મનુ કાકાની શીખ. – ભાવિની નાયક.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ઉપરની આ તસવીર જોઈને મને મનુ કાકા યાદ આવી ગયા. મનુ કાકા પણ અદલ આ કાકા જેવા જ.દર મહિને એક વાર અમારી સોસાયટીમાં આવી જ સ્ત્રી શણગારની વસ્તુઓ વેચવા આવે. દસ ડગલાં ચાલતા એમને 10 મિનિટ થાય.ઉંમરને લીધે એમની ચાલ સાવ ધીમી હતી. એ ચાલતા હોય ત્યારે કોઈ નાનું છોકરું પાપાપગલી પાડતું હોય એવું લાગે.
જુના કપડાં,અનાજના કોથળામાંથી બનાવેલો થેલો આ બધું એમની ગરીબીની સાબિતી આપે.એમને જોઈને કોઈ વસ્તુ લેવાની ઈચ્છા આપોઆપ થઈ જાય.એમને મદદ મળે એ હેતુથી.એક વાર અમારી ગલી વાળાએ તેમને ઉભા રાખ્યા.બધા વસ્તુ લેવા લાગ્યા.મારાથી રહેવાયું નહિ.મેં એમને પૂછી જ લીધું કે આ જતી જિંદગીએ આમ આ બધું વેચવા કેમ નીકળ્યા છો.તો એમણે કીધું કે દીકરી ભીખ માંગવા કરતા તો સારું ને.આ જવાબ સાંભળી હું કઈ બોલી ન શકી.
એ જાણે રાહ જોઇને બેઠા હોય તેમ હૈયા વરાળ કાઢવા લાગ્યા કે “મારે પણ ઘર છે.ઘર વાળી છે અને એકનો એક દીકરો પણ છે.મારો દીકરો એ ખરાબ સંગતમાં આવી ગયો અને પીવાની લતે ચડી ગયો.તેની આ આદતને કારણે તે નોકરીમાં વધુ ટકતો નથી. એ પીને પડી રહે છે. હું આ બધું વેચવા નીકળું અને મારી ઘરવાળી લોકોના ઘરે કામ કરવા જાય.ભગવાનની દયાથી કાચું ઘર છે.એટલે રોટલા ભેગા તો થઈ જઈએ છીએ.મહેનત કરીને રોટલો ખાવામાં આનંદ હોય છે દીકરી.”
એમની વાત સાંભળી કહેવત યાદ આવી ગઇ. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.ત્યાર બાદ એ જ્યારે પણ આવે અમે ઘણી બધી વસ્તુઓ એમની પાસેથી લઇએ.આ જોઈને એમના ચહેરા પર જે આનંદ આવે એ જોવાની મજા કંઈક અલગ હોય.

TejGujarati