યુ હતું. શિવમના પેટમાં ખૂબ જ મોટું મલ્ટીલોક્યુલેટેડ સિસ્ટ હતું જે મેસેન્ટ્રી (રક્ત વાહિનીઓ સાથેનો નાના આંતરડાનો ભાગ) માંથી ઉ્દભવતુ હતું. માત્ર ફ્લુઇડ સાથેનું સિસ્ટ પેટમાંથી દૂર કરવું શક્ય નહોતું. નાના આંતરડાના લગભગ 15 ઘન સેન્ટિમીટર જેટલા કદના ભાગને કાપી નાખી નાના આંતરડાને મોટા આંતરડા સાથે જોડી દેવામાં આવ્યું.

પિડિયાટ્રીક સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. રાકેશ જોશી જણાવે છે કે, “અમારા વિભાગ દ્વારા બાળકનું ઓપરેશન કરીને નાળિયેર જેવા કદની ગાંઠ નિકાળવામાં આવી છે. આ સર્જરીને મેડીકલમાં મેસેન્ટ્રિક સિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મેસેન્ટ્રિક સિસ્ટ આંતરડાની સાથે જોડાયેલ હોય છે, જેનાથી આંતરડાને બ્લડ સપ્લાય મળી રહે છે. બે પડ વચ્ચે રહેલી આ ગાંઠની સાઈઝ ૧૦૪ ઘન સેન્ટિમીટર જેટલી હતી. અંદાજિત ૧૫ ઘન સેન્ટિમીટર કદ જેટલું આંતરડુ કાપીને ગાંઠ દુર કરી ફરીથી આંતરડાનું જોડાણ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન અઢી કલાક સુધી ચાલ્યુ હતું. ઓપરેશન બાદ બાળક સ્વસ્થ્ય રીતે હરીફરી શકે છે.”

ડો. જોશી વધુમાં ઉમેરે છે કે “આ ગાંઠ આંતરડાના શરૂઆતના ભાગમાં થઈ હતી એટલે આવા કિસ્સામાં જો કોઈ ચૂક થાય અથવા ટાંકા પર રુઝ ન આવે તો દર્દી માટે ખતરારૂપ સાબિત થાય છે. મેડીકલ સાયન્સ માટે આ કિસ્સો રેર છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં આ પ્રકારના ૮૨૨ ઓપરેશન નોંધાયા છે. અંદાજિત ૨.૫૦ લાખ વ્યક્તિએ એક વ્યક્તિમાં આ પ્રકારનો કિસ્સો જોવા મળે છે.”

શિવમના માતા ચંદ્રિકાબેન જણાવે છે કે “મારા દિકરાનું પેટ અચાનક વધી જતાં અમે ચિંતામા મુકાઈ ગયા હતા પરંતુ અમે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા ખૂબ જ સફળ સર્જરી કરતાં અમે ચિંતામુક્ત બન્યા છીએ. એકપણ રૂપિયાના ખર્ચ વિના મારા દિકરાની સારવાર સિવિલ ખાતે કરવામાં આવી છે જેના માટે અમે હરહંમેશ સિવિલ હોસ્પિટલના ઋણી રહીશું.”

સર્જરી કર્યા પછી બાળકમાં ખૂબ ઝડપથી રિકવરી આવવા લાગી છે. શિવમ ઓપરેશનના છ દિવસ પછી પાણી, દૂધ અને હળવો ખોરાક ખૂબ જ સરળતાથી લઈ શકે છે. ઓપરેશન દરમિયાન બાળકમાં અન્ય કોઇપણ પ્રકારના સર્જિકલ કોમ્પ્લિકેશન્સ જોવા મળ્યા નહોતાં.

મેસેન્ટ્રિક સિસ્ટ શું છે ?

મેસેન્ટ્રિક સિસ્ટ એ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી લસિકાગ્રંથિની એક પ્રકારની ગાંઠ છે. મહદઅંશે તે કોઇપણ લક્ષણ વગરની હોય છે, પરંતુ આ પ્રકારની ગાંઠના કારણે બાળકના આંતરડામાં રૂકાવટ પેદા થઈ શકે છે તેમજ બાળકનુ પેટ ફુલે અથવા લીલી ઉલ્ટી પણ કરી શકે છે. ગાંઠ ધીમે-ધીમે મોટી થવાના કારણે બાળકના પેટમાં ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જાય છે સાથે-સાથે પરુ પણ જામવા લાગે છે.

X-X-X

TejGujarati