યુવતીને ધમકી આપી બદનામ કરવા રચ્યો કારસો: ઇન્સ્ટાગ્રામ પર યુવતીનુ ફેક આઈડી બનાવી બિભત્સ મેસેજ-વિડિયો કર્યા વાયરલ

ગુજરાત ભારત સમાચાર

જામનગર તા. ૧૪ઃ જામજોધપુરના એક ગામની યુવતી સાથે બંધાયેલી મિત્રતામાં કોઈ કારણથી ભંગાળ પડતા ઉશ્કેરાયેલા કાલાવડના નીકાવા ગામના શખ્સે તે યુવતીના નામે સોશ્યલ સાઈટ પર ફેક આઈડી બનાવી તેમાં મેસેજ કરવાનું શરૃ કરી તે યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરતા નાસીપાસ થયેલી યુવતીએ પરિવારને વાકેફ કર્યા પછી આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

વધુ વિગત મુજબ જામજોધપુર તાલુકાના શેઠ વડાળા નજીકના એક ગામમાં રહેતા એક પરિવારની પુત્રીને કાલાવડ તાલુકાના નીકાવા ગામના કુલદીપ શૈલેષભાઈ જાદવ નામના શખ્સ સાથે મિત્રતા બંધાઈ હતી. જેથી આ યુવતી અને કુલદીપ ફોન પર વાત કરતા હતાં. તે દરમ્યાન આ યુવતીએ કોઈ કારણથી કુલદીપ સાથે વાત કરવાનું બંધ કરતા આ શખ્સ ઉશ્કેરાયો હતો. તેણે આ યુવતીના નામથી ઈન્સ્ટાગ્રામ નામની સોશ્યલ સાઈટ પર નકલી આઈડી બનાવી તેમાં અણછાજતા મેસેજ કરવાનું શરૃ કરી દીધું હતું. જેની જાણ થતા તે યુવતીએ કુલદીપને આમ ન કરવા માટે કહેતા કુલદીપે તારી જિંદગી બગાડી નાખીશ અને તારા વીડિયો વાયરલ કરીશ તેવી ધમકી આપતા આ યુવતીએ પોતાના પરિવારને ઉપરોક્ત બાબતથી વાકેફ કર્યા પછી ગઈકાલે શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૪, ૫૦૬ (૧), ૫૦૯ અને આઈટી એક્ટની કલમ ૬, ૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

TejGujarati