બેટા આપણા ઘર માં 24 કલાક નો રામલો તો રાખ્યો નથી… તારી મમ્મી ની પણ ઉમ્મર થાય છે.. એ પણ થાકે..- હિતેશ રાયચુરા.

સમાચાર

અચાનક રાત્રે ના દસ વાગે અમારા રૂમ નું બારણું ખુલ્યું…
મેં જોયું તો પિન્ટુ હતો…
તે મારી બાજુ માં આવી બેસી ગયો.
કાવ્યા પડખું ફેરવી સૂતી રહી…
મેં કીધું આવ બેટા…
પિન્ટુ હમણાં કોઈ ચિંતા માં લાગે છે…
બેટા તારો સ્વભાવ ચીડિયો કેમ થઈ ગયો છે…?
પિન્ટુ ની નજર તેની મમ્મી તરફ હતી…
તેણે રિસાઈ ને આજ સવારથી પિન્ટુ સાથે બોલવા નું બંધ કરી દીધું હતું…
કાવ્યાએ તેને ઠપકો આપ્યો એટલે તે સવારે સવાલ જવાબ કરવા લાગ્યો…
અને છેલ્લે એવું બોલ્યો મમ્મી તારો સ્વભાવ સુધાર નહીંતર તને ભવિષ્ય માં તકલીફ પડશે….
કાવ્યા ને આ શબ્દો દિલ ઉપર વાગ્યા અને તેણેે પિન્ટુ સાથે બોલવા નું બંધ કર્યું
મેં કીધું બેટા…આતો માઁ બાળક ની રમત છે ચાલ્યા કરે.
પણ એક વાત યાદ રાખજે
જયારે પણ શારિરીક માનસિક આર્થિક રીતે ઘાયલ થવા નો સમય આવે ત્યારે શાબ્દિક યુદ્ધ છેડી એક બીજા એ ઘાયલ થવા કરતાં થોડો સમય સંયમ રાખી મૌન બની સંબધો ને સાચવી લેતા શીખવુ પડે છે.
સંબધો , રૂપિયા અને આબરૂ ને બનાવતા વર્ષો લાગી જાય છે પણ ગુમાવતા એક ક્ષણ પણ નથી લાગતી તેથી તેને કાચના વાસણની જેમ સાચવતા શીખવું પડે છે.
આ આપણી કાયા માં કિંમત ફક્ત આત્મા અને જીભ ની જ છે…
જેનો આત્મા કલંકિત થયો તેનો અવતાર કલંકિત થયો અને જેની જીભ કલંકિત થઈ તેનું જીવન બરબાદ થયું…..
વ્યક્તિ ના બોલવા કે ભાષા ઉપર થી તો તેનું અસ્તિત્વ, વ્યક્તિત્વ અને સંસ્કાર મપાઈ જાય છે.
શબ્દ વિચારી બોલિયે મન રાખી ધારણ ધીર…
પાછા કદી ફરતા નથી કમાને થી છુંટેલા તિર…
આ પાનબાઈ ના ભજન ની પંક્તિ છે.
વાક્ય રૂપી બાણ નું પણ આવું જ છે…..
બેટા યાદ રાખ આપણી સફળતા નો નશો કે રૂવાબ ત્રણ વ્યક્તિઓ ઉપર કદી અજમાવવો નહીં..
માઁ બાપ , નિર્બળ, અને બાળક આ ત્રણેય લાચાર હોય છે.
એ પણ ભૂલવું નહિ..
તમને કેટલી હદ સુધી માન આપવું કે તમારી મર્યાદા રાખવી એ સામેની વ્યક્તિ ની ધીરજ સંયમ અને તેના સંસ્કાર ઉપર નિર્ભર કરતું હોય છે..
જે સાંભળી શકે છે તે સંભળાવી પણ શકે છે…
સત્ય કહેવા નો શોખ કેળવવો હોય તો સત્ય સાંભળવા ની આદત અથવા તાકાત પણ હોવી જોઈએ..
બેટા..હું એટલું બધું નમવા નું પણ નથી કહેતો કે લોકો તમારા અસ્તિત્વ ની નોંધ પણ ન લે જ્યાં તમારી લાગણી નો ઉપયોગ તેના અંગત સ્વાર્થ માટે કરતા હોય ત્યાં સ્પષ્ટ થવા માં વાર પણ ન લગાડવી જોઈએ
સબંધ સાચવવા એવી વ્યક્તિ સામે નમી જવું ..
જેની આંખોમાં તમને નમતા જોવાની જીદ ન હોય !!
લડી લેવાની તાકાત બધામાં હોય પણ અમુક ને જીત વ્હાલી હોય…તો અમુક ને સંબંધ….
ઘણી વખત કટાક્ષ કે ગુસ્સો…પરિવાર અથવા પરસ્પરના સંબંધો નો આનંદ ઝૂંટવી લે છે…
દૂધ થી ભરેલી બાસુંદી ના તપેલા નો સ્વાદ બગાડવા કેરોસીન નુ એક ટીપું પૂરતું હોય છે….
જીંદગી નું પણ આવું જ છે બેટા..
માઁ બાપ નું સર્જન માફ કરી દેવા માટે થયું છે….
ગમે તેટલો છોકરો નાલાયક હોય પણ માઁ બાપ તેનું અહિત ઇચ્છતા નથી છેલ્લા શ્વાસ સુધી તે તેની પ્રગતિ અને ભલાઈ માટે પ્રાર્થના કરતા હોય છે.
બેટા શાંતિ થી વિચાર….
તારી મમ્મી એ તને ખોટું શું કીધું હતું…
લીધેલી વસ્તુ જગ્યાએ મુકતા શીખો…એટલું જ ને…???
સવારે બ્રશ કરી બ્રશ બેઝિન ઉપર,
સવારે ચા પીધા પછી કપ રકાબી ટેબલ ઉપર,
છાપું વાંચી ને સોફા ઉપર,
બાથરૂમ માંથી બહાર આવીએ એટલે ટુવાલ પલંગ ઉપર,
ઓફિસે જતા દૂધ પીધા પછી દૂધ નો ગ્લાસ અને નાસ્તા ની પ્લેટ ટેબલ ઉપર, ઓફીસ ના કપડાં બદલી ઘર ના કપડાં ફ્લોર ઉપર..
બુટ ના પહેરેલા મોજા સોફા નીચે નાખી દેવાના..
બુટ પોલિશ કરી બ્રશ અને ડબ્બી આગળ ના રૂમ ના ટેબલ ઉપર..
ઓફિસે થી આવી બુટ તેની જગ્યા એ પણ નહિ મુકવા ના ઓફિસે પહેરેલા કપડાં ગમે ત્યાં ફેંકી દેવાના…
બેલ્ટ, પાકીટ સ્કૂટર ની ચાવી પણ ગમે ત્યાં મૂકવી અને સવારે ન મળે એટલે મમ્મી ઉપર ધુમાડા કાઢવા ના….
બેટા આપણા ઘર માં 24 કલાક નો રામલો તો રાખ્યો નથી…
તારી મમ્મી ની પણ ઉમ્મર થાય છે..
એ પણ થાકે..
છતાં પણ ઘર ના કોઈ કામ માં તને મદદ કરવાનું અમે બન્ને કદી કહેતા નથી…
તું જૂએ છે પંખા ટ્યૂબ લાઈટ, બારી ના કાચ, ડ્રેસિંગ ટેબલ નો અરીસો આ બધા ઉપર લાગેલ ધૂળ પણ વખતો વખત સાફ કરવી પડે છે એ તારી મમ્મી કે હું ટેબલ ઉપર ચઢી સાફ કરીયે જ છીયે….
આ વોશ બેઝિન કે ટોયલેટ અને બાથરુમ ચોખા જોવા મળે છે તેની પાછળ મારી કે મમ્મી ને મહેનત હોય છે.
આ બધું તારી ફરજ માં રજા ના દિવસે નથી આવતું બેટા ?
ઘર અને ધર્મશાળા વચ્ચે નો તફાવત સમજતા શીખવો પડે
હવે તારી મમ્મી થાકી છે…. લોકડાઉન ને કારણે ત્રણ મહિના થી કામવાળા નથી, ઉપર થી આપણે સહકાર ન આપીએ.. તો બિચારી કરે શુ ?
પિન્ટુ ની આંખ ભીની થઇ ગઇ…એ બાજુ માં સુતેલી મમ્મી ને માથે હાથ ફેરવી બોલ્યો મમ્મી….મને માફ નહીં કરે.
હવે થી આવી ભૂલ ફરીથી નહિ થાય…
હું બોલવા માં પણ ધ્યાન રાખીશ…
હું મારાં તમામ કામ જાતે કરીશ અને તને ઘર કામમાં પણ મદદ કરીશ…હવે તો બોલ….
કાવ્યા ઉભી થઇ ….પિન્ટુ ને ભેટી પડી બેટા… ખરાબ ન લગાડ..બેટા… પણ હું જે કરી રહી છું તારા ભલા માટે..
ભવિષ્ય માં તારા લગ્ન થાય તારી પત્ની પણ સર્વીસ કરતી હોય ત્યારે તારો આ વ્યવહાર વર્તન અને આદત ઘર ની અશાંતિ નું કારણ બની જશે..
આપણે ઘણી વખત આવનાર વહુ ને કહીયે છીયે કે પિયર થી કંઈ શીખી ને નથી આવી તેમ એ પણ અમને કહે તમે છોકરા ને માથે ચઢવ્યો છે.
મમ્મી મારી ભૂલ થઈ ગઈ. હું થોડા ટેન્શન માં હતો અમારી કંપની માં 50% સ્ટાફ ઓછો કરી રહ્યા છે..
નોકરી ઉપર લટકતી તલવાર, નવી જોબ માટે ના અત્યારે વિકલ્પ પણ બંધ છે…આ બધા વિચારો માં મારાથી તારી સાથે ઉદ્ધત વર્તન થઈ ગયું મને માફ કર મમ્મી કહી પિન્ટુ કાવ્યા ના ખભે માથું મૂકી રડી પડ્યો…
મેં કીધું અરે બેટા ખાનગી કંપનીઓ માં નોકરી કરનાર દરેક વ્યક્તિઓ એ આ બધી તૈયારીઓ રાખવાની જ હોય છે…
તેમાં મુંઝાવા ની જરૂર નથી
સમય સારો હોય ત્યારે બચત કરતા શીખી, દેખાદેખીથી દૂર રહો તો કોઈ પણ પ્રકાર ની તકલીફ નો તમે સામનો કરી શકશો
અને તું ઘર ની બહાર થોડો બેઠો છે…
તારી કંપની વાળા કાલે ના પાડતા હોય તો આજે ના પાડે…
એવી તેમની ધમકીઓ થી ગભરાવાનું નહિ….
સારો સ્ટાફ ગુમાવ્યા પછી જલ્દી બજાર માંથી એમ મળતો પણ નથી..
અને આ આફત કદાચ છ મહિના, પછી ?
બાકી ફરીથી કેનેડા જવા ની તારી તૈયારી ચાલુ કરી દે….
તારા પપ્પા મમ્મી બેઠા છે..
નોકરી કે રૂપિયાની ચિંતા કરવા ની જરાય જરૂર નથી…
અત્યારે તારી ઉમ્મર રૂપિયા કમાવવા કરતા આવડત બતાવવાની છે…
એક વખત આવડત હશે તો એ લોકો જ તને ગોતતા આવશે.. સમજ્યો….
આનંદ માં રહે બેટા.
પિન્ટુ મને ભેટી ને બોલ્યો …
આવી ગંભીર અને ચિંતાજનક સ્થિતીમાં પણ તમે મને હિંમત આપી હળવો કરી દીધો…પપ્પા
બેટા છેલ્લે….એટલું જ કહીશ..
જીંદગી માં બધું હારી જજે પણ હિંમત કદી ન હારતો..
ભગવાન નું નામ લેવા થી રૂપિયા વાળા નથી થવાતું પણ ખોટા નિર્ણયો લેવા થી દૂર તો રહીયે છીયે…
સંઘર્ષ દરમ્યાન તમને શાંતિનો એહસાસ થાય તો સમજી લ્યો એ પ્રભુ કૃપા જ છે…
પિન્ટુ હસતા હસતા બોલ્યો…
આજ થી હું આત્મનિર્ભર બનવાની પ્રતિજ્ઞા લઉં છું…
અમે બધા હસી પડ્યા… – હિતેશ રાયચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •