મસ્કતી કાપડ મહાજન કરશે દેશનો પહેલો વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એક્સપો.

સમાચાર

કાપડના મોટા વેપારીઓ પોતાની સ્ક્રીન ઉપર જ સંપૂર્ણ એક્ઝિબિશન અને દરેક સ્ટોલ તથા દરેક મટીરીયલની વિગત 360 ડીગ્રીએ જોઈ શકશે.

વૈશ્વિક ફલક ઉપર થઈ રહેલા એક્સપોમાં દુનિયાભરના ચાર લાખ મોટા વ્યાપારીઓ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સને ઓનલાઇન ઇન્વિટેશન મોકલાશે.

ભારતના માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદના કાપડના વેપારીઓ આગામી દિવસમાં દેશનો પહેલો વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એક્સપો કરવા જઈ રહ્યા છે. જેમાં માન્ચેસ્ટરનો વેપારી પણ કોઈપણ સ્ટોલની ઓનલાઇન મુલાકાત લઇ મટીરીયલની માહિતી મેળવી જો તેને જરૂર હોય તો કપડાની ખરીદી કરી શકશે. વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એક્સપો- FABEXAમા કોઇપણ વેપારી જાણે કે એક્સપોમાં રૂબરૂ ફરી રહ્યો હોય તેઓ તેને અનુભવ કરાવવા માટે તમામ મટીરીયલની 3D અને 4D ઈમેજ મુકવાનો પ્રયાસ કરવામાં આવશે. જેને કારણે ખરીદનાર વેપારી મટીરીયલની વિગત 360 ડીગ્રીએ જોઈ શકશે. વર્ચ્યુઅલ એક્સ્પો માટે દુનિયાભરમાં ચાર લાખથી વધુ કાપડના મોટા વેપારીઓ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડને ઓનલાઇન ઇન્વિટેશન મોકલવામાં આવશે.

ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં આવી રહેલી નવી ક્રાંતિ અંગે માહિતી આપતા મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત તથા બાબુલાલ સોનીગરાએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લાંબો સમય સુધી માર્કેટ બંધ રહેતા કાપડના વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. જ્યારે હજુ કોરોનાની મહામારી ક્યાં સુધી ચાલે તે અંગે કહેવું અશક્ય છે. કાપડના વેપારીઓને જો મોટા ઓર્ડર મળે અને તેમના કામકાજ ફરીથી શરૂ થઈ જાય તો તેમને ગાડી ફરીથી પાટા ઉપર ચડી જાય. જેના માટે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના એક્ઝિબિશન કરવા અનિવાર્ય છે. જોકે વર્તમાન સ્થિતિને જોતા કોઇ એક સ્થળે સંખ્યાબંધ સ્ટોલ ઉભા કરી હજારો વ્યાપારીઓને ત્યાં બોલાવવા અતિ જોખમી સાબિત થઇ શકે તેમ છે. માટે ખરીદનાર વેપારી પોતાના ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા સ્ક્રીન ઉપર જ સંપૂર્ણ એક્ઝિબિશનની વિગત મેળવી શકે અને વેચનાર વેપારી પણ ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા જ કાપડ ના ઓર્ડર મેળવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એક્સપો- FABEXAના નામે થઇ રહી છે. અગાઉ કરેલા એક્ઝિબિશનમાં વેપારીઓને કરોડો રૂપિયાના ઓર્ડર મળ્યા હતા . માટે અગાઉના FABEXAમા ભાગ લેનાર અમદાવાદની લગભગ 100 મોટી બ્રાન્ડ્સને વર્ચ્યુઅલ એક્સપોમાં સમાવવામાં આવશે. જો અન્ય ઉત્પાદકો ઈચ્છે અને શક્ય હશે તો તેમને પણ એક્સ્પો માં સમાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર એક્સ્પો માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.તમામ સ્ટોલ અને સ્ટોલમાં મૂકવામાં આવેલા ડેનીમ, કોટન વેર ,સિલ્ક, ડ્રેસ મટીરીયલ તથા અન્ય પ્રિન્ટ અને મટીરીયલની 3D અને 4D ઈમેજ તૈયાર કરી મુકવામાં આવશે જેથી ખરીદનાર વેપારીને તેની ક્વોલિટીની માહિતી મળી શકે. હવે દુનિયાભરના મોટા વેપારીઓ અને મોટી બ્રાન્ડ્સને એક્સપોની વિઝિટ કરવા માટે ઈન્વીટેશન મોકલવામાં આવશે જેને કારણે દુનિયાભરના વેપારીઓ અમદાવાદના મટીરીયલની ખરીદી કરી શકશે. અમદાવાદ પ્રોસેસ હાઉસના નરેશ શર્માએ જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ એક્સપોમાં વ્યાપારીઓને ઓર્ડર મળશે એટલે માર્કેટ અને પ્રોસેસ હાઉસ ફરીથી ધમધમતા થઇ જશે.

વેપારીઓ વચ્ચે બી ટુ બી મીટીંગની પણ વ્યવસ્થા કરાશે.

વર્ચ્યુઅલ એક્સ્પોમાં કોઈ બહારના વેપારીને કોઈ એક સ્ટોલ પરથી કોઈ મટીરીયલ પસંદ પડે અને જો તેને તે મટીરીયલ અંગે વધારે ઇન્કવાયરી કરવી હોય અથવા તો ઓર્ડર આપવો હોય કે પછી પેમેન્ટ અંગેની ચર્ચા વિચારણા કરવી હોય તો તેના માટે ખરીદનાર અને વેચનાર ઓનલાઇન મિટિંગ કરી શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરી આપવામાં આવશે. જેના માટે બંને વેપારીઓ ચેટ દ્વારા કે એકબીજાને કોલ કરીને બંનેને અનુકૂળ સમય નક્કી કર્યા બાદ તેમના માટે ઓનલાઇન મીટીંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવાશે તેને કારણે બંને વેપારીઓ બિઝનેસ ડીલ યોગ્ય રીતે કરી શકે.

વર્ચ્યુઅલ એક્સ્પો રાઉન્ડ ધી ક્લોક ચાલશે વેપારી ગમે ત્યારે તેને વિઝીટ કરી શકશે.

વર્ચ્યુઅલ એક્સ્પોનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે તે રાઉન્ડ ધી ક્લોક કાર્યરત રહેશે એટલે કે વેપારીને સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધીમાં જ જે-તે સ્ટોલ કે મટીરીયલ અંગેની માહિતી મેળવવા માટે બંધાવું નહીં પડે. એક્સપોની તૈયારી માટે કામ કરી રહેલા બાબુલાલ સોનીગરા એ જણાવ્યું હતું કે વ્યાપારી ગમે ત્યારે ફ્રી થાય અને તેને મન ફાવે ત્યારે તે એક્સપોની ઓનલાઇન વિઝીટ કરી શકશે અને પોતાને જોઈતી વિગતો મેળવી શકશે તથા મટીરીયલ નો અભ્યાસ પણ કરી શકશે.

ગૌરાંગ ભગત.

નરેશ શર્મા.

બાબુલાલ સોનીગરા

TejGujarati