અતિતના ઓછાયા. – ભાવિની નાયક.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

અતિતના ઓછાયા
લગભગ સાડા નવ થવા આવ્યા હતા. આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા. ડોરબેલ વાગી.શોભાબહેને દરવાજો ખોલવા ગયા.બારણે સુમિત અને શેફાલી હતા.શોભાબેહેને બન્ને સામે સ્મિત કર્યું .પણ વળતું સ્મિત માત્ર સુમિતે જ કર્યું.શેફાલી કઇ બોલ્યા વગર અંદર ચાલી ગઇ. શોભાબેહેને સુમિતને પાણી આપ્યું. થોડીવારે શોભાબહેનના રસોડામાં આભ ફાટ્યું.શેફાલી ગુસ્સે ભરાઈ હતી. તમે રોજ તમારું ગમતું જ બનાવો છો.અમારી તો તમને પરવા જ નથી.
શોભાબહેન વિલાયેલા મોં એ ચૂપચાપ બધું સાંભળતા હતાં. એ કહી શક્યા હોત નોકરી કરતી વહુને તૈયાર ભાણું આપવું એ શું ઓછું છે?પણ સુમિતને જોઈને એ ચૂપ જ રહ્યા.શેફાલીની જીદ આગળ સુમિતની હાર થઈ.અને બન્ને બહાર જમવા જતાં રહ્યાં. શોભા બહેનને ખૂબ દુઃખ થયું. તે અતીતની યાદોમાં ખોવાઈ ગયા.
સત્તર વર્ષની ઉંમરે શોભા બહેનના લગ્ન સુભાષ ભાઇ સાથે થયા હતા. અને એ નાનકડા ગામમાં એમના સાસરે આવ્યા.પોતે પ્રિ પીટીસી કરેલું હતું. સુભાષભાઈ ના સમજુ સ્વાભાવના લીધે નોકરીની રજા મળી ગઈ હતી.ઘરમાં સાસુ સસરા એક એક નણંદ એક દિયર હતાં.સસરાએ પણ ઘરની પરિસ્થિતિ જોઈને નોકરીની છૂટ આપી.હરખઘેલા શોભા બહેન સવારે બધું કામ પતાવીને શાળાએ જાય.આવીને રસોઈ બનાવતા બનાવતા દિયર અને નણંદને ભણાવે. સુભાષભાઈ નોકરીએથી આવે.એટલે બધા જોડે વાળુ કરે અને રાતે બધા દિવસભરની વાતો કરીને સુઈ જાય.
લગ્નના પાંચ વરસે ઘરની સ્થિતિ તો ઘણી સુધરી હતી.પણ શોભબહેનનો ખોળો હજી ખાલી હતો.ઘરના લોકો કાઈ ન બોલે પણ બહારના લોકોના મોઢે તાળા ક્યાં બાંધવા?કેટકેટલી દવા અને દુવાઓને પરિણામે તેમના ઘરે પારણું બંધાયું અને સુમિત જેવા સુંદર દીકરાનો જન્મ થયો.
હવે સુભાષભાઈના ભાઈ બહેન પરણી ગયા હતા.અને બા બાપુજી ધામમાં ગયાં હતાં.તેથી તેઓએ ગામ છોડી શહેરની વાટ પકડી.સુમિતના લીધે શોભબેહેને નોકરીમાંથી સ્વેચ્છાએ વી.આર. એસ લઇ લીધું.અને એની સાંભળમાં જીવન પૂરું કરવાનો સંકલ્પ લઇ લીધો.સુમિત પણ કહ્યાંગરો અને સંસ્કારી.સુમિત ભણીગણીને ચાર્ટડ એકાઉટન્ટ બન્યો.એના માંગા આવવા લાગ્યા.
પરંતુ તે શેફાલીના પ્રેમમાં હોઈ માતાપિતાએ દીકરાની ખુશીમાં ખુશ થઈ ધામધૂમથી લગ્ન કર્યા.શરૂઆતમાં જ શેફાલીના વર્તનને સુભાષભાઈ કળી ગયા હતા અને શોભા બહેનને એમણે ગામ જવાની વાત કરી હતી. પણ માનુ હૃદય એમ થોડી માને?એ રાજી ન થયા.ગામમાં ઘર અને જમીન હોવા છતાં તેમને તો પોતાના દીકરા સાથે જ રહેવું હતું.શેફાલી નોકરી કરતી હોવાથી શોભબહેનની ઘરની જવાબદારીઓમાં એના આવ્યા પછી પણ કોઈ ઘટાડો ન થયો.
થોડા મહિનાઓમાં જ સુભાષભાઈનું અવસાન થયું.અને હવે શોભાબહેન સાવ એકલા થઈ ગયા.ઉંમરને કારણે હવે એમને પણ થાક લાગતો હતો.ઘરમાં અન્ય કામમાટે તો નોકર હતાં. પણ શોભા બહેને રસોઇ જાતે જ બનાવવાનું નક્કી કર્યું હોઈ એ જ બનાવતા હતા.પણ તેમની રસોઈ શેફાલીને ભાવતી નહિ .આજના આ વર્તને શોભબહેનને ખૂબ દુઃખી કર્યા હતા. રાતે બન્ને આવ્યા ત્યારે શોભા બહેન સુઈ ગયા હતા.સવારે જ્યારે સુમિત ઉઠ્યો ત્યારે ડાઈનીંગ ટેબલ પર એક કાગળ હતો બેટા તારી પરવા કરનાર આવી ગઈ છે એ હું ભૂલી ગઈ હતી.અને મારી પરવા કરવાની હવે તારે જરૂર નથી તમે બન્ને સુખેથી રહો એ જ પ્રાર્થના. કાગળ વાંચીને સુમિત ચોધાર આંસુએ રડ્યો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •