ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો.

ગુજરાત ભારત સમાચાર

ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો
———–
કોરોનાની સારવાર દરમિયાન ટી.બી.ની બિમારી થતા જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ ડોક્ટરોની મહેનતથી દોઢ મહિનામા સંપૂર્ણ સ્વસ્થ થઈ છું: પરવીનબાનુ પઠાણ
————
દર્દીની સેવા કરવી અમારો એક માત્ર ઉદ્દેશ્ય છે, દર્દીઓ અમને ભગવાન કહે છે, પણ દર્દીનો જીવ બચાવવામાં માટે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે: ડો.વૈશાલી રોહિત
—————-
પાચ વર્ષના દીકરાથી દુર રહીને પરવીનબાનુએ નવી સિવિલમાં સારવાર લઈ કોરોનાને મ્હાત આપી
————
સુરત:રવિવાર: જીવની પરવા કર્યા વગર દર્દીઓની અવિરત સેવા કરી રહેલાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ખરા અર્થમાં કોરોના સામેના યુદ્ધના યોદ્ધાઓ છે. સુરતના કોરોના વોરિયર ડોકટરોએ સુરતની ટીબી અને કોરોનાગ્રસ્ત મહિલા દર્દીને નવજીવન આપ્યું છે, જેઓને કોરોનાની સારવાર દરમિયાન ટી.બી.ની બિમારી થઈ હતી. આખરે મહિલાએ કોરોનાની સામે ઝીંક ઝીલીને કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સ્વસ્થ થયેલા આ મહિલા છે ૨૯ વર્ષીય પરવિનબાનુ પઠાણ, જેમણે જીવવાની આશા છોડી દીધી હતી, તેમને સાત દિવસ સુધી આઇ.સી.યુમાં પણ રખાયા હતાં, પરંતુ ડોક્ટરોએ સારવાર કરવામાં હાર ન માની અને દોઢ મહિનાની સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ કર્યા છે.

અમરોલી પાસે કોસાડ આવાસમાં રહેતા પરવિનબાનુ સિકંદર પઠાણે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘હું દોઢ મહિનો સિવિલ કોવિડ ૧૯ હોસ્પિટલમાં રહી કોરોનાની સારવાર લઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે જઈ રહી છું. ગત તા.૭ મે ના રોજ મને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે મારી હાલત ગંભીર હતી. ૦૭ દિવસ મને આઈ.સી.યુમાં રાખવામાં આવી હતી. એ દરમિયાન મેં જીવવાની આશા છોડી દીધી હતી. પરંતુ ડૉક્ટરોની મહેનત અને સારવારથી દોઢ મહિનામાં કોરોનાને મ્હાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઈ છું. મારા પરિવારની ખુશીનો કોઈ પર નથી. મારા ૦૩ બાળકો છે, જેનું દોઢ મહિના પછી આજે ઘરે જઈને એમનું મુખ જોઈશ. મારો નાનો દીકરો પાંચ વર્ષનો છે, જે દરરોજ મારી રાહ જોતા ફોનમાં પૂછતો કે, ‘મમ્મી, તું ક્યારે ઘરે આવે છે..’

ટીબી વોર્ડના રેસિડેન્ટ ડો.વૈશાલી રોહિતે જણાવ્યું હતું કે, ‘કોસાડના દર્દી પરવીનબાનુ તા.૭ મેના રોજ બપોરે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં ત્યારે એમની હાલત ગંભીર હતી. જેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આઈ.સી.યુ.વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હતી. સાત દિવસ સુધી આઇ.સી.યુમાં રાખ્યા બાદ તબિયતમાં સુધારો થયો હતો. ત્યારબાદ ૨૪ મેના રોજ એમનો કોરોના રિપોર્ટ નેગટિવ આવ્યો હતો, પરંતુ એમનો ટી.બી.નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તા.૨૭ મે ના રોજ તેમને ટી.બી. વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં ટી.બી. વોર્ડના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. પારૂલ વડગામા, ડો. ખ્યાતિ શામળિયા, ડો.ભૂમિકા પટેલ, ડો. તમાકુવાલા સહિત અન્ય રેસિડેન્ટ ડોક્ટર ટીમના સહકારથી પેશન્ટને યોગ્ય સારવાર આપી સંપુર્ણ સ્વસ્થ કર્યા છે. દર્દીઓ અમને ભગવાન કહે છે, પણ દર્દીનો જીવ બચાવવામાં માટે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે એમ ડો.વૈશાલી જણાવે છે.
(પરેશ / મેહુલ)

-૦૦-

TejGujarati