આ પાર કે ઓ પાર કદી આવશે નહીં
આખી ગઝલનો સાર કદી આવશે નહીં
જો આવશે તો આવશે હળવે રહી શબદ
ઘોડા પર માર-માર કદી આવશે નહીં
માળો ઢળી જશે અને પંખી ઉડી જશે
આધારનો આધાર કદી આવશે નહીં
તારાપણામાં રહીને એનું ધ્યાન તું ધરે
થૈને એ નિરાકાર કદી આવશે નહીં
ખારાશની ઝલકને આંસુમાં જતાવશે
દરિયાનો એ દાતાર કદી આવશે નહીં
ભરપૂર પીવો હોય તો પી લેજે નજરથી
આગોશમાં ગિરનાર કદી આવશે નહીં
ચોપાટ ભવ્ય માંડીએ ચાલો અનંતમાં
વૈકુંઠનો વિચાર કદી આવશે નહીં
*.. સુરેન્દ્ર કડિયા*