*સુરતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું સમગ્રતયા ફોકસ સુરત પર છે* : મુખ્યમંત્રી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

*રોજ સાંજે વિડીયો કોન્ફરન્સથી સ્થિતિનું વિશ્લેષણ – સમીક્ષા કરવામાં આવે છે*
…..
*મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી*
……
-: *મુખ્યમંત્રીશ્રી*:-
 *રાજ્ય સરકાર રૂ. ૧૦૦ કરોડ સુરતમાં નિર્માણાધિન સ્ટેમસેલ હોસ્પિટલ- કિડની હોસ્પિટલને કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તરીકે સત્વરે કાર્યરત કરવા આપશે*
 *ટેક્સ્ટાઇલ ઉદ્યોગો – ડાયમંડ ઉદ્યોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે*
 *નિયમ પાલનમાં ચૂક થશે તો આ ઉદ્યોગો બંધ કરાવી દેવાશે* *સુરત માટે વધારાના ૨૦૦ વેન્ટિલેટર રવિવાર સુધીમાં પહોંચી જશે*
 *શહેર અને જિલ્લામાં સર્વેલન્સ વધુ સઘન બનાવવાનું ડિટેઇલ્ડ પ્લાનિંગ થયું છે*
 *૧૪૫થી વધુ ધન્વંતરિ રથ સુરત શહેરમાં ૫૦૦ જેટલા સ્થળોએ નિયમિત કેમ્પ કરી ૧૨ થી ૧૫ હજાર લોકોની પ્રિવેન્ટિવ હેલ્થકેર કરે છે*
 *સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૩૦ ધન્વંતરરિ રથ કાર્યત કરવા સૂચન*
…..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સુરતમાં વધતા જતા કોરોના – કોવિડ ૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારે સુરત શહેર પર સમગ્રતયા ફોકસ કર્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લાં થોડા દિવસથી સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતાં સરકારે વધુ સઘન વ્યવસ્થાઓ ગોઠવીને આરોગ્ય અગ્રસચિવ સહિતના ચાર જેટલા વરિષ્ઠ સચિવોને સુરત કેમ્પ કરી સ્થિતિ નિયંત્રણના પ્રયાસો કર્યાં છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર રોજેરોજ સાંજે વિડીયો કોન્ફરન્સ યોજીને સુરતની કોરોના સંક્રમણ સ્થિતિની માહિતી મેળવે છે અને વિશ્લેષણ કરી યોગ્ય દિશા નિર્દેશો પણ આપે છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ સાથે સુરત પહોંચીને સુરતમાં જિલ્લા અને શહેર વહિવટીતંત્રના અધિકારીઓ, આરોગ્ય સેવાના તબીબો, IMA પ્રતિનિધિ તબીબો અને જિલ્લાના સાંસદ-ધારાસભ્યો સાથે અલગ અલગ વિસ્તૃત બેઠક યોજી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સમીક્ષા બેઠકો અંગેની વિશદ ભૂમિકા પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.
તેમણે સુરત શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર ઉપચાર માટે જે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે તેની વિગતો પણ નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સુરત શહેરમાં નિર્માણાધિન ૮૦૦ બેડની કિડની હોસ્પિટલ અને ૬૦૦ બેડની સ્ટેમસેલ હોસ્પિટલને ઝડપથી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવા રૂ. ૧૦૦ કરોડ રાજ્ય સરકાર આપશે.
સ્ટેમસેલ હોસ્પિટલ આગામી ૮ થી ૧૦ દિવસમાં અને કિડની હોસ્પિટલ ૧ મહિનામાં ઝડપથી કાર્યરત થઈ જાય તે માટેની આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવા તંત્રવાહકોને સૂચનાઓ આપી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત માટે વધારાના ૨૦૦ વેન્ટિલેટર ફાળવવાની જાહેરાત કરતાં કહ્યું કે આ વેન્ટિલેટર રવિવાર સુધીમાં સુરત પહોંચી જશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે સુરતમાં ખાસ કરીને ડાયમંડ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગોને કારણે કેસોની સંખ્યા વધી છે ત્યારે તેને અટકાવવાના ઉપાયો રૂપે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરતા હોય તેવા ઉદ્યોગોને જ સરકાર ચાલુ રાખવા દેશે.
આ હેતુસર, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ સેક્ટરના અગ્રણીઓ સાથે રાજ્ય આરોગ્ય મંત્રીશ્રી અને જિલ્લાતંત્રના અધિકારીઓ બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેશે પરંતુ નિયમોના અનુપાલન માટે સરકાર ચુસ્ત આગ્રહી છે અને રહેશે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સુરત શહેરમાં ૧૪૫થી વધુ ધન્વંતરિ રથ દ્વારા ૫૦૦ થી વધુ સ્થાનોએ નિયમિત કેમ્પ કરીને રોજના ૧૨ થી ૧૫ હજાર લોકોને તાવ, શરદી જેવી સામાન્ય બિમારીઓ માટે પ્રિવેન્ટિવ હેલ્થકેર-દવાઓ આપવામાં આવે છે તેની વિગતો આપી હતી.
સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વધારાના ૩૦ ધન્વંતરિ રથ કાર્યરત્ કરવા તેમણે તંત્રને સૂચના આપી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે આવી પ્રિવેન્ટિવ હેલ્થકેર દરમિયાન જો કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય તો તેને વધુ તપાસ-સારવાર માટે સરકારી દવાખાને રિફર પણ કરવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલાઇઝેશન દરમિયાન પોતાના સ્વજનો-સગાઓ સાથે વાતચીત કરી શકાય તે માટે મોબાઇલ સાથે રાખવાની છૂટ આપી છે તેમ પણ જણાવ્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે જે સંક્રમિત વ્યક્તિ પાસે મોબાઇલ ફોન ન હોય તેવા વ્યક્તિઓ હોસ્પિટલના કાઉન્ટર પરથી કે હેલ્થ વર્કરના મોબાઇલ ફોનથી પણ પોતાના સ્વજન સાથે સંપર્કમાં રહી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ સુરત શહેર અને ગ્રામીણ જિલ્લામાં વધુ સઘન સર્વેલન્સનું ડિટેઇલ્ડ પ્લાનિંગ થયું છે તેની વિગતો આપતા જણાવ્યું કે હવે આ સંક્રમણ વધે નહીં તે માટેની તકેદારી સરકાર અને નાગરિકોએ વિશેષરૂપે રાખવી પડશે.
આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય, ફરજિયાત માસ્કનો ઉપયોગ અને વારંવાર હાથ ધોવા, સેનિટાઇઝ કરવા જેવા રક્ષણાત્મક ઉપાયો સૌ અપનાવી કોરોના સામેની આ લાંબી લડાઈમાં વિજય મેળવે તેવી અપીલ પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
આ સમીક્ષા બેઠકો અને મુખ્યમંત્રીશ્રીની સુરત મુલાકાતમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોર કુમાર કાનાણી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, સચિવ શ્રી મિલિંદ તોરવણે અને સુરત માટે ખાસ નિમાયેલા સનદી અધિકારીઓ સહિત સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
……

TejGujarati