અનલોક:1 ? હેપી ફાધર્સ ડે.

સમાચાર

આમ તો અમારુ મકાન ગામના છેવાડે.. પાકુ અને મેડીબંધ.. પપ્પા શિક્ષક.. ગામમાં આગળ પડતા. સરકારી ચોપડે અમારા ગામમા અસ્પૃશ્યતાના લગભગ નાબૂદ થઇ ચૂકી હતી. પણ મારા પપ્પાની અનુભવી આંખે એ જોઈ લેતી હતી. હુ શહેરની મોટી કોલેજમાં પ્રોફેસર એટલે ગામના અઢારેય વર્ણના છોકરા મારૂ માન જાળવે. એજ્યુકેશન માટે સલાહ સૂચન માટે માબાપને સાથે લઇને ઘરે આવે. આખો રવિવાર મારે કાઉન્સિલીગ મા જ પસાર થઇ જતો..
હાલ તો કોરોના કારણે ગામડે જ છુ. એટલે સામાજિક અને શારીરિક અંતર જાળવીને કાઉન્સિલિંગ રોજિંદી પ્રક્રિયા બની ગઇ છે. આ બહાને સ્વર્ણો મારા વાસમા આવતા થયા છે..
‘ ભ’ઈ આ હરકોઈમાતા નુ થોનક ચ્યોં આયુ? ‘ ધરના પગથિયાથી સામાજિક અંતર રાખીને આભડછેટનો ધર્મ સાચવીને જીવકોર ડોશીએ મને પૂછયૂ.. મે માથુ ખજવાળ્યુ..
હરકોઈ માતાજી? મે પહેલીવાર આ પ્રકારના માતાજીનું નામ સાંભળ્યુ હતુ..એટલે મે સામેથી જીવકોરબાને પ્રશ્ન પૂછયો
“હરકોઈ માતાજી..?”
“અરે જેણે ભગવોન જગન્નાથજી નો રથ રોક્યો સ્ ન્ એ .. જીણે રથજાત્રા ના રોકી? એ હરકોઇ માતા.. જીવકોરે ફોડ પાડ્યો.
મારા ભેજામા લાઇટ થઇ. જીવકોરડોશી ગુજરાત હાઈકોર્ટે ની વાત કરતી હતી.. મને ખડખડાટ હસવુ આવ્યુ.. મે હસતા હસતા કહ્યુ.
” અરે બા.. રથ તમારી હરકોઇ મા એ નથી રોક્યો. અમારા બાપ.. માફ કરજો આપણા બાપે રોક્યો છે..
” આપણા બાપ એ વળી કૂણ? ”
જીવકોરની સામે જોયા વગર હુ સામે દિવાલ ઉપર લટકેલી ડો. બાબાસાહેબ આંબેડકર ની છબી સામે જોઈ રહયો.છબીમા આપણા બાપ મંદમંદ સ્મિત કરી રહ્યા હતા. એમના સ્મિતનો અર્થ હુ સમજવા લાગ્યો હતો..
હેપી ફાધર્સ ડે
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati