ચેમ્બરની રજૂઆતના પગલે આજથી સીબીડીટીનું ઇ-કેમ્પેઇન શરૂ થશે ૩૧મી જુલાઈ સુધી ચાલનારા ઇ-કેમ્પેઇનથી રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી ગયેલા કરદાતાઓને લાભ થશે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આવકવેરા વિભાગ ૨૦ જુલાઇથી કરદાતાઓને રાહત આપતાં વોલન્ટરી કોમ્પ્લાયન્સ માટે ઇ-કેમ્પેઇન શરૂ કરશે. ૩૧ જુલાઇ સુધી એટલે કે ૧૧ દિવસ ચાલનારું આ કેમ્પેઇન એવા કરદાતાઓ માટે છે જેઓ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રિટર્ન ફાઇન નહોતા કરી શક્યા અથવા તો જેમના રિટર્નમાં તફાવત છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)એ તાજેતરમાં જ સીબીડીટીમાં રજૂઆત કરી હતી કે કરદાતાઓ માટે જુલાઇ મહિનામાં પબ્લિક ગ્રિવન્સ કેમ્પેઇન જેવી વધુ એક પહેલ લાવવી જોઇએ.

જીસીસીઆઇની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, “ચેમ્બરની રજૂઆતને ધ્યાનમાં લઇને સીબીડીટીએ ૧૧ દિવસ માટે ઇ-કેમ્પેઇન શરૂ કર્યું છે અને મોટી સંખ્યામાં કરદાતાઓને તેનો લાભ મળશે.
ઇ-કેમ્પેઇનનો મુખ્ય હેતુ એ છે કે કરદાતાઓ આવકવેરા ખાતા પાસે રહેલી પોતાની ટેક્સ અને ફાઇનાન્શિયલ વિગતો વેલિડેટ કરાવી શકે અને સ્વૈચ્છિક કોમ્પ્લાયન્સને પ્રોત્સાહન આપે જેથી નોટિસ અને સ્ક્રુટિની પ્રક્રિયા ટાળી શકાય.
આ કેમ્પેઇનના ભાગરૂપે આવકવેરા વિભાગ કરદાતાઓને તેમના નાણાંકીય સોદાઓ વેલિડેટ કરવા માટે ઇ-મેઇલ અને એસએમએસ મોકલશે. આવકવેરા વિભાગે સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ (એસએફટી), ટેક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ), ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ), ફોરેન રેમિટન્સ (ફોર્મ ૧૫૦સીસી) વગેરે વિવિધ સ્ત્રોત પાસેથી જે વિગતો મેળવી હોય તેને કરદાતાઓ વેલિડેટ કરી શકશે. ડિપાર્ટમેન્ટે જીએસટી, નિકાસ, આયાત અને સિક્યોરિટીઝ, ડેરિવેટિવ્સ, કોમોડિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરે દ્વારા પણ વિગતો મેળવી હોય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “ઇ-કેમ્પેઇન હેઠળ કરદાતાઓ ખાસ પોર્ટલ પર તેમના ઊંચા મૂલ્યના સોદાઓની વિગતો મેળવી શકશે. તેઓ તેમાં વિવિધ વિકલ્પો પૈકી કોઇપણ પસંદ કરીને પ્રત્યુત્તર પણ આપી શકશે. તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કરદાતાએ આવકવેરા કચેરીની મુલાકાત લેવાની આવશ્યકતા નહીં રહે.”
ઉલ્લેખનિય છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ (આકારણી વર્ષ ૨૦૧૯-૨૦) માટે રિટર્ન ફાઇલ કરવા અથવા તો રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવા માટે છેલ્લી તારીખ ૩૧ જુલાઇ છે.

TejGujarati